રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના

રાજકોટ,શુક્રવાર

સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું.

આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જેમાં માત્ર સૌરાષ્ટ્રની જ 12.70 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર છે. દેશનાં અન્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટકમાં પણ મગફળીનું વાવેતર સારું જોવાઈ રહ્યું છે, જેના પગલે દેશમાં આશરે 58થી 60 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા સેવાઈ રહી છે, જે ગત વતવર્ષે માત્ર 41 લાખ ટન જ રહ્યું હતું.

હવે ખેડૂતો માત્ર એકથી બે ઈંચના સારા વરસાદની રાહમાં જ છે, જેથી ઉતારો ઘણો સારો રહે. સારો પાક ઉતરવાના હરખ વચ્ચે ખેડૂતો જો કે પોષણક્ષણ ભાવ મળવા અંગે પણ થોડી ચિંતા પણ અનુભવી રહ્યા છે. ખેડૂતોને ચિંતા છે કે નવો પાક બજારમાં આવતાં જ મગફળીના ભાવ દર વર્ષની જેમ ઘટી જશે, જે ઘટશે તે પણ જો કે નક્કી જ છે. મગફળીના હાલના ભાવની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના ભાવ 900થી 1120 વચ્ચે છે, જેમાં ઘટાડો નોંધાશે.

રાજ્યમાં મગફળીના વાવેતરના આંકડા

રાજકોટ 2339 લાખ હેક્ટર
જામનગર 1415 લાખ હેક્ટર
પોરબંદર 831 લાખ હેક્ટર
જૂનાગઢ 2346 લાખ હેક્ટર
અમરેલી 1129 લાખ હેક્ટર
ભાવનગર 956 લાખ હેક્ટર
મોરબી 413 લાખ હેક્ટર
બોટાદ 15 લાખ હેક્ટર
ગીરસોમનાથ 1033 લાખ હેક્ટર
દેવભૂમિ દ્વારકા 1972 લાખ હેક્ટર
સુરેન્દ્રનગર 155 લાખ હેક્ટર
અન્ય 2.7 લાખ હેક્ટર