[:gj]ભાવનગરના જ્ઞાનસત્રમાં “સબલ્ટર્ન”ના અજ્ઞાની ગુણવંત શાહએ ડૉ.શુકલને અપમાનિત કર્યા[:]

[:gj]ઇતિહાસવિદ ડૉ.જયકુમાર શુકલ હવે છેમાંથી હતા થયા છે ત્યારે એમના યોગદાનને અંજલિ અર્પું છું. ભાવનગરમાં ઇતિહાસ પરિષદના જ્ઞાનસત્રમાં મહિના સુધી તૈયારી કરી આવ્યા છતાં સબલ્ટર્ન શબ્દના અજ્ઞાની ગુણવંત શાહે શુકલ સાહેબના કરેલા જાહેર અપમાનનુંય સ્મરણ તાજું થયું. એક મિત્રે પ્રસંગને વિગતે રજૂ કરવા આગ્રહ કર્યો એટલે મૉળ નાખ્યા વિના તથ્ય રજૂ કરીએ છીએ.

અમારી ઇતિહાસ પરિષદના એ જ્ઞાનસત્રમાં ડૉ.ગુણવંત શાહ (પટેલ) ચાવીરૂપ વ્યાખ્યાન આપવા આવેલા. મહિનાથી તૈયારીનો દાવો કર્યો. કહ્યું કે આપણે ત્યાં રાજા-રજવાડાઓનો જ ઇતિહાસ લખાય છે.પહેલી હરોળમાં બેઠેલા ગુજરાત ઇતિહાસ પરિષદના પૂર્વ પ્રમુખ ડૉ.જયકુમાર શુકલે એ વેળા માત્ર એટલું જ કહ્યું:”સબલ્ટર્ન”.

પોડિયમ પરથી ગુણવંત શાહ તાડૂક્યા: “તમે ડિસ્ટર્બ કરો છો.” શુકલ સાહેબ ભોંઠા પડ્યા અને મૌન રહ્યા. એમણે એક શબ્દ કહીને ગુ.શા.ને સંકેત એ આપવો હતો કે હવે (રણજિત ગુહા પરંપરા પછી) વંચિતો (સબલ્ટર્ન)નો ઇતિહાસ પણ લખાય છે. ગુ.શા.ને એકાદ મહિનો અભ્યાસ કર્યા પછી ય સબલ્ટર્ન શું એની જાણ નહોતી!

ઇતિહાસ પરિષદના એ ભાવનગર જ્ઞાનસત્રમાં રાજ્યભરમાંથી આવેલા પરિષદના સભ્યો અને ઇતિહાસવિદો ઉપસ્થિત હતા. મંચ પર ગૂજરાત વિદ્યાપીઠના એ વેળાના કુલનાયક (વાઈસ ચાન્સેલર) ડૉ.સુદર્શન આયંગાર, પરિષદ પ્રમુખ પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટ અને યજમાન ડૉ. મહેબૂબ દેસાઈ પણ હતા. કોઈએ ગુ.શા.ના અણછાજતા વર્તન સામે વિરોધ ના નોંધાવ્યો. શુકલ સાહેબની પાછલી હરોળમાં ડૉ.ટીના અને હું બેઠેલાં હતાં.

અમે એ વખતે ઊભાં થઇ, કશું બોલ્યા વિના, સભાગૃહમાંથી બહાર જવાનું પસંદ કર્યું અને ગુ.શા.નું વ્યાખ્યાન પૂરું થતાં જ અમે સભાગૃહમાં ફરી પ્રવેશ્યાં. ગુ.શા.ને સંકેત મળી ગયો. ભોજન વિરામમાં અમારા ઉપરાંત વીસી ડૉ.આયંગાર અને અન્ય મહાનુભાવો સાથે ભોજન લેવાને બદલે ગુ.શા.એ કુલસચિવના કાર્યાલયમાં પોતાનું ભાણું મંગાવ્યું. એ અલગ ખંડમાં જમીને ક્યારે રવાના થઈ ગયા એ અમને જાણ પણ ના થઈ!

– ડૉ.હરિ દેસાઈ (૯૬૨૪૨ ૯૮૪૭૦)[:]