શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

અમદાવાદ, તા. 10

ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.

અમદાવાદમાં શાકભાજીના ભાવ

શાકભાજી               હોલસેલ (રૂપિયા પ્રતિ કિલો)            છૂટક (રૂપિયા પ્રતિ કિલો)

ટામેટા                  35થી 40                                80થી 90

કોબી                   18થી 20                                100થી 120

ફૂલાવર                25થી 30                               100થી 110

દૂધી                    20થી 25                               100થી 120

રીંગણા                 25થી 30                               90થી 100

ભીંડા                   20થી 25                                70થી 80

કારેલા                 15થી 20                               80થી 100

કોથમીર                35થી 60                              125થી 150

શાકભાજીના વેપારીઓની દલીલ

વધી રહેલા શાકભાજીના ભાવ અંગે હોલસેલ શાકભાજીના વેપારી અહેમદ પટેલ દલીલ કરી રહ્યાં છે કે, ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો છે તેના કારણે શાકભાજીના પાકને પારાવાર નુકશાન થયું છે. અને તેના કારણે બજારમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. અને તેના કારણે ભાવ વધારો કરવાની અમને ફરજ પડી છે.

શાકભાજીના જથ્થાબંધ વેપારીઓની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવે તો પણ જે ભાવ જથ્થાબંધ માર્કેટમાં છે તેના કરતા છૂટક વેચનારા વેપારીઓ બેથી ત્રણ ગણો ભાવવધારો લેતા હોય છે. તેમનો ભાવ પર વિસ્તાર પ્રમાણે હોય છે. કારણ કે તેમના પર શાકભાજીના ભાવો લેવા પર કોઈ નિયંત્રણ નથી રહેતું.