[:gj]શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતારાઈ[:]

[:gj]અમદાવાદ, તા. ૨૦

શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગણજની ટાંકીઓ તોડી પાડવામાં આવશે.

અમપાની હદમાં વર્ષ-૨૦૦૮થી વર્ષ-૨૦૧૦ સુધીના સમયગાળામાં ૩૩ ગ્રામ પંચાયત અને ૧૧ નગરપાલિકાના વિસ્તારોને અમપાની હદમાં સમાવવામાં આવ્યા હતા. આ પછી અમપા દ્વારા જર્જરિત ટાંકીઓ અંગે કોઈ જ સર્વે કરાયો ન હતો. બોપલ અને સોમવારે નિકોલમાં બનેલી ઘટનાએ અમપાના સત્તાધીશોને ચોંકાવી દીધા છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન રશ્મિકાંત પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદમાં બોપલમાં બનેલી દૂર્ઘટના બાદ એક સર્વે જર્જરિત ટાંકીને લઈને કરવામાં આવ્યો છે. અમપાની હદમાં કુલ ૧૬૫ ઓવરહેડ ટાંકીઓનો સર્વે કરાયો છે. જેમાં ૪૪ જર્જરિત હાલતમાં છે. આ પૈકી ઉત્તર-પશ્ચિમઝોનમાં ૧૪, પશ્ચિમઝોનમાં ૧૦, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ, ઉત્તરઝોનમાં ત્રણ, પૂર્વઝોનમાં ત્રણ અને મધ્યઝોનમાં એક ટાંકીનો સમાવેશ થાય છે. ગોતાની ટાંકી સવારથી ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. એ પછી જોધપુર ગામની ટાંકી ઉતારી લેવાશે. બુધવારે ઓગણજની ટાંકી ઉતારી લેવાશે.

કોર્પોરેટર દિનેશ દેસાઈ દ્વારા ઓગણજ ગામ, ચાણક્યપુરી સેક્ટર-ચાર અને ઓગણજ જતાં વત્સલનગરની ત્રણ ટાંકી ગ્રામપંચાયતના સમયની હોઈ ઉતારી લેવા રજૂઆત કરી છે. અમદાવાદમાં વેજલપુર, જોધપુર, ગોતા, ઓગણજ, શેલા, મકરબા, હેબતપુર જેવા વિસ્તારોમાં જર્જરિત ટાંકીઓ હોવા છતાં અમપા દ્વારા કોઈ ભયસૂચક બોર્ડ કે બેરીકેડસ પણ સાવચેતી માટે મૂકવામાં આવ્યા નથી.

ગોતાની ૬૦ વર્ષ જુની ટાંકી તોડી પડાઈ

શહેરમાં એક સપ્તાહમાં બે ટાંકી તૂટવાની ઘટના બન્યા બાદ સફાળા જાગેલા અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) ના વહીવટીતંત્રએ ગોતામાં આવેલી ૬૦ વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પાડી છે. સનાથળ વિસ્તારમાં આજ પ્રકારની જર્જરિત ટાંકી આવેલી છે. આ ટાંકીને દૂર કરવા સાણંદના મામલતદારથી લઈને પ્રાંત અધિકારી સુધી અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ ટાંકીને દૂર કરવા કોઈ કાર્યવાહી કરાઈ નથી.

 [:]