[:gj]સરકારને એક વેધક સવાલ, સિંહો કેમ બની રહ્યાં છે હિંસક[:]

[:gj]ગીરનાં જંગલોમાં વસતાં ડાલામથ્થાંઓ આજકાલ હિંસક બની ગયાં છે. વનરાજ કેમ હિંસક બન્યાં તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે. સિંહ પ્રેમીઓ રાજ્યનાં વન વિભાગ ઉપર અને રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યાં છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા આ મામલે કોઈ ફોડ પાડવામાં નથી આવતો. સિંહ હિંસક બન્યાંનો બનાવ છેલ્લાં અઠવાડિયામાં બે વખત બન્યાં હોવાનું બહાર આવ્યું છે. જેમાં શુક્રવારે અમરેલીનાં ખાંભાનાં નીંગાળા ગામે બે ખેડૂતો પાછળ સિંહ-સિંહણે પીછો કર્યો હોવાનું બહાર આવતાં સિંહ પ્રેમીઓ અને વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.

સાવજો કેમ બની રહ્યાં છે હિંસક
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ખાંભાના નીંગાળા ગામે બે ખેડૂતોની પાછળ સિંહ-સિંહણે પીછો કર્યો હતો. ત્યારે છેલ્લા 4 દિવસથી સિંહ-સિંહણ ધારી વિસ્તારમાં ડેરા તંબુ તાણીને બેઠેલા જોવા મળી રહ્યાં છે. આ ઘટનાને લઈને આસપાસ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ વનવિભાગ ઘટના સ્થળે ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં સાસણ નજીક આવેલા વિશ્વ વિખ્યાત દેવળીયા સફારી પાર્કમાં ગુરૂવારે બનેલી ઘટનાએ સમગ્ર વનતંત્રને હચમચાવી દીધું હતું. બે સિંહોએ એક વનકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો અને અન્ય બેને ઘાયલ કરી દીધા હતા. ગૌરવ અને ગૌતમ નામના બંને સિંહને તો પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. પરંતુ બે સિંહણ હજુ ધૂંધવાયેલી હોવાનો ખતરાસૂચક ઘટસ્ફોટ થયો છે. આ મામલે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જંગલનાં કાયદાની ઐસી તૈસી કરીને રાજ્ય સરકાર દ્વારા ટૂરિઝમનાં વિકાસ માટે જે રીતે મોટા પ્રમાણમાં ગીરનાં જંગલોની આસપાસ હોટેલો અને રિસોર્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેને કારણે રાફડાંની માફકો હોટેલો અને રિસોર્ટ જંગલ વિસ્તારમાં શરૂ થયાં છે અને તેનાં કારણે જંગલનો વિસ્તાર સાંકડો થતો ગયો છે. આ કારણસર સાવજો અને અન્ય વન્ય જીવોને પોતાનાં વિસ્તાર નાનો થતાં તેઓ હિંસક બન્યાં હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ નીકળ્યું હોવાનું વન વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ નામ ન લખવાની શરતે Khabarchhe.comને જણાવ્યું હતું.

વન વિભાગનો લૂલો બચાવ
વનવિભાગ ભલે પોતાની ભૂલ સ્વીકારતું નથી પરંતુ આ બનાવમાં વારંવારની રંજાડ અને સિંહોને પૂરતો ખોરાક લેવાનો સમય નથી મળતો તેવા કારણોસર સિંહો છછેડાયા હોવાનું સિંહ પ્રેમી અને વન્યજીવનાં નિષ્ણાત મનીષ વૈદ્યએ Khabarchhe.comને જણાવ્યું હતું. બનાવને નજરે જોનારના કહેવા મુજબ રજનીશને એક સિંહ ઢુવામાં ખેંચી ગયો હતો, બાદમાં ત્યાં હાજર અન્ય એક સિંહ એટલે ગૌરવ અને ગૌતમ (સિંહની જોડી) ઉપરાંત બે સિંહણ પણ હાજર હતી.
તેણે પણ રજનીશના શરીર ઉપર ડેરો જમાવ્યો હતો. વનવિભાગ એમ જ કહે છે કે બે સિંહની જોડીએ રજનીશે શિકાર કર્યો હતો, પરંતુ શિકાર બાદ બે સિંહણ પણ ત્યાં જ હતી. તો વનવિભાગે બે સિંહને જ કેમ પકડીને સજા કરી છે? બાકીની બે સિંહણે જો માનવ રક્ત ચાખ્યું હશે તો હવે ત્યાં સિંહ દર્શન કરવું પર્યટકો માટે અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે કેટલું સલામત બની રહેશે? કમાણી માટે વનવિભાગની બેદરકારી સામે ન આવે તે માટે ઉચ્ચ અધિકારીઓ આ વાત જાહેર નથી કરતા કે બનાવ સમયે કેટલા સિંહો હાજર હતા.
જો જાહેર કરે તો મોટા ભાગના જનાવરને કેદ કરીને પૂરવા પડે અને તેમ કરવામાં આવે તો દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે પર્યટકોનો ધસારો ઓછો થઈ જાય તેમ છે! પરંતુ, નાના કર્મચારીઓના ભોગે આ કેટલું સલામત છે, તેવા સવાલો વન વર્તુળો તેમ જ વન્ય જીવ પ્રેમીઓમાં ઊભા થઈ રહ્યા છે.

