ગાંધીનગર, તા. 5
ગુજરાતનો બીજા નંબરનો પાક મગફળીનું વાવેતર 3 સપ્ટેમ્બર 2019 સુધીમાં 15.50 લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 82,796 હેક્ટર વધારે છે. મગફળીમાં સમયસર વરસાદ અને કોઈ રોગચાળો આવ્યો ન હોવાથી બમ્પર પાક આવશે અને ગત વર્ષ કરતા અંદાજે 15થી 20 ટકા પાક વધારે આવે એવો અંદાજ છે. ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડશે. તેથી ભાવ નીચે રહેશે. તેથી ખેડૂતોની પરેશાની વધશે. ગયા વર્ષે મગફળી કૌભાંડોથી મુખ્ય પ્રધાન રૂપાણી અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા બદનામ થયા હતા. આ વખતે ગયા વર્ષ કરતાં ખરાબ સ્થિતી ઊભી થાય એવા સંજોગો આકાર લઈ રહ્યાં છે. જો રૂપાણી સરકાર આ અંગે કોઈ આયોજન નહીં કરે તો ફરી એક વખત ખેડૂતોનો ખોફ સરકારે વહોરવો પડશે.
છેલ્લાં બે વર્ષ દરમિયાન રાજ્યમાં ચોમાસુ નબળું રહેતા આ બે વર્ષ દરમિયાન ખેડૂતોને ઘણું નુકશાન ઉઠાવવું પડ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે ઓછા ભાવની સમસ્યા રહેથશે તેથી રૂપાણી સરકારે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારીને તેલની આયાત ઘટાડવા અને મગફળીની નિકાસ છૂટ માટે નરેન્દ્ર મોદીની વગનો ઉપયોગ કરવો પડશે.
સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. સારા ચોમાસાના કારણે 30થી 35 લાખ ટન વિક્રમજનક મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે. ગયા વર્ષે ઓછા વરસાદના કારણે 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું. આ વર્ષે 10 વર્ષનું વિક્રમી ઉત્પાદન થતાં ખેડૂતોની પરેશાની વધશે.
દેશમાં ઉત્પાદન વધશે
આ વર્ષે રાજ્યમાં 15.66 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં 13 લાખ હેક્ટર ખેતરોમાં મગફળીનું વાવેતર થયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટકમાં પણ મગફળીનું વાવેતર સારું જોવાઈ રહ્યું છે. દેશમાં આશરે 58થી 61 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા સેવાઈ રહી છે, જે ગત વતવર્ષે 41 લાખ ટન જ રહ્યું હતું.
અંદાજો કરતાં વધું ઉત્પાદન
ચોમાસા પહેલા તૈયાર કરેલા અંદાજો કરતાં ઉત્પાદન વદશે. ચોમાસુ અને ઉનાળુ બે ઋતુ મળીને 15.66 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ કૃષિ નિયામકનો છે. 22 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે એવી ધારણા કૃષિ પ્રધાનની છે. હેક્ટર દીઠ 1378 કિલો મગફળી થવાની ધારણાં કૃષિ વિભાગની છે જે ખોટી વડશે. ઉત્પાદન 1500 કિલોથી વધે તેમ છે. જામનગરના વાલાસણના ખેડૂત એન. આર. વડાલિયા કહે છે કે, આ વખતે મારા ખેતરમાં મગફળીનું ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડે તેમ છે.
આમ કૃષિ વિભાગની ચોમાસા પહેલાની ધારણા કરતાં ચોમાસું સારૂં રહ્યું છે. તેથી ઉત્પાદન 35 લાખ ટન કે તેથી પણ વધુ થશે. મગફળીને જે રીતે વરસાદની આવશ્યકતા હતી તે પ્રમાણે વરદાસ થયો છે. તેથી જમીનમાં સારી રીતે સૂયા બેસી શક્યા છે અને ડોડવો સારો બંધાયો છે.
