Published on July 19, 2018
કાશ્મીરમાં પીડીપી સાથે છેડો ફાડીને ભાજપે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે
રાજકારણના રંગ, મહેશ દોશી, પૂર્વતંત્રી, ફૂલછાબ (રાજકોટ), m-doshi@hotmail.com
કોઈપણ દેશમાં, નવા રાજકીય પક્ષનો ઉદય સત્તાધીશોના દમન, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, અને અન્યાય સામે પ્રજાને જાગૃત કરીને લડત આપવાના અને આખરે પ્રજાને જુલ્મમાંથી મુક્તિ અપાવીને સુચારુ શાસનની પુનઃસ્થાપનાના હેતુથી થતો હોય છે. લોકસેવા અને લોકજાગૃતિની ચળવળ એ કોઈપણ રાજકીય પક્ષની અનિવાર્ય બાબતો છે. શાસન રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે પછી લોકશાહી હોય, શાસકોની પ્રજાવિરોધી તેમજ અન્યાયકારી નીતિઓ સામે વહેલો મોડો અવાજ ઉઠે જ છે અને આખરે તેઓ સત્તાભ્રષ્ટ થાય પછી નવી શાસન વ્યવસ્થા રચાય છે.
મોગલો અને અંગ્રેજો વેપાર કરવાના નામે ભારતમાં ઘૂસ્યા અને એક પછી એક પ્રદેશ પર કબજો જમાવતા ગયા. બાપિકી જાગીર હોય તેમ દરેક પ્રદેશમાં તેઓએ સત્તા બથાવી પાડી. તેઓએ જુલ્મી શાસનનો દોર સેંકડો વર્ષો સુધી ચલાવ્યો. ભારતીય પ્રજાએ તેઓની સામે વખતોવખત અવાજ ઉઠાવ્યો પરંતુ, એકસંપ પ્રયાસોના અભાવે વિદેશીઓ અને વિધર્મીઓની મનમાની ચાલતી રહી. આ દેશને લૂંટવામાં અને લાખો, કરોડો નિર્દોષ ભારતીયોની કત્લેઆમ ચલાવવામાં તેઓએ પાછું વળીને જોયું નહોતું. મોગલોને અંગ્રેજોએ મારી હઠાવ્યા પરંતુ, પ્રજા માટે તો ભૂત ગયું ને પલિત ઘૂસી ગયા જેવો ઘાટ સર્જાયો હતો. આખરે દેશભરમાં સ્વાતંત્ર્યની જબરદસ્ત ચળવળ ઉપડી, દાયકાઓ સુધી લડત ચાલી, પ્રજાના અનેક બલિદાનો બાદ આખરે અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી.
દેશમાં લોકશાહી શાસન સ્થપાયું અને સ્વાતંત્ર્ય ચળવળની આગેવાની લેનાર કોંગ્રેસે સત્તાના સૂત્રો સંભાળ્યા. વિદેશીઓ અને વિધર્મીઓની ધૂંસરીમાંથી છૂટેલી પ્રજાએ કોંગ્રેસ પાસે અનેકવિધ અપેક્ષાઓ રાખી હતી પરંતુ, છ-છ દાયકા સુધી સત્તા ભોગવનાર કોંગ્રેસ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહીં. હિન્દુ દ્વેષ, મુસ્લિમ તુષ્ટિકરણ અને અમર્યાદ ભ્રષ્ટાચાર જાણે કોંગ્રેસની ઓળખ બની ગયા. આના કરતાં તો રાજાશાહી અને અંગ્રેજોનું શાસન સારું હતું એવી પ્રતીતિ ભારતીય પ્રજાએ અનેક વખત કરી. કોંગ્રેસ સામે જુદા જુદા અનેક રાજકીય પક્ષો, મોરચાઓ ઉગ્યા અને આથમી ગયા પરંતુ, ‘આરએસએસ’માંથી પ્રગટેલા (જનસંઘ), ભાજપે કોંગ્રેસને બરાબરની ટક્કર આપી. આજે ભારતભરમાં ભાજપના વાવટા ફરકી રહ્યા છે અને કોંગ્રેસ પોતાના અસ્તિત્વના સૌથી ખરાબ સમય સામે ઝૂઝી રહી છે.