દેવળિયા પાર્કનો ઈતિહાસ
આપને જણાવી દઈએ કે, ૧૬ ઓક્ટોબર ૧૯૮૭થી દેવળીયા પાર્કની શરૂઆત થઈ હતી. હુસેનભાઇ નાઈ, ચંપકભાઈ ત્રિવેદી, બાદ સ્વ.ખીમજીભાઈ બેલા વગેરેએ દેવળીયા પાર્કનું વ્યવસ્થાપન કરેલું. તે સમયે સિંહ એકને એક જગ્યાએ બેસી ન રહે, લટાર મારે, પાણી પીવા જાય, તડકો લાગે ત્યારે છાંયડે જઈ બેસે અથવા તો આજુબાજુ નજીકમાં હરે ફરે તે રીતે તેમને મુક્ત રીતે વિહરવા દેવાતા, અને સિંહોને કોઈ પણ પ્રકારની કનડગત ન થાય તેની પુરતી તકેદારી રખાતી હતી. પરંતુ જે આશય સાથે દેવળિયા પાર્ક શરૂ કરાયો હતો તે આશય આજે મરી પરવાર્યો હોય એવું લાગી રહ્યું છે. આ અંગે મનીષ વૈદ્ય કહે છે કે, રાજ્ય સરકાર અને વન વિભાગ વધુ આવક કરવાનાં ઈરાદે વધુને વધુ પ્રવાસીઓને દેવળિયા પાર્કમાં જવા દે છે. ત્યારે કાયદા મુજબ વન્ય જીવને કોઈ તકલીફ ન થાય અને તેમને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય તે જોવાની જવાબદારી વન વિભાગની હોવા છતાં દેવળિયા પાર્કની મુલાકાતે આવનારા પ્રવાસીઓ વગર રોકટોકે ત્યાં વિહરતાં સાવજોને પરેશાન કરે છે. આટલું ઓછું હોય એમ અલગ અલગ અવાજો કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

ગીરનાં જંગલોનાં ભૂતપૂર્વ કર્મચારીઓનો આરોપ
સિંહે સ્થળાંતર કર્યું હોય તો તે અંગેની જાણ (વાયરલેસ મેસેજ દ્વારા) તત્કાળ કરી અપાતી એટલે પ્રવાસીઓની બસ સ્થળાંતર વાળી જગ્યાએ આવી જતી, અને એ બસ તથા વાહનોને દૂર રાખવામાં આવતા જેથી સિંહોને ખલેલ પરેશાની ન થાય. હવે એવું ધ્યાન નથી રખાતું તેમ જૂના ફોરેસ્ટ કર્મચારીઓનું કહેવુ છે.

ક્યારે જાગશે રાજ્ય સરકાર અને વન વિભાગ
ગીરનાં જંગલોમાં જે રીતે વનરાજો હિંસક બનીને માણસો પર હુમલા કરી રહ્યાં છે તેને જોતાં હવે રાજ્ય સરકારે અને વન વિભાગે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી ઉઠવા પામી છે. હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર અને વન વિભાગ આ મામલે હજુ સિંહો દ્વારા વધુ લોકો પર હિંસક હુમલાની રાહ જોશે કે પછી ત્વરિત કોઈ કાર્યવાહી કરશે.[:]