જમીનમાં સારો ભેજ
મગફળી માં ફૂલ ઉઘડવા, સુયા બેસવા, ડોડવા બનવા તથા ડોડવા ભારાવાની અવસ્થાઓએ જમીનમાં ભેજની ખેંચ પડી નથી. સમયસર વરસાદ થયો છે. ઝાઝો વરસાદ પણ જોઈતો નથી. વાવણીથી માંડીને કાપણી માટે ૧૨૦થી ૧૬૦ દિવસો લાગી શકે. પણ એ કયા પ્રકારની મગફળી છે અને કેવું વાતાવરણ છે, એના પર આધાર રાખે છે.
સરકારે 15 લાખ ટન મગફળી ખરીદવી પડશે
આ સમયે મગફળીના ભાવ તો ઓછા મળે જ છે. ખેડૂતો માને છે કે, મગફળીનો ઉતારો ઘણો સારો રહેશે. મગફળીના હાલના ભાવની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના ભાવ 900થી 1120 વચ્ચે છે, જેમાં ઘટાડો નોંધાશે. ભાવ તળીએ આવીને રહેશે. સારા ભાવ રૂ.1700 ગણવામાં આવે છે. પણ આ વખતે રૂ.1000થી 1300 સુધી ટેકાના ભાવે સરકારે 15 લાખ ટન મગફળી ખરીદ કરવી પડશે. ખેત પેદાશના ઉત્પાદનો ભાવ ખેડૂતો નક્કી કરતાં નથી તેના ભાવ વેપારીઓ નક્કી કરે છે. ભાવ ખેડૂતો નક્કી કરે એવું થવું જોઈએ. સિંગતેલ ઉપર આયાત ડયુટી વધારવા જણાવ્યું હતું. મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને બદલે વચેટિયાઓને અને દલાલોને ફાયદો વધુ થાય છે.
તેલની આયાત ઓછી કરી નિકાસ વધારો
2016માં વર્ષે 25.75 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. દેશમાં 205 લાખ ટન તેલના વપરાશમાં સિંગતેલનો હિસ્સો 20 ટકા છે. સિંગતેલને પ્રોત્સાહન આપવા આયાતી સિંગતેલ પર અંકુશ લાવવો જોઇએ એવું ખેડૂતો માની રહ્યાં છે.
આખા જગતમાં જોવા મળતી મગફળી
ચીન અને ભારત મળીને મગફળીનું 50 ટકા ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાતમાં દેશની 50 ટકા મગફળી વવાય છે. અમેરિકામાં દુનિયાની 10 ટકા મગફળી પાકે છે. આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મલાવી, નાઇજીરિયા, સેનેગલ અને સુદાનમાં મુખ્ય પાક મગફળી છે.
મગફળીનો ઇતિહાસ
સૌથી પહેલાં મગફળી દક્ષિણ અમેરિકા મળી પછી યુરોપમાં આવી જ્યાં કોફીની જગ્યાએ વાપરે છે. પછી પોર્ટુગલના લોકો આફ્રિકામાં મગફળી લઈ ગયા. ચીન અને ભારત પહોંચી હતી. વનસ્પતિના સ્કોલરોએ 1700ના દાયકામાં મગફળીનો અભ્યાસ કરી, એને જમીનમાં થતા બી કહ્યા. 1800ના દાયકામાં મગફળી ખોરાક તરીકે દુનિયાભરમાં લોકપ્રિય બની ચૂકી હતી. ૧૩ પ્રકારના વિટામીન અને ૨૬ પ્રકારના મીનરલ્સ મળે છે. 1900માં મગફળીમાંતી 300 કરતાં વધું વસ્તુઓ બનાવા લાગી હતી. મગફળીમાં ક્રિમ કરતાં પણ વધારે પ્રમાણમાં ચરબી અને ખાંડ કરતાં વધારે પ્રમાણમાં કૅલરી હોય છે. ઈન્ડોનેશિયાનો પીનટ સૉસ, પશ્ચિમ આફ્રિકાનો સૂપ, ચાઈનીઝ નુડલ્સ, પેરુની એક પ્રકારની વાનગી અને પીનટ બટરની બનેલી સેન્ડવીચ બને છે. કચ્છની દાબેલીમાં મગફળીના દાણાનો ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્રમાં 800 જેટલી ખાવાની વસ્તુમાં મગફળીના દાણા વપરાય છે. જેમાં ખારી સીંગ તરીકે સૌરાષ્ટ્રમાં દુનિયામાં સૌથી વધું વપરાશ થાય છે. યુરિપોમાં 1890થી સેન્ડવીચમાં પીનટ બટર લગાવી ખાવી સામાન્ય છે. એશિયામાં ગુજરાતમાં સૌથી વધું સિંગતેલ રાંધવા માટે વપરાય છે. સિંગ ચાણા ભારતભરમાં ખવાય છે.