આમ, કોઈપણ રાજકીય પક્ષ માટે સત્તા તેના અસ્તિત્વના હિસ્સારૂપ હોય છે પરંતુ, સમય આવ્યે ગમે તેવી સતાનો ત્યાગ કરીને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણવું એ આજના સમયમાં, આજની રાજનીતિમાં અત્યંત વિરલ ઘટના ગણાય. કોંગ્રેસ ક્યારેય આવી મહાનતા દર્શાવી શકી નથી. ભાજપે કાશ્મીરમાં પીડીપી સાથે જોડાણ કરીને રાજ્યના શાસનમાં હિસ્સેદારી મેળવી ત્યારે ઘણા લોકોએ ભાજપ સત્તા લાલસુ છે અને સત્તા માટે ભારત વિરોધી પક્ષ સાથે જોડાણ કર્યું એવા આક્ષેપો કર્યા હતા. પરંતુ, વાસ્તવમાં ભાજપનો એ નિર્ણય યોગ્ય હતો. રાજ્યની સત્તામાં હિસ્સેદાર રહીને ભાજપે પીડીપી ઉપર ખુબ જ કંટ્રોલ રાખ્યો હતો; અનેક બાબતોમાં રાષ્ટ્રહિત વિરુદ્ધની પીડીપીની મનમાની ચાલવા દીધી નહોતી. કાશ્મીરના સમગ્ર વહીવટી તંત્રમાં ઊંડે સુધી પગપેસારો તો જ થઇ શકે જો તમે સત્તા પર હો. ભાજપે આ કામ કર્યું છે. કાશ્મીરમાં પીડીપી હોય કે નેશનલ કોન્ફરન્સ, સત્તા પર રહીને તેઓએ હંમેશા પાકિસ્તાનની જ તરફેણ કરી છે અને ભારતની નીતિઓનો વિરોધ કર્યો છે. સત્તામાં હિસ્સેદાર રહીને પીડીપીને મનમાની કરતાં અટકાવી એ ભાજપની સૌથી મોટી સિદ્ધિ છે. સત્તામાં ભાગીદાર રહીને ભાજપે ત્રાસવાદી ગતિવિધિઓની રજે-રજ વિગતો મેળવી લીધી એ નાની બાબત નથી.
૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકાર રચાઈ એના લગભગ એક વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે જોડાણ કર્યું અને રાજ્યની સત્તામાં ઐતિહાસિક હિસ્સેદારી મેળવી હતી. પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સૈયદે આને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનું મિલન ગણાવ્યું હતું. મીંયા અને મહાદેવ મિત્ર બને એવી આ વાત હતી પરંતુ, પ્રખર હિન્દુ રાષ્ટ્રવાદી આરએસએસ અને ભાજપનો આ ‘માસ્ટર સ્ટ્રોક’ હતો. મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદનું અવસાન થતાં, જાન્યુઆરી ૨૦૧૬માં મેહબૂબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી-ભાજપની સંયુક્ત સરકાર રચાઈ હતી. ત્રણ ત્રણ વર્ષ સુધી ભાજપે કાશ્મીરમાં પાકિસ્તાન તરફી અલગતાવાદી અને ત્રાસવાદી તત્વોને ખુબ જ નિયંત્રણમાં રાખ્યા પરંતુ, પીડીપીની મનમાની વધી જતાં અંતે સત્તા કરતાં રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપવાનું ભાજપે શ્રેયકર માન્યું. ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને ૧૯ જુન ૨૦૧૮ના રોજ મેહબૂબા સરકારનું પતન થયું.
વાસ્તવમાં, કેન્દ્ર અને કાશ્મીર બંને સ્થાને ભાજપ સત્તા પર આવતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. આથી આઇએસઆઇએ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધિઓને છૂટ્ટો દોર આપી દીધો હતો. કાશ્મીરના અલગતાવાદીઓ અને તેઓને ટેકો આપતા મુસ્લિમ રાજકીય નેતાઓ કોઈપણ હિસાબે રાજ્યમાં શાંતિ સ્થપાય તેવું ઈચ્છતા નથી. પીડીપી હોય, હુર્રિયત હોય કે નેશનલ કોન્ફરન્સ બધા એકસમાન જ છે. ભાજપનો ટેકો લીધા વિના પીડીપી કાશ્મીરમાં સત્તા મેળવી શકે તેમ નહોતી એટલે ‘કશૂળે કળથી ખાવી પડી’ એવો ઘાટ રચાયો હતો. પીડીપીના નેતાઓ એવું માનતા હતા કે, ભાજપનો ટેકો લઈને પણ એક વખત સત્તા હાંસલ કરી લઈએ પછી ભાજપ પણ તેઓની મનમાની ચલાવી લેશે. પીડીપી એવું ઈચ્છતી હતી કે, કાશ્મીરના ભાગલાવાદીઓ અને ત્રણ ત્રણ દાયકાથી ભારત વિરુદ્ધ પરોક્ષ યુદ્ધ લડી રહેલાં પાકિસ્તાન સાથે વાટાઘાટ કરીને ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે બાંધછોડ કરે. ભાજપે ખુબ ધીરજ રાખી, ખુબ સહન કર્યું પરંતુ, અલગતાવાદીઓને સમર્થન આપવામાં પીડીપી હદ વળોટી જતાં આખરે રાષ્ટ્રહિતમાં ભાજપે ગઠબંધન તોડી નાખ્યું. સત્તા નહીં, રાષ્ટ્રહિત જ સર્વોપરી છે એ વાત ભાજપની નેતાગીરીએ વધુ એકવખત પુરવાર કરી દેખાડી.
