પહેલા અમને પ્લાસ્ટીકનો વિકલ્પ આપો પછી પ્લાસ્ટીક ફ્રીનો અમલ કરો

ગાંધીનગર,તા.28

પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અને પ્લાસ્ટીક ફ્રી ગુજરાત એ રૂપકડાં નામ છે પરંતુ હકીકતમાં પ્લાસ્કીટ લોકોનો જીવન સાથે વણાઇ ચૂક્યું છે. વેપારીઓ તો ઠીક લોકો પણ બજારમાં પ્લાસ્ટીકની બેગ માગી રહ્યાં છે. જો સરકાર પ્લાસ્ટીક ફ્રી રાષ્ટ્ર કરવા માગતી હોય તો અમને કાગળનો પુરવઠો પુરો પાડવો જોઇએ કે જેથી અમે કાગળની બેગો બનાવી શકીએ. આ શબ્દો પ્લાસ્કીટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના છે. તેમણે એવી ચેતવણી આપી છે કે દિવાળીના તહેવારો આવતા હોવાથી પ્લાસ્ટીક બેગનો ઉપયોગ વધવાનો છે. લોકોને પણ પ્લાસ્ટીકની બેગ જોઇએ છે. જો અમને કાગળ પૂરો પાડવામાં આવે તો અમે બીજા વિકલ્પ અંગે વિચારી શકીએ છીએ પરંતુ કાગળ માટે આપણી પાસે એટલા વૃક્ષો નથી કે તેનો ઉપયોગ કરી શકીએ. કાગળના વપરાશથી વૃક્ષોનું નિકંદન નિકળી જવાની ભિતી છે.

પ્લાસ્ટીક પર પ્રતિબંધ અંગે ચર્ચા

પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરતા ગુજરાતના ઉદ્યોગપતિઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ઉપર 50 માઇક્રોન સુધીના પ્રતિબંધના કારણે આવતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પ્લાસ્ટિક સામગ્રીના ઉત્પાદકો, વેચાણકર્તાઓ અને વપરાશકારો પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે કાયદાનું પાલન કરવા અંગે સર્વસંમતિ થઈ હતી, ત્યારે તેઓએ કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે અંગે ચર્ચા કરી હતી કે શું બીજો વિકલ્પ ટકાઉ રહેવાની સંભાવના છે કે કેમ અને તેના અમલના કારણે કોઈ વિક્ષેપિત અસર થશે કે કેમ. પ્લાસ્ટીક ફ્રી ગુજરાત માટેની ચર્ચા કરવા હોટલ, રેસ્ટોરન્ટ, એફએમસીજી ક્ષેત્ર, બેકરી, આઇસક્રીમ પાર્લરો, ડેરીઓ, ફરસાણ અને સ્વીટ ઉત્પાદકોના પ્રતિનિધિઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) ખાતે એકત્ર થયા હતા જેમાં 50 માઇક્રોન સુધીના પ્લાસ્ટીક પ્રતિબંધની ચર્ચા કરી હતી.

પ્લાસ્ટીકનો વિકલ્પ આપવા માગણી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બુચે કહ્યું હતું કે અમને એવી ફરિયાદો પણ મળી છે કે અધિકારીઓએ તમામ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ સામે દરોડા પાડ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધની સાથે, વપરાશકારોને પણ એવી રીતે વ્યવહારિક વિકલ્પ આપવો જોઈએ કે સોર્સિંગ મટિરિયલ્સમાં કોઈ એકાધિકાર ન હોય, કારણ કે તહેવારની મોસમ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં પ્લાસ્ટીકના વેપારીઓ ઉત્પાદન કરવા અંગે ચિંતિત છે. ફૂડ પાર્સલ માટેના પ્લાસ્ટિકનો વિકલ્પ મુશ્કેલ હોવાથી ટેક-વે માટેના વિકલ્પો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગપતિઓએ આ બેઠકમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર ધીમું પડ્યું હોય તેવા સમયે આવા કઠોર પગલાં ઉદ્યોગપતિઓના આત્મવિશ્વાસને પ્રતિકૂળ અસર કરી રહ્યા છે તેથી સરકારે યોગ્ય વિકલ્પ આપ્યા વિના પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવો ઉચિત નથી.