ગુજરાતની 210 ઔધોગિક વસાહતો જીઆઇડીસી ના અધિકારીઓની મનમાની થી પરેશાન

અમદાવાદ,તા:06 ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમમાં નાનો પ્લોટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ ટ્રાન્સફર કરી આપવાની તથા ગેરકાયદેસર રીતે નોન યુઝ ચાર્જ માટે ઉદ્યોગોને નોટિસ ફટકારતા અધિકારીઓને દૂર કરીને ઉદ્યોગોને સહકાર આપે તેવા અધિકારીઓને મૂકીને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસને સાર્થક થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી આપવાની માગણી કરતી એક રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાતના ૨૧૦ ઔદ્યોગિક વસાહત વતીથી કરવામાં આવી છે.

ભાવનગરમાં આવેલી ન્યારી, ચિત્રા, મ્હાડા જીઆઈડીસી ઉપરાંત દેત્રોજ પાસે આવેલી ભગાપુર જીઆઈડીસીમાં આ પ્રકારની સમસ્યા હોવાનું વારંવાર લેખિત અને મૌખિક રીતે જણાવવામાં આવ્યંા હોવા છતાંય તેમની સમસ્યાનો ઉકેલ જીઆઈડીસીના ઉપરોક્ત ત્રણ અધિકારીઓને લાવતા જ નથી.

તેમ જ તેમની ફાઈલને આગળ પણ વધવા દેતા નથી. ખેડૂતો પાસેથી જમીન લેવા જાય તો વિઘાદીઠ રૂ.15 લાખમાં મળી જતી જમીન ઉદ્યોગોને વિઘાદીઠ રૂ.1 કરોડના ભાવે આપીને તેમની આર્થિક હાલતને ખરાબ કરવામાં આવી રહી હોવાની પણ ઉદ્યોગોની ફરિયાદ છે.

ગુજરાતના ૨૧૦ જેટલી ઔદ્યોગિક વસાહતોની ફરિયાદ છે કે કોઈની ફેક્ટરીમાં આગ લાગી હોય અને તેને નવેસરથી ચાલુ કરવા માટે છથી નવ મહિનાનો સમય લાગી જાય તેવા સંજોગોમાં આ ઔદ્યોગિક એક પાસેથી નોન યુઝ ચાર્જની માગણી કરીને તેની હાલાકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને ગુજરાત ચેમ્બર દ્વારા આ મુદ્દો સરકાર સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના જનરલ મૅનેજર રૃચિ પટેલ, મેનેજર મનિષા વિષાણા અને મેનેજર કૃતિ મણિયાર સમક્ષ નાના અને મધ્યમ ઉદ્યોગની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય તેનો નીવેડો લાવવા જ ન માંગતા હોય તે રીતે તેઓ વર્તી રહ્યા છે.

આ જ રીતે પાલનપુર પાસે આવેલી ચંડીસર જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ તેમાં કેટલાક ગુંડા તત્વો ઘૂસી ગયેલા છે. આ તત્વો જમીન ફાળવણી થઈ છે તે ઉદ્યોગને તેમાં પ્રવેશવા જ દેતા નથી. જીઆઈડીસી ગુંડા તત્વોને તેમાંથી દૂર કરીને પ્લોટ મેળવનાર ઉદ્યોગને તેમાં પ્રવેશ અપાવવાની બાબતમાં પણ ઉદાસિન છે.

આ જ જમીન વિદેશથી આવતી કંપનીઓને ૧૦ ટકા નીચા ભાવે સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આમ સ્થાનિક ઉદ્યોગોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકારની આ નીતિને પરિણામે ગુજરાતની જુદી જુદી જીઆઈડીસીમાં મળીને ૧૨૦૦ એકરથી વધુ જમીનો ખાલી પડી છે.

જીઆઈડીસીના અધિકારીઓ નાયબ મુખ્યમંત્રીની સૂચનાને પણ ઘોળીને પી જઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની ડેડિયાસણ જીઆઈડીસીમાં ૧૦ પ્લોટનું ઓક્શન ન કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાંય જીઆઈડીસીના અધિકારીઓએ તેનું ઓક્શન કરી દીધું હોવાનો કિસ્સો બન્યો છે.

ઉદ્યોગોને બૅન્ક લોન મેળવવા માટે ૨-આર એટલે કે નો ડયૂ સર્ટિફિકેટ જોઈતુ હોય તો તે પણ દોઢથી બે મહિના સુધી આપવામાં આવતું નથી. આ માટેની ઓનલાઈન વ્યવસ્થા કરાયા પછી પણ ઓનલાઈન ડયૂ ન બોલતા હોવા છતાંય ઉદ્યોગોને તેમના ૨-આરના પ્રમાણપત્રો મળતા ૪૫થી ૬૦ દિવસ રાહ જોવી પડે છે. તેથી બૅન્કના ધિરાણ મેળવવામાં વિલંબ થાય છે અને તેમના આયોજનો ખોરવાઈ રહ્યા છે