[:gj]બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી[:]

[:gj]અમદાવાદ સોમવાર

એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે.

બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને પગલે આવા ‘કબીરસિંઘ’ ટાઈપના ડોક્ટર્સ દર્દીઓ માટે પણ જોખમરૂપ હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે. આ ઘટનાને પગલે કોલેજના ઉચ્ચ અધિકારીઓ સહિત શાહીબાગ પોલીસ પણ હોસ્ટેલ પર ધસી ગઈ હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કર્યા હતા આક્ષેપ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ છૂટથી મળતો હોવાનું નિવેદન આપતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તીખી પ્રતિક્રિયા આપતાં દારૂના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ તબક્કે બી.જે. મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સની હોસ્ટેલના ધાબા પરથી સાફસફાઈ દરમિયાન રૂ.બે હજારથી માંડીને દસ હજારની કિંમતની દારૂની મોંઘી બ્રાન્ડની લગભગ ૫૦થી પણ વધુ ખાલી બોટલો મળી આવતાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર મચી ગઈ છે. આ સાથે પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ અને નાસ્તાના પડીકાં પણ મોટા પ્રમાણમાં મળ્યાં હતાં.

મચ્છર ઉપદ્રવની સફાઈ દરમિયાન ખૂલ્યું કૌભાંડ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ડેન્ગ્યૂને પગલે સાફસફાઈ માટે બી.જે. મેડિકલ કોલેજનો સેનેટરી વિભાગનો સ્ટાફ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલ ખાતે કામગીરી કરી રહ્યો હતો. ત્યારે હોસ્ટેલના ધાબા પર મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો પડી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બી.જે. મેડિકલના સેનેટરી વિભાગ, પી.જી. હોસ્ટેલના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. અલબત્ત આ સમાચાર મીડિયામાં ફેલાતાં દારૂની ખાલી બોટલો હટાવી લેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, એકતરફ રાજ્ય સરકાર જ્યાં ઉચ્ચકક્ષાનું મેડિકલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રીટમેન્ટની વાતો કરે છે. ત્યારે પી.જી ડોક્ટર્સની હોસ્ટેલમાંથી દારૂની આટલી મોટી સંખ્યામાં બોટલ મળતાં દારૂડિયા ‘કબીરસિંઘ’ ડોક્ટર્સ દ્વારા દર્દીઓની કેવી સારવાર કરવામાં આવતી હશે એ મુદ્દે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

પી.જી. હોસ્ટેલના ડાયરેક્ટર શું કહે છે?

આ અંગે પી.જી. હોસ્ટેલના ડાયરેક્ટર ડો.એમ.એફ. શેખ કહે છે કે, હોસ્ટેલના બંને બ્લોક પર જવા માટે ચાર જેટલા પ્રવેશદ્વાર છે. આથી દારૂની બોટલ કોણ લઈને આવે છે એ જાણવું મુશ્કેલ છે. જો કે અમે ધાબાના દરવાજા બંધ કરાવી દીધા છે અને ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા પણ ઈન્સ્ટોલ કરાવીશું.

પી.જી હોસ્ટેલમાં રોજ પાર્ટીનું આયોજન

બી.જે. મેડિકલ કોલેજના જ એક અધિકારી નામ ન આપવાની શરતે જણાવે છે કે, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પી.જી. હોસ્ટેલના કુલ બ્લોક નં.૧ અને ૨ આવેલા છે. ચાર માળની પી.જી. હોસ્ટેલમાં અંદાજે કુલ ૫૫૦ રૂમ આવેલી છે, જે પૈકી ૧૦૦ ખાલી છે. આ હોસ્ટેલમાં લગભગ ૧૫૦ જેટલી મહિલા વિદ્યાર્થિનીઓ પણ રહે છે. આ તમામ પી.જી. ડોક્ટર્સને દર મહિને રૂ.૬૦૦૦૦ કરતાં પણ વધુ સ્ટાઈપેન્ડ મળે છે, જેથી પૈસાની રેલમછેલ હોવાથી અહીં કોઈને કોઈ રૂમમાં લગભગ રોજ દારૂની પાર્ટી યોજાય છે.

પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બે મહિના પહેલાં દારૂની ૨૫૦ ખાલી બોટલો મળી હતી

સૂત્રો જણાવે છે કે, બે મહિના પહેલાં એક સફાઈકર્મીને પી.જી. ડોક્ટરે પોતાનો રૂમ સાફ કરવા દબાણ કરતાં મામલો કોલેજના ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો, જેથી અધિકારી જાતે હોસ્ટેલ પર નિરીક્ષણ કરવા જતાં ત્યાંનું દૃશ્ય જોઈ ચોંકી ગયા હતા. તે રૂમમાં આગલી રાતે કોઈ ડોક્ટરની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવામાં આવી હોવાથી ઠેરઠેર કાચાં ઈંડાં વેરાયેલાં પડ્યાં હતાં અને દારૂની બોટલો પણ પડી હતી. વધુ તપાસમાં ત્યારે હોસ્ટેલના ધાબા પરથી વિદેશી દારૂની ૨૫૦ જેટલી બોટલો મળી હતી. જો કે તે બોટલો ત્યાંથી તાત્કાલિક હટાવી દઈ મામલો દબાવી દેવામાં આવ્યો હતો.

હોસ્ટેલના પ્લાનમાં હોવા છતાં હજુ સીસીટીવી લગાડ્યા નથી

ઉલ્લેખનીય છે કે, દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટના બાદ કોલેજ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દારૂ પીનારા અને સપ્લાય કરનારાને ઝડપવા તપાસ હાથ ધરી છે. આ તબક્કે સીસીટીવીની જરૂરિયાત અનુભવાય છે. હોસ્ટેલના મૂળ પ્લાન મુજબ અહીં સીસીટીવી ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હોવા છતાં હજુ લગાવાયા નથી, જે તંત્રની બેદરકારી છતી કરે છે.[:]