25 જાન્યુઆરી 2020
કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું.
સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે.
શું થયું હતું અગાઉ ?
30 ડિસેમ્બર 2019ના રોજ 5 ટ્રક ગાંડા બાવળના લાકડાના કોલસા ભરેલી ટ્રક પકડી હતી. જેના ખોટા પાસ વન વિભાગના હતા.
કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના ચાર્જમાં રહેલા રાજકોટના કન્ઝર્વેટરે પણ એક વિવાદાસ્પદ પરિપત્ર 10 જાન્યુઆરી 2020ના દિવસે પરિપત્ર જાહેર કરીને કચ્છમાં પડી રહેલા 4 હજાર ટન કોલસો વેચવા માટે તૈયારી કરી હતી.
નલિયા, નખત્રાણા, છારી, ફુલાય, બીબર, નિરોણા, ખાવડા, બન્ની વિસ્તારના વંગ, લોડાઇ, નાના-મોટા વરનોરા, પૈયામાં ગેરકાયદેસર બનેલા કોલસાને કાયદેસર બનાવવા આ આદેશ કરાયા હતા. જેમાં નજીવી રકમ લઈને કોલસો છોડી દેવાનું નક્કી થયું છે.
કોલસાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.20 છે. 4 હજાર ટન કોલસાનો ભાવ રૂ.8 કરોડ છે. કોલસો બનાવનારા મજૂરોને એક કિલોએ રૂ.5ની મજૂરી આપીને શોષણ કરવામાં આવે છે.
જે જમીન પર કોલસો બનાવવાની મંજૂરી વન વિભાગે આપી છે ત્યાં કોલસો બનતો નથી. સરકારી જમીન પર બને છે. ગૌચરની જમીનમાં તેમજ ડેમ વિસ્તારનો કોલસો બનાવીને ચોરી કરવામાં આવે છે.
રેવેન્યુ વિભાગના કોઇ પણ અધિકારીની કોઇ પણ જાતની મંજૂરી લીધા વગર વન વિભાગ નજીવી રકમની દંડકીય કાર્યવાહી કરી કાયદેસરનું રૂપ આપી દે છે.
ગેરકાયદેસર કોલસાની 40 કિલોની બોરીનો રૂ.400 દંડ કરીને માલ પણ સરકાર દાખલ કરવામાં આવે છે.
ગુના કામના કોલસાના નામે પણ કૌભાંડ !
કોલસા માફિયાઓ ગુના કામનો અમુક જથ્થાની આડમાં ચોપડે જાહેર કરીને જે તે જથ્થાની આડમાં વરસો સુધી કારોબાર ચલાવે છે. છેલ્લા પાંચ વરસમાં વન વિભાગે કેટલા કોલસાના જથ્થાનું ગુનાકામ કરેલું છે.
2012માં અંજાર અને ભચાઉ નજીક વનખાતાએ રૂ.12 લાખનો માલ સીઝ કર્યો હતો. ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાના ચાલતા ગેરકાયદે કામનો આ 500 બોરી કોલસો હતો.
વનતંત્રની મિલિભગતથી હોશિયારી પૂર્વકની મોડસ ઓપરેન્ડી
બન્નીમાં ગેરકાયદે પકવાયેલા કોલસા શેરવો, ભગાડીયા, સરાડો વગેરે ગામોમાં એકઠો કરી, મોટા ટ્રેઈલરો દ્વારા શેરવોથી પાલનપુર પાસે નિરોણા – ભુજ રાજયધોરી માર્ગ પર આવી ગયા બાદ કોલસાના વાહતુક બોગસ પાસથી કાયદેસર બની જાય છે. ખરેખર તો આ કોલસા બન્નીમાં જ બનેલો હોય છે. માત્ર કાગળ પર નિરોણા, બિબ્બર, ખારડીયા, વંગ વગેરે ગામોમાં બન્યા હોવાના બોગસ આધારો વન વિભાગની મિલિભગતથી ઉભા કરાય છે. ગેરકાયદે કોલસાની બેરોકટોક હેરફેરી વન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મદદથી કરાય છે. આવા અનેક વખત કૌભાંડ પકડાયા પણ તેના પર ખારું પાણી છાંટી દેવામાં આવે છે.
રણકાંધીએ ભઠ્ઠા
બન્ની અને પાવરપટ્ટીમાં ફેલાયેલા બાવળિયા કોલસાના ગેરકાયદે સામ્રાજ્યમાં ભાજપના બે જૂથો વચ્ચે ચાલતા ઘર્ષણનો બે દાયકા પૂર્વે લોહિયાળ અંજામ આવ્યો હતો. પરંતુ આ ઘટના જાણે વિસરાઈ ગઈ હોય તેમ બન્ની અને પાવરપટ્ટીને સાંકળતું ગેરકાયદે કોલસા પાડવાનું તથા તેનું પરિવહન કરવાનું મોટું કૌભાંડ ચાલે છે.
બન્ની વિસ્તારમાં ગેરકાયદેસર બનતા કોલસા પાવરપટ્ટીના નિરોણા, બિબ્બર, ખારડીયા, ઝુરા, વેડહાર, ઓરીરા વગેરે ગામોની ખાનગી જમીનોમાં બનતા હોય તેવા ૭/૧રના આધારો ઉભા કરી, મોટા ગજાના કોલસા માફિયા બન્નીનો કાળા કોલસાને સફેદ બનાવી દે છે.