[:gj]મેડિકલમાં આર્થિક પછાતની ૩૦ બેઠકો ભરવા કેન્દ્રની મંજુરી[:]

[:gj]કાઉન્સિલે ૧૨ કોલેજોમાં વધારાની ૩૦ બેઠકો EWS કેટેગરીમા આપતાં કુલ ૩૬૦ બેઠકો વધી

વધારાની બેઠકો હવે બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે
મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર થયા બાદ સરકાર દ્વારા ૨૫ ટકા બેઠકો EWS કેટેગરી પ્રમાણે વધારવાની જાહેરાત કરી હતી. દરેક કોલેજોમાં ૫૦ બેઠકો વધારવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે કાઉન્સિલ દ્વારા માત્ર કેટલીક કોલેજોને EWS કેટેગરીમાં માત્ર ૨૦ બેઠકો વધારવાની મંજુરી આપી હતી. જો ૨૦ EWS કેટેગરીની બેઠકો પ્રમાણે કાર્યવાહી થાય તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ મુદ્દે ગુજરાત સરકારે કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સમક્ષ કરેલી રજૂઆતના અંતે તાજેતરમાં કાઉન્સિલ દ્વારા દરેક ૧૨ કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૩૦ લેખે કુલ ૩૬૦ બેઠકો આપવાની મંજુરી આપી દેતાં હવે આગામી દિવસોમાં થનારા પ્રવેશના બીજા રાઉન્ડમાં આ બેઠકો સામેલ કરી દેવામાં આવશે.
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પૈકી જેઓ આર્થિક રીતે પછાત હોય તેમને EWS કેટેગરીમાં સામેલ કરીને અલગથી અનામત આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ ગુજરાત સરકારે મેડિકલ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં EWS લાગુ કરીને ૨૫ ટકા બેઠકો વધારવાની જાહેરાત કરી દીધી હતી. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આરોગ્ય મંત્રીએ પણ દરેક મેડિકલ કોલેજોમાં ૫૦ બેઠકોનો વધારો થશે તેવી જાહેરાત કરી હતી. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા EWS કેટેગરીમાં ૫૦ બેઠકોની મંજુરી આપવાના બદલે માત્ર ૨૦ બેઠકોની જ મંજુરી આપવામાં આવી હતી. પ્રવેશ સમિતિ દ્વારા EWS કેટેગરીની ૨૦ બેઠકોના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે જો EWS કેટેગરીમાં ૨૦ બેઠકો સાથે જ પ્રવેશ પ્રક્રિયા થાય તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ફાયદો થવાના બદલે ઉલટાનુ ૪ થી ૫ બેઠકોનુ નૂકશાન સહન કરવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ મુદ્દે પ્રવેશ સમિતિ દ્વારા સરકારનુ ધ્યાન દોરવામાં આવતાં તાકીદે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ ૨૮થી ૨૯ બેઠકો વધારવાની માંગણી કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયાનો હાલમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજયને દરેક કોલેજોમાં વધુ ૩૦ બેઠકો EWS કેટેગરીમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આ અંગે સત્તાવાર જાહેરાત કરીને ગૃહને એવી જાણકારી આપી હતી કે અગાઉ ૨૦ બેઠકો EWS કેટેગરીમાં આપ્યા બાદ રાજય સરકારની રજૂઆતના પગલે હવે ૧૨ મેડિકલ કોલેજમાં વધારાની ૩૦ બેઠકોની મંજુરી આપી દેવામાં આવી છે.[:]