બિન ખેતીની મંજૂરી સમગ્ર રાજ્યમાં શરૂ

મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ
45 દિવસમાં મંજૂર કરવામાં આવી છે. 15 માસ જેટલા ટૂંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થશે.

6 ડિસેમ્બર 2018માં રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બનાવ્યા બાદ હવે સમગ્ર રાજ્યમાં આ પધ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્ય સરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઈન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહેલ છે અને વધુ 8 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન થવા જઈ રહી છે.

ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી / બિનખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમિયમની પરવાનગી, જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી, જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ખ) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,  જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત કરવું, જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65 ની શરતોનું પાલન ન કરવામાં
આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી, ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી, ગણોતધારાની કલમ-63(AA) હેઠળ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી અને ઈ-ધરામાં વારસાઈ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

ફરી જાહેરાત
મહેસુ પ્રધાને 28 સપ્ટેમ્બર 2018માં આ જ જાહેરાત કરી હતી. હવે ફરીથી તે જ જાહેરાત તેઓએ કરી છે. ઓન લાઈન એન.એ.(બિન ખેતી)નો અમદાવાદ-ગાંધીનગર ખાતે હાથ ધરાયેલ પાયલોટ પ્રોજેક્ટ બાદ આગામી સમયમાં રાજ્યભરમાં લાગુ કરાશે, એવું કહ્યું હતું. ગાંધીનગરમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરોની ત્રિમાસિક કોન્ફરન્સમાં કહ્યું હતું.

રાજકોટમાં નિષ્ફળ

રાજકોટમાં બિનખેતી ઓન લાઈન બિનખેતી કરવાની પ્રોસેસમાં એક પણ અરજદારે ઉત્સાહ બતાવ્યો નથી. નવી એક પણ બિનખેતી ઓનલાઈન અરજી આપી નથી. રાજય સરકારે બિન ખેતીમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા સ્તુત્ય પગલુ ભર્યુ છે. બિન ખેતીમાં જરૂરી તમામના વાંધા પ્રમાણપત્ર તત્કાલ મળી જાય તે માટે સરકારના તમામ વિભાગો કે જે જમીન સંલગ્ન છે તેનો તમામ રેકોર્ડ હવે ઓન લાઈન ઉપલબ્ધ કરાવી તમામ વિગતો કોમ્યુટરાઈઝડ કરી છે. બિન ખેતી ઓન લાઈન અરજીમાં તમામ ના-વાંધા પ્રમાણપત્ર માટે કલેકટર કચેરીની બિનખેતી શાખા દ્વારા જુદા જુદા સરકારી ખાતાઓ પાસેથી ઓન લાઈન અરજી માત્ર 10 દિવસમાં કરી દેવામાં આવે છે અને મંજુરી અપાયા છે.
પરંતુ રાજકોટમાં અરજદારો બિનખેતી ઓન લાઈન કરાવવામાં ઉત્સુક નથી. લાંબી કડાકુટ તેમજ આકરા સોગંદનામા, પ્રોસેસ ફી ગુમાવવાનો ભય સહિતના કારણો બિનખેતી ઓન લાઈન અરજીમાં વિલન હોવાનું સમજાય છે. રાજકોટમાં બિનખેતી ઓન લાઈન કામગીરી શરૂ કરવામાં આવી તે પૂર્વે 40 અરજીઓ મેન્યુઅલી રજુ થઈ છે. અરજદારો ઓનલાઈન પદ્ધતિમાં રસ દાખવ્યા નથી. એક અરજી ઓનલાઈન થયા બાદ નવી એક પણ બિનખેતી ઓનલાઈન અરજી આવી નથી. સામા પક્ષે સરકારે પ્રસાર-પ્રસાર પણ કર્યો નથી. ઉપરાંત અરજદારો ‘નિરસ’ હોય તેવું મનાય છે. ઓન લાઈન અરજીમાં આઈ.ડી. મોબાઈલ નંબર સહિતની વિગતો મુકવી ફરજીયાત છે. તમામ જાણ મેઈલ દ્વારા કરવામાં આવે છે. રાજકોટના લોકો ઓન લાઈન બિનખેતીમાં બડુ ઉત્સાહિત નથી તેમાં મેઈલ ખોલવો, ઓન લાઈન જ જવાબ આપવો, કવેરી સુધારવી, ઓનલાઈન નાણા ભરવાની કડાકુટમાં પડવા માંગતા નથી. આવા વિવિધ કારણોસર રાજકોટમાં બિનખેતી ઓનલાઈન યોજના ફલોપ જાય તેવા અણસાર મળી રહ્યા છે.