[:gj]માનવ અધિકારોના મશાલચી ગૌતમ ઠાકર નું અવસાન[:]

[:gj]પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી ઝ ના ગુજરાતના મંત્રી અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ગૌતમ ઠાકર નું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે.

72 વર્ષના ગૌતમ ઠાકર ગુજરાતમાં માનવ અધિકારોના રક્ષણની તથા રાજકીય અને નાગરિક સ્વતંત્રતાની ચળવળ સાથે છેલ્લાં 50 કરતાં વધુ વર્ષોથી ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમ્યાન તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. માનવ અધિકારો માટે તેમણે સતત લડત આપી હતી અને દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને બાળકો સહિતના નાગરિક અધિકારો ના રક્ષણ માટે તેમણે તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો સામે બાથ ભીડી હતી.

બંધારણમાં નિર્દિષ્ટ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે તેઓ સતત નાગરિક જાગૃતિનું કામ કરતા રહ્યા હતા. બેંક કર્મચારીઓ અને અધિકારીઓ ના સંગઠનના તેઓ દાયકાઓ સુધી મંત્રી પદે રહ્યા હતા અને કામદાર ચળવળને તેમણે મજબૂત બનાવી હતી.

તેઓ મહાન ક્રાંતિકારી નેતા એમ એન રોયના ઉદ્દામવાદી માનવવાદ ના વિચારો અને જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના વિચારોથી આકર્ષાઈને જાહેર જીવન માં પ્રવેશ્યા હતા અને ગુજરાતમાં જ્યાં પણ નાગરિક સ્વતંત્રતાનું અને ન્યાયનું હનન થાય ત્યાં તેનો વિરોધ કરવાનો અને તેના રક્ષણ માટે કામ કરવાનો તેમનો જૂઝારુ સ્વભાવ હતો.

નાગરિક સમાજની અનેક સંસ્થાઓ સાથે સંકલન કરીને તેમણે હંમેશાં નાગરિક આઝાદીની જ્યોત જલતી રાખી હતી. કોઈ પણ રાજકીય પક્ષની કે નેતાની શેહશરમ માં આવ્યા વિના તેમણે કાયમ સ્વતંત્રતાની અને માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન ની જ ચિંતા કરી હતી.

– પ્રો હેમંતકુમાર શાહ
– મહેશ પંડ્યા
(પિયુસીએલ ના રાષ્ટ્રીય કારોબારી સદસ્યો)
તા. 08-09-2018[:]