એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી
રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને તેમના આસીસ્ટંટ પ્રધાન બાળકોને શાળામાં અધુરૂ ભોજન કરાવી રહ્યાં છે.
વર્ષ | ગ્રાંડ મળી | વણવપરાઈ (રૂપિયા કરોડમાં) |
૨૦૧૪-૧૫ | ૪૪૭.૮૩ | ૨૨.૫૬ |
૨૦૧૫-૧૬ | ૩૮૦.૫૩ | ૨.૬૭ |
૨૦૧૬-૧૭ | ૪૦૭.૫૬ | ૮૨.૮૯ |
૨૦૧૭-૧૮ | ૪૦૪.૨૯ | ૯૬.૯૫ |
૩૦-૯-૨૦૧૮સુધી | ૨૩૪.૧૭ | ૧૯૧.૨૬ |
કુલ રૂ. | ૧૮૭૪.૩૯ | ૩૯૬.૩૫ |
નોંધાયેલા બાળકો કરતાં ઓછા બાળકો મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેવાના કારણે બાળકોના ભોજન માટેની ગ્રાન્ટ વણવપરાયેલ પડી રહી છે.
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં માધવસિંહ સોલંકીએ શરૂ કરી હતી. જેમનો આજે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમની આ યોજના સમગ્ર દેશમાં લઈ જવામાં આવી હતી. તેથી મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં મફત મધ્યાહન ભોજન અને નાસ્તો આપવામાં આવે છે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડી આરોગ્ય સુધારવા, શાળામાં દાખલ કરવા, હાજરી વધારવા, અધવચ્ચે અભ્યાસ છોડી દેતાં વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ બર આવ્યો નથી. એક સમયનું ભોજન મળે પણ નાસ્તો અપાતો નથી. નાસ્તા માટે ફાળવાતા અનાજમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદ આવે છે.
ગયા અઠવાડિયે દાંતીવાડા તાલુકાના 100 જેટલાં મધ્યાહન ભોજનના કેન્દ્રોમાંથી મોટાભાગના કેન્દ્રો ઉપર એક જ વાર ભોજન પીરસવામાં આવે છે.
કઈ રીતે નિષ્ફળ
- ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં જમતા બાળકો કરતા ચોપડે વધુ બાળકો નોંધાતા હોવાની બૂમ પ્રથમથી જ ઊઠેલી છે.
- નવા મેનૂ પ્રમાણે નાસ્તો આપવામાં આવતો ન હોવાની ફરિયાદો.
- મધ્યાહન ભોજન યોજનામાં ચાલતા મસમોટા ભ્રષ્ટાચાર
- મહિનાઓ સુધી ચણા, વટાણા, વાલ જેવા કઠોળ દિવસો સુધી મળતું નથી.
- ખાનગી શાળાના છાત્રોના નામો સરકારી શાળાઓમાં ચડાવી દઈને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ દર્શાવાઈ રહી છે.
- વધું વિદ્યાર્થીઓ બતાવી અનાજ વેંચી મરાય છે.
- નવા મેનુમાં નાસ્તો ક્યારે આપવો ? જ્યારે ભોજનમાં થેપલા અને સુકી ભાજીની વાનગી છે. જે જોતા ૧૦૦ ગ્રામ લોટના થેપલા પાછળ ફક્ત ૫ ગ્રામ તેલમાં અને ૫૦ ગ્રામ બટાકાની સૂકી ભાજીમાં ૫ ગ્રામ તેલ એક લાભાર્થી માટે બનાવવી અશક્ય છે.
- ૧૦૦ બાળકો માટે રસોઈ બનાવાય તો ૩ થી ૪ કલાકનો સમય થાય છે.
- સરકાર દ્વારા લાભાર્થી દીઠ રૂા.૧.૫૫ પૈસાની પેશગી અપાય છે.
- ભોજનમાં શાકભાજી નાસ્તો, મરીમસાલાનો ખર્ચ કાઢવો મુશ્કેલ છે.
- કઠોળ સહિતની ચીજ વસ્તુના દળામણનાં ૦.૯ પૈસા અપાય છે. અનાજ દળવાનો બજારભાવ રૂા. ૨૦ છે.
- નાસ્તો અને ભોજન એમ બે વખતનો ગેસ ખર્ચ વધ્યો છે.
- દેશની સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા મુજબ યોજનાના ખર્ચમાં દર વર્ષે ૭.૫૦ ટકાનો વધારો કરવો જોઈએ પરંતુ ગુજરાત સરકાર તેમ કરતી નથી. મોંઘવારી વધી રહી છે. ભોજન યોજનાના સંચાલકોનું આર્થિક મેનુ કથળે છે.
બજાર ભાવ વધું સરકારનો ઓછો
નાસ્તામાં ચણાચાટ વાનગીમાં ૧૦ ગ્રામ ચણામાંથી ચણાચાટ બનાવવો જેમાં ૧૦ ગ્રામ ટામેટા, ૧૦ ગ્રામ ડુંગળી સાથે અપાય છે. ટામેટાનો ભાવ રૂા. 20થી 80, ડુંગળીનો ભાવ રૂ.10થી રૂ.૩૦ થઈ જાય છે. જે અમલવારીમાં ૯૦ પૈસાનો વ્યક્તિદીઠ ખર્ચ થવા જાય છે ત્યારે મરી મસાલા, કર્મચારીઓનો પગાર અને કામના કલાકોનો કે ભાવનો મેળ બેસતો નથી.
સ્વૈચ્છિક સંસ્થાઓ
સ્વૈચ્છિક સંસ્થાઓને મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોનું સંચાલન બેંગ્લોરની અક્ષયપાત્ર સંસ્થા જેવી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ ભાગમાં કુલ 36 હજાર શાળામાંથી 5000 કેન્દ્રોનું સંચાલન એનજીઓને આપી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. જેમાં રૂ.1150 કરોડની યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવા માટે સંસ્થાઓને પરવાના આપવામાં આવ્યા હોવાનો આરોપ સંચાલકો કરે છે.