મગફળીથી કેન્સર
સડી ગયેલી મગફળીમાં એફલાટોક્સીન નામની ફૂગનું ઝેર હોય છે. જે કેન્સર કરે છે. તેથી ખરાબ સ્વાદનો દાણો તુરંત થુંકી કાઢવો જોઈએ. મગફળીથી ઍલર્જી, નાના બાળકને ઝડપથી એલર્જી, શરદી, શરીર પર ફોલ્લા, બ્લડ પ્રેશર ઘટી જાય અને શ્વાસ રુંધાવાની સમસ્યા થઈ શકે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો દાવો 20 ટકા ઉત્પાદન વદશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડો. એ. આર. પાઠકે કહ્યું કે, આ વર્ષે જે રીતે વરસાદ પડ્યો છે તેનાં કારણે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું છે અને તેથી સારો પાક મળશે. દરવર્ષ કરતાં આ વર્ષે બમ્પર પાક આવશે. ભેજનું પ્રમાણ સારું એવું રહ્યું છે. કેટલાંક સમયથી મુંડાથી મગફળીનાં પાકને જે નુકશાન થતું હતું તે નહિ થાય. તેનાં કારણે લગભગ આ સરેરાશ વર્ષ કરતાં આ વર્ષે 15થી 20 ટકા જેટલો પાક વધારે આવશે.
શું કહે છે કૃષિ વૈજ્ઞાનિક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડો. કે. એલ. ડોબરિયાએ કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મગફળીની સિઝનમાં ચડાવ ઉતાર જોવા મળ્યો છે. આ વર્ષે ત્રણ વખત વરસાદ થયો છે અને તમામ વરસાદ મગફળી માટે ફાયદો કરાવ્યો છે. વાયુ વાવાઝોડાનો વરસાદ, પછી સિઝનનો વરસાદ અને છેલ્લે પાછોતરા વરસાદના કારણે મગફળીનાં વાવેતરમાં 85થી 90 હજાર હેક્ટરમાં વાવેતર વધ્યું છે. તેને જોતાં મગફળીનો બમ્પર પાક હાલના તબક્કે તો કહી શકાય. પરંતુ હજુ પાક ઉતરવાને દોઢસો દિવસ બાકી ગણીએ તો આ સમયગાળા દરમિયાન જો કોઈ કુદરતી આપત્તિ ન આવે તો ચોક્કસ મગફળીનાં ઉત્પાદનમાં નોંધપાત્ર વિક્રમી વધારો જોવા મળશે.
કૃષિપ્રધાન આર. સી. ફળદુ શું કહે છે?
રાજ્યનાં કૃષિ પ્રધાન આર. સી. ફળદૂ કહે છે કે, મગફળીનું ઉત્પાદન વધવાનું છે ત્યારે ખેડૂતોએ તેમને ઓછા ભાવ મળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યનાં મગફળીનું વાવેતર કરનાર તમામ ખેડૂતોને ફાયદો જરૂરથી થશે. ભારત સરકાર દ્વારા મગફળીનાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે જ મગફળીની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ વર્ષે પણ મગફળીનાં ટેકાના ભાવ અંદાજે રૂ. 1000થી વધારે જાહેર કરવામાં આવશે.
જિલ્લાવાર મગફળીનું વાવેતર
જિલ્લો હેક્ટર
સુરેન્દ્રનગર 15600
રાજકોટ 233900
જામનગર 148000
પોરબંદર 83100
જૂનાગઢ 234600
અમરેલી 112900
ભાવનગર 95600
મોરબી 41300
સોમનાથ 103300
દ્વારકા 197200
સૌરાષ્ટ્ર 1267000
બનાસકાંઠા 113800
સાબરકાંઠા 56800
અરવલ્લી 55200
કુલ ગુજરાત 1550400