ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા

ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે.

ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ સરકારને તપાસ કરવાના આદેશ કરે છે પરંતુ સરકારના વિભાગો ખાતાકીય તપાસમાં અક્ષમ્ય વિલંબ કરતા હોય છે. આવી સૌથી વધુ ફરિયાદો પંચાયત વિભાગની મળી છે. આ વિભાગે એક કેસમાં 13 વર્ષનો વિક્રમી સમય લીધો છે. સરકારમાં ખાતાકીય તપાસ કેવી ગતિએ ચાલે છે તેનો આ ઉત્તમ દાખલો છે.

ખાતાકીય તપાસની મંથર ગતિ

રાજ્યના પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય સમ વિકાસ યોજના હેઠળ વાડી પ્રોજેક્ટમાં 2006ના વર્ષમાં સ્થળ ચકાસણી વિના કામ પૂર્ણ કર્યાનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. આ ક્ષતિ અંગેનો રિપોર્ટ 2009માં પંચાયતને આપી દેવામાં આવ્યો હતો અને જવાબદારોને સજા કરવાની થતી હતી. અલગ અલગ તપાસ અહેવાલો વર્ષો વર્ષ મળ્યા છતાં જવાબદારોને કોઇ સજા થઇ નથી. ભ્રષ્ટાચાર આચરનારા પાંચ તાલુકા વિકાસ અધિકારી વય નિવૃત્ત થઇ ગયા છે. વિભાગે એક ટીડીઓ સામેની તપાસ પડતી પણ મૂકી દીધી હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

પ્રગતિશીલ સરકારનો આ નમૂનેદાર વહીવટ છે. ગુજરાતમાં કેગ અને વિઝિલન્સના રિપોર્ટ પરત્વે સરકારના વિભાગો કોઇ ધ્યાન આપતા નથી તેવું તેમના અહેવાલોમાં લખાય છે. સરકારની ખાતાકીય તપાસની ટીમમાં પણ નિવૃત્ત અધિકારીઓ હોય છે. કસૂરવાર અધિકારીઓ તેમની સાથે સેટીંગ પણ કરી લેતાં હોવાના કિસ્સા સામે આવ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારને શોધતી સંસ્થાઓ કેગ, તકેદારી આયોગ અને એન્ટી કરપ્સન બ્યુરો જેવી સંસ્થાઓને નખ અને દાંત વિનાની બનાવી દેવામાં આવી છે તેથી ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીઓ કાયદાની છટકબારીનો લાભ લઇને છૂટી જાય છે.

આઈએએસ-આઈપીએસને સસ્પેન્ડ કરવા કેન્દ્રની મંજૂરી જરૂરી

ગુજરાતમાં ભારતીય સેવાના અધિકારીઓ જેવાં કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓને ભ્રષ્ટાચાર કે ગેરરિતીના કેસમાં સસ્પેન્ડ કરવા હોય તો પણ કેન્દ્ર સરકારની મંજૂરી લેવામાં આવે છે. રાજ્ય સરકાર આ કેટેગરીના અધિકારીઓને સીધા સસ્પેન્ડ કરી શકતી નથી. એટલું જ નહીં રાજ્ય સરકારની નોકરીના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલતી હોય ત્યારે સરકાર ખાતાકીય તપાસ પણ કરાવતી હોય છે પરંતુ સચિવાલયના વિભાગોમાં એવી ફાઇલો પણ મોજૂદ છે કે 25 વર્ષના વિલંબ પછી પણ કોઇ કર્મચારીને સજા થઇ હોવાનો કેસ નોંધાયો નથી.

વસૂલાતના કાયદામાં છટકબારી

હકીકતમાં બીજા કેટલાક દેશોમાં એવો નિયમ છે કે જે અધિકારી કે કર્મચારી સામે ભ્રષ્ટાચારનો કેસ સાબિત થયો હોય તેવા કેસમાં સસ્પેન્શન કે ડિસમિસ ઉપરાંત તેમને સરકારી તિજોરીમાંથી એકપણ ફુટી કોડી આપવામાં આવતી નથી. એટલું જ નહીં સરકારને કરેલું નુકશાન વસૂલ કરવામાં આવે છે. આપણે ત્યાં વસૂલાત કરવાનો કાયદો છે પરંતુ તેમાં છટકબારીઓને કારણે કર્મચારીઓ છટકી જાય છે અને ફરી પાછા નોકરીમાં ગોઠવાઇ જાય છે. એક કિસ્સામાં તો સસ્પેન્શન સમયમાં ગૂમાવેલા રૂપિયા પણ લાંચિયા કર્મચારીને આપવા પડ્યા હતા. સેવા નિયમોમાં ક્ષતિ રહેલી છે જેનો લાભ લાંચિયા કર્મચારીઓ લઇ જાય છે.

માત્ર 1 ટકા કેસોમાં નાની-મોટી શિક્ષા થાય છે

એક સર્વે પ્રમાણે ગુજરાતમાં પ્રતિ વર્ષ કેગ દ્વારા 500થી વધુ ગેરરિતીઓ, વિઝિલન્સ કમિશન દ્વારા સરેરાશ 800 કેસો તેમજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 400 કેસો શોધી કાઢવામાં આવે છે પરંતુ સજા થઇ હોવાના કિસ્સા માત્ર 1 ટકા જોવા મળે છે. 30 ટકાથી વધુ કર્મચારીઓને ઠપકો આપી છોડી મૂકવામાં આવે છે. 25 ટકા કેસોમાં ખાતાકીય તપાસ ચાલુ હોય છે અને 34 ટકા કેસોમાં પુરાવાના અભાવે તપાસ બંધ કરી જે તે અધિકારી કે કર્મચારીને નિર્દોશ છોડી મૂકવામાં આવે છે.