રમઝાન મહિના દરમિયાન, ત્રાસવાદીઓ સામે સશસ્ત્ર કાર્યવાહી મુલતવી રાખીને કેન્દ્રની મોદી સરકારે મોદી બહુ મોટી ઉદારતા દાખવી હતી પરંતુ, ત્રાસવાદીઓએ રમઝાનમાં પણ સુરક્ષા દળો અને નિર્દોષ સામાન્ય નાગરિકો પર હુમલા ચાલુ રાખીને વધુ એકવખત દગાબાજ માનસિકતા છતી કરી. ઇદના દિવસે તો તેઓએ હદ વળોટી દીધી. એક લશ્કરી જવાન ઔરંગઝેબ અને બીજા પત્રકાર તંત્રી શુજાત બુખારીની ઠંડા કલેજે ક્રૂર હત્યા કરી. કાશ્મીર ખીણમાં ઠેકઠેકાણે બોમ્બધડાકા કર્યા અને સુરક્ષા દળોના અનેક સ્થાનો પર હુમલા કર્યા. ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે’ એ વધુ એકવખત પુરવાર થયું. ખીણમાં પરિસ્થિતિ અત્યંત કાબુ બહાર જઈ રહી હતી તેમ છતાં, પીડીપી ‘યુદ્ધવિરામ’ લંબાવવાનો અને પાકિસ્તાન તથા કાશ્મીરમાંના તેના ‘એજન્ટો’ સાથે વાટાઘાટો યોજવાનો આગ્રહ કરી રહી હતી.
પીડીપીના નેતાઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદ અને દેશના સાર્વભૌમત્વ તેમજ અખંડિતતાની વાતો કરતાં હતા અને કાશ્મીરમાં દેશદ્રોહી તત્વો સાથે હાથ મિલાવવાનો આગ્રહ રાખતા હતા. ભાજપને આ મંજુર નહોતું. છેડો ફાડ્યા સિવાય છૂટકો જ નહોતો. ભાજપે અનેક પ્રસંગે પીડીપીના નેતાઓ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ રાષ્ટ્રવાદ અને ભાગલાવાદ બેમાંથી એકની પસંદગી કરી લે; બેધારી નીતિ ચાલી શકશે નહીં. “અમે તો કહેતા જ હતા કે આ લાંબુ નહીં ચાલે…” એવા મહેણાં ટોણાં આજે ભાજપ અને પીડીપી બંને સાંભળી રહ્યાં છે પરંતુ, સમગ્ર દોરમાં ભાજપે કશું ગુમાવ્યું નથી. અત્યાર સુધી રાજ્ય સરકારમાં ભાજપની હિસ્સેદારી હતી હવે ‘ગવર્નર રૂલ’માં કાશ્મીરમાં સત્તાના તમામ સૂત્રો ભાજપના હાથમાં આવી ગયા છે. ફાયદો એ થયો છે કે, કાશ્મીરમાં અત્યંત ઊંડે સુધી ભાજપે પગપેસારો કરી લીધો છે; ત્રાસવાદીઓ, ભાગલાવાદીઓ અને દેશદ્રોહી તત્વો વિશેની તમામ માહિતી ભાજપે હસ્તગત કરી લીધી છે. એટલે, હવે કાશ્મીરમાં પાકિસ્તાન, ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓની બેફામ મનમાની નહીં ચાલે. તેઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર જબરદસ્ત અંકૂશ આવી ગયો છે. આ સંદર્ભમાં, કેન્દ્રમાં વધુ પાંચ વર્ષ ભાજપનું શાસન ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. –અસ્તુ.
(મહેશ દોશી, પૂર્વતંત્રી, ફૂલછાબ, m-doshi@hotmail.com)