ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દીધા બાદ કાર્યવાહી
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ કાર્યવાહી કરી છે. આવા 100થી વધુ બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પ્રકારે મહેસાણા જિલ્લામાં 21 એકમો, અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી, ગાંધીનગર જિલ્લામાં 6 એકમો, રાજકોટ 3, જૂનાગઢ 2, ભાવનગર 1, વડોદરા 1, સુરત 1 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ એકમો દ્વારા અખાદ્ય વસ્તુમાંથી માવો અને મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની બે ડેરી દ્વારા ટેલકમ પાવડર નાખીને માવો તૈયાર કરાતો હતો. જે માવો 14 રૂપિયામાં બનતો હોય તેને 45 રૂપિયામાં જથ્થાબંધ ભાવે વેચી 100 કે 520 રૂપિયે કિલોના ભાવે નકલી મીઠાઈનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ આ તપાસ દરમિયાન ખૂલ્યું હતું.
તહેવારો નજીક આવતા જ તવાઈ શરૂ
રાજ્યમાં દરેક તહેવાર સમયે મીઠાઈનું ચલણ સામાન્ય રીતે વધી જતું હોય છે. આવા તહેવારો દરમિયાન કેટલાંક લેભાગુ વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય એવી મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દે છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાયબ કમિશનર દિપીકા ચૌહાણે જનસત્તાને જણાવ્યું કે, તહેવારોમાં ગુજરાતની પ્રજા મીઠાઈ વધારે ખાતી હોય છે અને આ તકનો લાભ લેવા માટે રાજ્યમાં તકસાધુ જેવા વેપારીઓ રાહ જોઈને જ બેઠા હોય છે. આવી સ્થિતિમાં તેઓ અખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. આ અંગે મળેલી માહિતીના આધારે વિભાગ દ્વારા તપાસ કરાતા રાજ્યના 45 એકમો દ્વારા મીઠાઈમાં ઘીના સ્થાને વેજિટેબલ ઓઈલ નાખીને તેને તૈયાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને આ 45 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને કોઈપણ પ્રકારની મીઠાઈ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે જનસત્તાએ તેમને પૂછ્યું કે આ એકમોને સીલ કરાયા છે તો તેમણે સીલ કરવાની વાત નકારી કાઢી હતી અને માત્ર નોટીસ આપી હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું.