અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ તેજાબવાલા વર્ષ 2017માં ખાડીયા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો છે. શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ મોરચાના પક્ષ ઓલ ઈન્ડીયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળ શહેજાદ ચૂંટણી લડ્યો હતો. જુદાજુદા ન્યુઝ પેપર અને વેબ ચેનલના નામે રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યા બાદ શહેજાદ તેનો ગેરલાભ પણ ઉઠાવતો હતો. શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા શખ્સોની માહિતી અધિકારીઓને આપી દેવાની ધમકી આપી શહેજાદ અને તેનો સાગરીત ઈમરાન અજમેરી પૈસા પડાવતાં હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમને બેએક મહિના અગાઉ બાતમી મળી હતી કે, પોલીસને ડ્રગ્સ, દારૂ અને જુગારની બાતમી આપનારો શખ્સ શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી-શેખ એમડી ડ્રગ્સનું મોટાપાયે રેકેટ ચલાવે છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે એસ.જી.હાઈ-વે વાયએમસીએ કલબ નજીક નીતા ટ્રાવેલ્સની બસમાં આવેલા એક પાર્સલની ડિલીવરી લેવા ઓટોરિક્ષામાં આવેલા બે શખ્સોને પીઆઈ કે.જી.ચૌધરી અને તેમની ટીમે ઝડપી લીધા હતા. મઝહર ગુલામહુસેન તેજાબવાલા (ઉ.52 રહે. પિન્કી પેલેસ, મન્સુરી મસ્જીદ પાસે, ઢાલગરવાડ) અને ઈમ્તિયાઝ બનુભાઈ શેખ (ઉ.63 રહે. બુખારા મહોલ્લા, પારસી અગિયારી પાસે, ખમાસા) પાસેથી મળી આવેલા પાર્સલની તલાશી લેતા તેમાંથી મિઠાઈ ભરેલા ચાર બોકસ અને બે મિઠાઈના બોકસમાંથી કુલ દોઢ કિલો મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ (આંતરરાષ્ટ્રીય કિંમત 1.50 કરોડ) મળી આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, 1110 રૂપિયા રોકડા અને મઝહર તેજાબવાલાના નામ અને ફોટા સાથેનું સહકાર સિન્ધુ ડેઈલી પ્રેસ લખેલું ઓળખપત્ર મળી આવ્યું હતું.
આરોપીઓની પૂછપરછ કરતા એમડી ડ્રગ્સનું રેકેટ મઝહર તેજાબવાલાનો પુત્ર શહેજાદ અને ઈમરાન અહેમદ અજમેરી ચલાવતા હોવાની હકિકત સામે આવી હતી. મુંબઈ ખાતેથી ડ્રગ્સની ડિલીવરી લઈ તેને મિઠાઈના બે બોકસમાં છુપાવી અન્ય મિઠાઈના ચાર બોકસ સાથે એક પાર્સલ બનાવી નીતા ટ્રાવેલ્સ મુંબઈમાં અમદાવાદ ખાતે મોકલવા આપ્યું હતું. જ્યારે મઝહર અને ઈમ્તિયાઝ ફાલ્કન ટ્રાવેલ્સમાં બેસી મુંબઈથી અમદાવાદ ખાતે વહેલા આવી ગયા હતા.
ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા જ ક્રાઈમ બ્રાંચની અન્ય ટીમે ઢાલગરવાડ પિન્કી પેલેસ ખાતે રહેતા શહેજાદ અને જમાલપુરમાં પીરાનપીર દરગાહ પાસે રહેતા ઈમરાન અહેમદ અજમેરીના ઘરે દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. શહેજાદના ઘરેથી સર્ચમાં રોકડ 44.89 લાખ રોકડા, એક પિસ્તોલ, ત્રણ કારતૂસ અને જુદાજુદા પ્રેસના આઈકાર્ડ મળી આવ્યા હતા. જ્યારે ઈમરાનના ઘરેથી 9 લાખ જેટલી રોકડ રકમ મળી આવતા કબ્જે લેવાઈ હતી.
અમદાવાદ, સૌરાષ્ટ્ર અને વડોદરા સુધી એમડી મોકલાતું હતું
શહેજાદ અને ઈમરાન અજમેરી અમદાવાદ શહેર, સૌરાષ્ટ્ર અને વડોદરા સુધી એમડી ડ્રગ્સ મોકલતા હતા. ડીસીપી દિપન ભદ્રને જણાવ્યું છે કે, શહેજાદ અને ઈમરાન ભાગીદારીમાં આ ધંધો કરતા હતા અને તેમના ગ્રાહકો અમદાવાદ શહેર પૂરતા જ સિમિત નથી. એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ-ગોવા ખાતેથી મંગાવ્યા બાદ ડિમાન્ડ અનુસાર સૌરાષ્ટ્ર, વડોદરા અને ચરોત્તરના વેપારીઓને મોકલી આપવામાં આવતો હતો. આ રેકેટમાં સંડોવાયેલા લોકોની સંખ્યા ખૂબ જ છે. શહેજાદ અને ઈમરાન સાથે એમડી ડ્રગ્સનો ધંધો કરી રહેલા લોકોની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુંબઈ ખાતેથી ડ્રગ્સ સપ્લાય કરતો અસફાકબાવા અને અન્ય એક શખ્સની પણ ક્રાઈમ બ્રાંચ શોધખોળ કરી રહી છે.
એમડી રેકેટમાં ચારની ધરપકડ, અન્ય ફરાર
ડ્રગ્સ રેકેટમાં ક્રાઈમ બ્રાંચે મઝહર તેજાબવાલા, ઈમ્તિયાઝ શેખ, શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી-શેખની ધરપકડ કરી છે. જ્યારે મુંબઈનો અસફાકબાવા, ડોંગરીનો એક શખ્સ તેમજ અન્ય આરોપીઓને ફરિયાદમાં ફરાર દર્શાવ્યા છે. મુંબઈ પોલીસની ધોંસ વધવાથી અસફાકબાવાએ ડ્રગ્સ આપવાનું બંધ કર્યું હતું. જો કે, શહેજાદે મુંબઈ ડોંગરીના એક અન્ય શખ્સનો સંપર્ક કરી એમડી મંગાવવાનું શરૂ કરી દીધું હતું. આરોપીઓ મુંબઈ ઉપરાંત ગોવા ખાતેથી પણ ડ્રગ્સ મંગાવતા હોવાની માહિતી સામે આવી છે.
ડ્રગ્સ કુરિયર-ટ્રાવેલ્સમાં મંગાવાતું
છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એમડીનું રેકેટ ચલાવતી ટોળકી અગાઉ ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ બસમાં ડ્રગ્સ લાવતી હતી. એકાદ વર્ષ અગાઉ ટ્રાવેલ્સ બસમાં પોલીસ ચેકીંગ થયું હતું, પરંતુ સદનસીબે પોલીસે ડીકીમાં રહેલો સામાન ચેક નહીં કરતા ડ્રગ્સ કેરિયર બચી ગયા હતા. ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો કુરિયરમાં અથવા ટ્રાવેલ્સ બસમાં મંગાવવાની શરૂઆત કરી હતી.
