[:gj]શહેરમાં એકત્રિત થતાં ઘન કચરામાં રોજનું 250 મેટ્રિકટન પ્લાસ્ટિક વેસ્ટ[:]

[:gj]અમદાવાદ, તા. ૧૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી બીજી ઓક્ટોબરથી દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા અભિયાન શરૂ કરવા આહવાન કરાયું છે. આ પહેલા રાજ્યમાં વર્ષ-૨૦૧૬ના વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન શરૂ કરાયું હતું. શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રિકટન જેટલો ઘનકચરો એકત્રિત કરીને પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કચરામાં રોજ ૨૫૦ મેટ્રિકટન જેટલો કચરો તો માત્ર પ્લાસ્ટિક વેસ્ટનો જ હોય છે.

શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અમપા દ્વારા એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું છે. રાજ્યમાં વર્ષ-૨૦૧૫ના વર્ષમાં મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ કાર્યરત હતા એ સમયે રાજ્ય સરકારે રાજ્યને પ્લાસ્ટિક મુક્ત કરવા જાહેરાત કરી હતી. જુલાઈ-૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક વપરાશ મામલે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે બાદ અમપા દ્વારા એ જ વર્ષમાં જુલાઈ માસમાં અમદાવાદ શહેરના તમામ દુકાનદારો અને ફેરીયાઓ જેમાં ચાની કીટલી ધરાવનારાઓનો પણ સમાવેશ થાય છે તે તમામ માટે ખાસ નોંધણી શરૂ કરી હતી. અમપા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ખાસ ઝૂંબેશ શરૂ કરાઈ હતી. આ ઝૂંબેશમાં નેવુ લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો. આ અભિયાનનો વિરોધ શરૂ થતાં અને રાજકીય દબાણ આવતા આ ઝૂંબેશ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

હવે જ્યારે પંદર ઓગસ્ટે વડાપ્રધાને પોતે આ બાબતમાં પહેલ કરવાની અપીલ કરી છે ત્યારે ફરી એકવખત અમપા દ્વારા સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકના વપરાશ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.

પ્લાસ્ટિકની ગંભીરતા મુજબ ચાર્જઃ ડાયરેક્ટર સોલિડ વેસ્ટ

આ મામલે અમપાના ડાયરેક્ટર સોલિડ વેસ્ટનો સંપર્ક કરતા તેમણે કહ્યું, કાર્યવાહી સમયે કોને ત્યાં પ્લાસ્ટિકનો જથ્થો કેટલો છે એ પ્રમાણે વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે.

પ્લાસ્ટિક વેસ્ટ ટાઈમલાઈન

– ઓગસ્ટ-૨૦૧૫, આનંદીબહેન સરકારે પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મુક્યો
– જુલાઈ-૨૦૧૬, કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક વપરાશ મામલે જાહેરનામું બહાર પાડ્યું
– જુલાઈ-૨૦૧૬, અમપા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
– ૫ જૂન-૨૦૧૮થી વપરાશકારો સામે કાર્યવાહી આરંભાઈ

સ્ટેન્ડિંગ કમિટીએ નકકી કરેલા ચાર્જ

અમપાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ પસાર કરી રૂપિયા ૧૦૦થી લઈને વીસ હજાર સુધીના ચાર્જ વસૂલવા ઠરાવ પસાર કર્યો. જેને મ્યુનિસિપલ બોર્ડમાં ૨૪ ડિસેમ્બર-૨૦૧૮ના રોજ બહાલી અપાઈ હતી.

વપરાશથી થતું નુકસાન

– કેચપીટ અને ગટરલાઈન પાસે લોકો પ્લાસ્ટિકની કોથળીઓ નાંખતા હોવાથી લાઈનો ચોકઅપ થઈ જાય છે
– વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી, જમીનની ફળદ્રુપતા ઘટે છે
– પશુઓ પ્લાસ્ટિક ખાતા તેમના આરોગ્યને અસર પહોંચે છે
– પ્લાસ્ટિકની થેલીઓમાં નાંખવામાં આવતા એઠવાડથી ગંદકી થાય છે[:]