વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા. 04

રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પાકને થયેલા નુકસાન બાબતે સરવે કરવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ આજે રાજ્ય સરકારે મહા વાવાઝોડામાં જે ખેડૂતોના પાકને નુકસાન થશે તેનું ફરીવાર સરવે કરવામાં આવશે એવો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાને યોજી સમીક્ષા બેઠક

મહા વાવાઝોડાના સંકટને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યપ્રધાને તેમના પ્રધાનમંડળના તમામ સભ્યોને વાયુની તૈયારીની જેમ જ સંભવિત જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપી દીધી છે. અને તમામ પ્રધાનો વાવાઝોડાના સંભવિત વિસ્તારોમાં જઈને ત્યાંની કામગીરીની સમીક્ષા કરશે.

કૃષિ વિભાગનો મહત્વનો નિર્ણય

દરમિયાનમાં કૃષિ વિભાગની બેઠકમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી બાબતે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત વાવાઝોડાની અસરના ભાગરૂપે જે તે જિલ્લા અને તાલુકાઓમાં ખેડૂતોના પાકના નુકસાનની સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે હજુ મહા વાવાઝોડું આગામી દિવસો દરમિયાન ત્રાટકવાનું હોઈ ખેડૂતોના ઊભા પાકને હજુ પણ નુકસાન થાય એવી દહેશત ખુદ કૃષિ વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના કૃષિ સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, આ વાવાઝોડાના કારણે જે નુકસાન થશે તેનો પણ સરવે કરવામાં આવશે અને તે અંગે પણ ખેડૂતોને પાકના નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. સાથે તેમણે જે વિસ્તારોમાં આ વાવાઝોડું આવવાનું છે તે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું કે, તૈયાર માલ સલામત સ્થળે ખસેડી દેવો જેથી નુકસાની ઓછી થાય.

એનડીઆરએફની વધુ 15 ટીમો બોલાવાઈ

રાજ્યમાં મહા વાવાઝોડાનાં સંકટને જોતાં રાજ્ય સરકારે એસડીઆરએફની ટીમ ઉપરાંત મહાનગરોના ફાયર બ્રિગેડને પણ તૈયાર રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત આ વાવાઝોડાના સંકટને પહોંચી વળવા અને રેસ્ક્યૂ કામગીરી માટે એનડીઆરએફની વધુ 15 ટીમો બોલાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સંકટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને પણ સ્ટેન્ડ બાય રહેવા જણાવાયું છે. આ ઉપરાંત અમપાના ફાયરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે.

કોસ્ટ ગાર્ડ પણ સ્ટેન્ડ બાય

હવામાન વિભાગની આગાહીને પગલે સરકારે માછીમારોને 8મી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરી છે. અને 30-31 ઓક્ટોબર દરમિયાન જે માછીમારો દરિયામાં માછીમારી માટે ગયા છે તે તમામ બોટોને પરત બોલાવી લેવાઈ છે. જે પૈકી મોટાભાગની બોટો પરત આવી ગઈ છે. પરંતુ હજુ કેટલીક બોટો પરત આવી નથી અને કોસ્ટલ ગાર્ડ તેમ જ મત્સ્યોદ્યોગ વિભાગ તેમના સતત સંપર્કમાં છે. દરમિયાનમાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો કોસ્ટ ગાર્ડના 7 જહાજ અને 2 વિમાનને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.