આંગડીયા મારફતે ડ્રગ્સનું પેમેન્ટ કરતો હતો
એમડી ડ્રગ્સની ડિમાન્ડ સપ્લાય કરતા વધુ હોવાથી શહેજાદ હંમેશા માલ પેટે એડવાન્સમાં રૂપિયા મોકલી આપતો હતો. ક્રાઈમ બ્રાંચ દ્ધારા કબ્જે લેવાયેલા દોઢ કિલો એમડી તેમજ અન્ય 6 કિલો ડ્રગ્સ માટે શહેજાદ તેજાબવાલાએ 50 લાખ રૂપિયા એડવાન્સ અમદાવાદની આંગડીયા પેઢી થકી મોકલી આપ્યા છે. આંગડીયા પેઢીમાંથી અગાઉ કેટલી વખત રૂપિયા કોને-કોને મોકલી આપવામાં આવ્યા છે તેની પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
એક વર્ષમાં કરોડો રૂપિયાની મિલ્કત વસાવી
એમડી ડ્રગ્સ રેકેટમાં એક હથ્થુ શાસન ધરાવતા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી-શેખે છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાની મિલ્કત વસાવી છે. કોટ વિસ્તારમાં લાખો-કરોડો રૂપિયાની અનેક મિલ્કત બંને આરોપીઓએ ખરીદી હોવાની માહિતી પણ પોલીસને મળી છે. ક્રાઈમ બ્રાંચ બંને આરોપી તેમજ તેમના પરિવારના બેંક એકાઉન્ટની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
એસપી લખેલા મિઠાઈના પેકેટમાંથી એમડી મળ્યું
ક્રાઈમ બ્રાંચે નીતા ટ્રાવેલ્સમાં આવેલું પાર્સલ ખોલ્યું તો તેમાંથી મિઠાઈના 6 પેકેટ મળી આવ્યા હતા. છ પેકેટ પૈકી બે પર પેનથી એસપી લખેલું હતું. જ્યારે અન્ય ચાર પેકેટ પર કેક, બરફી, ડ્રાયફ્રુટ અને એફ-અફલાતુન લખેલું મળી આવ્યું હતું. એસપી લખેલા બોક્સમાંથી દોઢ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે અન્ય પેકેટમાંથી મિઠાઈ મળી હતી. મુંબઈના શખ્સે મિઠાઈના બોકસમાં ડ્રગ્સ પેક કરીને એક પાર્સલ બનાવીને આપ્યું હતું. જે પાર્સલ પર એક તરફ ઈમરાન અજમેરી, બીજી તરફ પટેલ ભાઈ અને બે મોબાઈલ નંબર લખેલા હતા.
શહેજાદે પિસ્તોલ ખરીદી હતી
એમડી ડ્રગ્સના ધંધામાં અન્ય હરિફ સાથે થયેલી અદાવતમાં ક્યારેય પણ હુમલો થાય તેવી શક્યતાના પગલે શહેજાદે પિસ્તોલ-કારતૂસ ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે. ક્રાઈમ બ્રાંચે શહેજાદના ઘરેથી કબ્જે લીધેલી પિસ્ટલ મેડ ઈન યુએસએ છે. પિસ્ટલના બેરલ પાસે આર્મી તથા વચ્ચેના ભાગે ઓટોમેટિક પિસ્ટલ નંબર—લખેલું છે. કબ્જે લેવાયેલા ત્રણ કારતૂસ પૈકી બે 8 એમએમના અને એક કારતૂસ 9 એમએમનો છે. અન્ય કારતૂસ વિશે પૂછતા તેણે એક સામાન (વેપન) અને દાણા (કારતૂસ) મંગાવ્યા છે, પરંતુ હજુ સુધી મળ્યા નહીં હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
શહેજાદનો એક ભાઈ ડ્રગ્સના રવાડે ચઢી ગયો છે
શહેજાદ તેજાબવાલાના ત્રણ ભાઈઓ પૈકી એક ડ્રગ્સના રવાડે ચઢી ગયો છે અને તેની સારવાર રાજસ્થાનના રિહેબિલિટેશન સેન્ટરમાં ચાલી રહી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. એમડી ડ્રગ્સથી લોકોની જીંદગી ખરાબ થઈ રહી છે, મારો ભાઈ પણ આ લતમાં ફસાઈ ગયો છે તેમ કહી શહેજાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને લાગણીઓ સાથે રમતો હતો અને એમડી ડ્રગ્સના ધંધામાં હરિફ શખ્સોની બાતમી પોલીસને આપતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘને પણ ડ્રગ્સના બંધાણી થઈ ગયેલા ભાઈની સ્ટોરી સંભળાવી હતી.