સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મોટર્સ ૧૩ થી ૧૫ ટકા ઊછળ્યા

અમદાવાદ.તા:૧૭
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળીને 39,052.06ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 122.35 પોઇન્ટ ઊછળીને 11,586.35ના સ્તરે બંધ રહ્યો હતો.

સળંગ પાંચમા દિવસે તેજી 11મી સપ્ટેમ્બર પછી પહેલી વાર થઈ હતી. ઓટો અને બેન્કિંગ શેરોમાં જબરદસ્ત લેવાલીને લીધે જોરદાર તેજી થઈ હતી. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. આ સાથે નિફ્ટી ઓટો 3.13 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક ત્રણ ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ 1.28 ટકા, નિફ્ટી એફએમસીજી 1.40 ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 1.71 ટકા ઊછળ્યા હતા.

બ્રેકઝિટ મુદ્દે બંને પક્ષકારો વચ્ચે સહમતી સધાતાં તાતા મોટર્સ 13.27 ટકા ઊછળીને રૂ. 142.55 બંધ આવ્યો હતો. બેન્ક નિફટી ઇન્ડેક્સ પણ 450 પોઇન્ટ વધ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 21 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 35 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1528 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1130 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1328 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 830 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 11 શેરો વધીને સાથે બંધ થયા હતા.

ભેલમાં સરકાર હિસ્સો ઘટાડીને 26 ટકા કરશે

બીએચઈએલ (ભેલ)માં સરકારનો હિસ્સો હાલ 63.117 ટકાનો હિસ્સો છે. સરકાર ભેલમાં હિસ્સો ઘટાડીને 26 ટકા સુધી લઈ જશે. સરકાર ભેલનો નોન કોર મેન્યુફેક્ચરિંગ યુનિટ વેચે એવી શક્યતા છે. સરકાર ખાનગી ક્ષેત્રની કંપનીઓને આ હિસ્સો વેચે એવી ધારણા છે. સરકાર ચાલુ વર્ષમાં આ હિસ્સો ઘટાડે એવી શક્યતા છે. સરકાર અન્ય 28 સરકારી કંપનીમાં શેરવેચાણ કરવાની યોજના ધરાવે છે.

ડીએચએફએલ સહિત 20 શેરો એક મહિનામાં 65 ટકા તૂટયા

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછલ છેલ્લા એક માસમાં ડીએચએફએલ, રિલા. કેપિટલ, રિલા. ઇન્ફ્રા., ઇ.બુલ્સ હાઉ. ફાઈ. સહિત ૨૦ જેટલા શેરો ૬૫ ટકા સુધી તૂટતાં આ કંપનીના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા લેવાયેલાં વિવિધ પગલાંને લીધે સેન્સેક્સમાં બે ટકાનો સુધારો નોંધાયો છે અને મિડકેપ ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો છે. આમ છતાં કેટલીક જાણીતી કંપનીના શેરો નકારાત્મક અહેવાલો પાછળ છેલ્લા એક માસમાં જ ૪૪ ટકાથી ૬૫ ટકા જેટલા તૂટયા છે, જેમાં ડીએચએફએલ, રિલાયન્સ કેપિટલ, ઇન્ડિયાબુલ્સ હાઉ. ફાઈ., રિલાયન્સ ઇન્ફ્રા., ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સ, કોફી ડે, એચડીઆઇએલ, સિન્ટેક્સ અને યુનિટેક સહિત અન્યનો સમાવેશ થાય છે.

પી-નોટ્સના નિયમ વધુ કડક બનવાનો સંકેત

સેબી પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ)ના નિયમ વધુ કડક બનાવવાની યોજના ધરાવે છે. સેબીને એવા કેસ મળ્યા છે જેમાં વિદેશી બ્રોકર્સે ભારતીય બજારના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ સામે વિદેશી ક્લાયન્ટ્સને અંડરલાઇંગ શેર્સ નહીં હોવા છતાં પી-નોટ્સ ઇશ્યૂ કરી છે. નિયમ અનુસાર ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પી-નોટ્સનો ઉપયોગ ફક્ત હેજિંગ માટે કરાય છે. એનો અર્થ એ થયો કે, ક્લાયન્ટે પી-નોટ્સ લેવી હોય તો તેમણે શેર્સ ખરીદવા જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબી હવે બ્રોકર્સને પી-નોટ ડેરિવેટિવ પોઝિશન સામેના અંડરલાઇંગ શેર્સ અલગ ખાતામાં રાખવાનું જણાવશે. આ પગલાનો અર્થ એ થયો કે એફપીઆઇ બ્રોકર્સને નવા શેર્સ ખરીદવાની ફરજ પડશે અથવા તેમણે પોતાના પોર્ટફોલિયોમાંથી શેર્સ પી-નોટ સબસ્ક્રાઇબર એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરવા પડશે.

સપ્ટેમ્બરમાં દેશની ફ્યુઅલની માગ બે વર્ષના તળિયે

દેશમાં મંદી ઘેરી બનતી જાય છે. સપ્ટેમ્બર 2019માં ફ્યુઅલની માગ ઘટીને બે વર્ષના નીચલા સ્તરે પહોંચી છે. પેટ્રોલ અને એલપીજીની માગમાં તેજી આવી છે, પરંતુ ડીઝલની માગ ઘટાડાએ આની અસર ખતમ કરી નાખી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ડીઝલનો ઉપયોગ 3.2 ટકા ઘટીને 58 લાખ ટન રહી ગયો છે. રોડ કંસ્ટ્રકશનમાં ઉપયોગમાં આવતા ડામરનો વપરાશ પણ 7.3 ટકા જેટલો ઘટીને 3,43,000 ટન રહી ગયું છે. સપ્ટેમ્બરમાં ફ્યુઅલ ઓઇલનું વેચાણ 3.8 ટકા ઘટીને 5,25,000 ટન રહ્યું, જોકે પેટ્રોલનું વેચાણ 6.2 ટકા વધીને 23.7 લાખ ટન રહી છે, પરંતુ એર ફ્યુઅલનું વેચાણ 1.6 ટકા ઘટીને 6,66,000 જેટલુ રહી ગયું છે.

પ્રમોટરો દ્વારા ગીરવે મુકાતા શેરો સંદર્ભે આકરાં ધોરણો ઘડી કઢાશે

આરબીઆઈ, સેબી, ઇરડા તથા પીએફઆરડીએ પ્રમોટરો દ્વારા ગીરવે મુકાયેલા શેરોની બારીકાઈથી ચકાસણી કરવા તૈયારી કરી રહ્યા છે અને આ અંગેની માર્ગદર્શિકાની સમીક્ષા પણ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. પ્રમોટરો દ્વારા શેરો ગીરવે મૂકવા માટેનાં ધારાધોરણોને પણ સખત બનાવવાની દરખાસ્ત સેબી પાસે છે. તાજેતરના અનેક કિસ્સાઓમાં પ્રમોટરોએ ગિરવી કરેલા શેરોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયાનું જોવા મળ્યું હતું. જેથી આ ધારાધોરણોને કડક બનાવવામાં આવશે.