ભૂપેન્દ્રસિંહ ભાર વિનાના ભણતરનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ 

ગુજરાત સરકારનું શિક્ષણ બોર્ડ જે ન કરી શક્યું તે CBSE સ્કૂલોએ કર્યું છે, આ સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળી રહ્યું છે

ગાંધીનગર

ગુજરાતમાં વર્ષોથી એજ્યુકેશનાલિસ્ટની માગણી રહી છે કે બાળકોને ભાર વિનાનું ભણતર મળવું જોઇએ પરંતુ રાજ્ય સરકારે હજી સુધી બાળકોના ભાવિ અંગે વિચારણા કરી નથી પરંતુ સીબીએસઇની સ્કૂલોએ ભાર વિનાનું ભણતર શરૂ કરી દીધું છે. ગુજરાતમાં આવેલી સ્કૂલોમાં બાળકોને ભાર વિનાનું ભણતર મળે છે.

ગુજરાતમાં સીબીએસઇની સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને હવે સ્કૂલ બેગ અને હોમવર્કના બોજામાંથી મુક્તિ આપવામાં આવી છે. સીબીએસસી બોર્ડે આ નિર્ણય જાહેર કર્યો છે. આ સ્કૂલોમાં ધોરણ-2 સુધીના તમામ બાળકોને સ્કૂલબેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાતની 50 હજારથી વધુ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 95 લાખ વિદ્યાર્થીઓને વર્ષો પછી પણ ભાર વિનાનું ભણતર મળ્યું નથી. રાજ્યમાં સરકારીની સાથે ખાનગી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓના દફતરનો બોજો વધતો જાય છે. ઉલ્લેખનીય છે કે 1995માં ભાજપની સરકારે ડો યશપાલની ભલામણોનો સ્વિકાર કરીને રાજ્યમાં ભાર વિનાનું ભણતર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ 24 વર્ષથી તેનો અમલ રાજ્યમાં શરૂ થઇ શક્યો નથી.

સીબીએસઈ અને ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનો બોજો અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની ફરિયાદો ઉઠતી હતી. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.

આ ઉપરાંત સ્કૂલોમાં ધોરણ આઠ સુધીમાં અન્ય કોઈ સ્ટેશનરી, પાઠ્‌યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરાતા સીબીએસઈ સ્કૂલોમાં ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષથી સીબીએસઈનો કોર્સ અમલી થશે.

અમદાવાદ શહેરમાં 60 થી વધુ સીબીએસઈ સ્કૂલો છે. જો કે, કેન્દ્રીય વિદ્યાલયોમાં તો પહેલેથી ધોરણ-2 સુધીનાં બાળકોને હોમવર્ક અને ભારે સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે ગુજરાત સરકારનું બોર્ડ આ નિર્ણય હજી સુધી લઇ શક્યું નથી તેથી વિદ્યાર્થીઓને હોમવર્ક કરવું પડે છે અને સ્કૂલબેગનો ભાર લઇને સ્કૂલે જવું પડે છે.

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને બોર્ડના અધિકારીઓ બાળકોને કષ્ટ પડે તેવી સિસ્ટમ વર્ષોથી અપનાવી રહ્યાં છે. ડો યશપાલની ભલામણોની ચર્ચા થાય છે પરંતુ ભાર વિનાના ભણતરની સિસ્ટમ ગુજરાત શરૂ કરી શક્યું નથી.