ગાંધીનગર, તા. 24
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અને આ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં ભાજપને થરાદની બેઠકનું નુકશાન થયું છે તો કોંગ્રેસે આ બેઠક જીતીને ફાયદો કર્યો છે. તો 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે તો તેમનો ઝભ્ભો પકડીને રાજકારણમાં પગલાં માંડનાર ધવલસિંહ ઝાલાના હાલ પણ બાયડની જનતાએ અલ્પેશ જેવા જ કર્યા છે. આ બન્ને મહત્વાકાંક્ષી નેતાઓને પ્રજાએ ઘરે બેસાડીને બન્નેને સણસણતો તમાચો માર્યો છે. જોકે, 2017ની ચૂંટણી પહેલાં રાજકારણમાં પ્રવેશ કરનારા પાંચ યુવા નેતાઓ પૈકી ત્રણ યુવાનોએ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અને જીતનાર યુવા નેતા શાણા સાબિત થયા તો રાજકારણમાં સૌથી મુરખ તરીકે અલ્પેશની છબિ ઉપસીને બહાર આવી છે.
પાંચ યુવા નેતાઓની કારકિર્દી
વર્ષ 2017 પહેલાં રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઈને કેટલાંક યુવાનોએ આંદોલનના મંડાણ કર્યા હતા. આ આંદોલનો લગભગ 2015થી શરૂ થયેલા. જેમાં પાટીદાર અનામત આંદોલન, દારૂબંધી અને રોજગારીનું આંદોલન તેમ જ આદિવાસીઓના પ્રશ્ને આંદોલન વગેરેનો સમાવેશ થાય છે. આ આંદોલનો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, રોમેલ સુતરિયા અને પ્રવિણ રામ દ્વારા શરૂ કરાયા હતા. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. પરંતુ તેમની રાજકારણની અતિ મહત્વાકાંક્ષાઓના કારણે તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા. અને તેમાં રાધનપુરની ખાલી પડેલી બેઠક પરથી ભાજપે તેમને ટિકીટ આપી. પરંતુ પેટાચૂંટણીના પરિણામોમાં પ્રજાએ અલ્પેશની રાજકારણમાં આગળ વધવાની ટિકીટ જ ફાડી નાખી અને તેમને ઘેર બેસાડી દીધા. તો લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને તે સમયે લોકસભાની ચૂંટણી અને રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની મહેચ્છા હતી, પરંતુ તેમની સામેના કેસોના કારણે કોર્ટે તેમને પરવાનગી ન આપી. અને આજે તેઓ કોંગ્રેસમાં પોતાનું અસ્તિત્વ જમાવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. તો 2017ની ચૂંટણી પહેલા રોજગારીના મુદ્દે આંદોલનના મંડાણ કરનાર જિજ્ઞેશ મેવાણીએ તે સમયે ભાજપ કે કોંગ્રેસની સાથે ન જોડાઈને પોતાનું શાણપણ બતાવ્યું. કેમ કે, તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા. અને આજે તેઓ તેમના આ શાણપણને કારણે રાજકારણમાં ટકી રહ્યા છે. તો હાર્દિક અને અલ્પેશ જેવા યુવા નેતાઓ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવે હવાતિયા મારી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આંદોલનકારી યુવા નેતા શું કહે છે?
આંદોલનકારી પ્રવીણ રામે અલ્પેશ ઠાકોરની હાર બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં એટલું જ કહ્યું કે, અલ્પેશની હારથી ગુજરાતની જનતામાં ખુશીનો માહોલ ફેલાયો છે. આવા પક્ષપલ્ટુઓ અને અતિ મહત્વકાંક્ષી વ્યક્તિઓની હાર એ જનતાની જીત છે. આવા અતિ મહત્વકાંક્ષી વ્યક્તિઓની ગમે તે પક્ષમાંથી હોઇ પરંતુ એમને જાકારો આપી ખુબ સારો સંદેશ આપ્યો હોવાનું પણ પ્રવીણ રામે ઉમેર્યું હતું.
ભાજપની હાર, કોંગ્રેસની જીત
રાજ્યની છ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન બાદ બન્ને પક્ષો છ બેઠકો જીતવાના દાવા કરતા હતા. પરંતુ જનતા જનાર્દનના મિજાજ આગળ આ બન્ને પક્ષોના દાવા પોકળ સાબિત થયા. ખાસ કરીને ભાજપના નેતાઓના દાવા ફૂગ્ગાની જેમ ફૂટી ગયા. કેમ કે, તેઓ રાધનપુર અને બાયડ જે 2017માં કોંગ્રેસની બેઠકો હતી તે આંચકી લઈને ભાજપની ઝોળીમાં આવી જશે એવા સપના જોવા લાગ્યા હતા. પરંતુ આ બન્ને બેઠકોના મતદારોએ પક્ષપલ્ટુ અલ્પેશ અને ધવલસિંહને જાકારો આપીને પ્રજાનો દ્રોહ કરવાનો બદલો વાળી લીધો છે. આજે આવેલા પરિણામો પર એક નજર કરીએ તો વર્ષ 2017માં ભાજપના ફાળે થરાદ, લુણાવાડા, ખેરાલુ, અમરાઈવાડી બેઠકો હતી, તો કોંગ્રેસના ખાતામાં બાયડ અને રાધનપુરની બે બેઠકો હતી. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠકો અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાના ધારાસભ્યો સાંસદ બનતા ખાલી પડેલી બેઠકો અને રાધનપુર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક આપી ભાજપમાં જોડાયેલા રાધનપુર અને બાયડની બે બેઠકો એમ કુલ છ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે થરાદ બેઠક ગુમાવતા ભાજપની પ્રદેશ નેતાગીરી અને ભાજપની રૂપાણીની સરકારની હાર છતી થઈ છે.
કોંગ્રેસને ત્રણ બેઠક જીતાડીને ભાજપે બે રાજ્યો સર કર્યા
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જેમ 2015માં યોજાયેલી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં એવા આરોપ થયા હતા કે, ઈવીએમમાં ગોટાળા કરીને ભાજપે જીતી હતી. તો વર્ષ 2018માં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. અને આ ચૂંટણી બાદ વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ફરીએકવાર ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉત્તર પ્રદેશમાં ઈવીએમના સહારે સત્તા મેળવનાર ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશ કોંગ્રેસ જીતતા એવું કહેવાયું હતું કે, ઈવીએમમાં કોઈ ગોટાળા નથી થતાં. આ જ રીતે છ બેઠકોની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને ફાળ ત્રણ બેઠક આવી અને તેની સામે ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પોતાની સત્તા જાળવી રાખી. આ સંજોગોમાં એવા આરોપ થઈ રહ્યા છે કે, કોંગ્રેસને ત્રણ બેઠકો આપીને તેમને ચૂપ કરી દઈને ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઈવીએમમાં ગોટાળા કરાવીને સત્તા મેળવી છે.