ગુજરાતમાં મોદી રાજમા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દેવાઈ

16 lakh hectares of land given to industries in GUJ

ગૌચર, પડતર જમીન, વૃક્ષ અને જંગલોમાં મોટો ઘટાડો વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે

દિલીપ પટેલ
અમદાવાદ, 23 જુલાઈ 2024
ગુજરાતમાં 2019થી 2021 સુધીના બે વર્ષમાં 223 ચોરસ કિલોમીટર જંગલ ઓછા થઈ ગયા હતા.
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ગુજરાતમાં જંગલ વિસ્તારમાં સતત ઘટાડો એક ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં દસ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે.

વૃક્ષોનો કોઈ વિકલ્પ નથી. એસી એ ગરમીનો કાયમી ઉપાય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ ઝુંબેશ ચલાવી ગુજરાતમાં 17 કરોડ વૃક્ષ વાવવાના છે. દર વર્ષે વૃક્ષ ઉગાડવાના તાયફા થાય છે. પણ વૃક્ષોનું આવરણ ઘટી રહ્યું છે.

રાજ્ય સરકારે 3 વર્ષમાં 20 ચોરસ કિલોમીટર જંગલ ઉદ્યોગોને આપી દીધા
એક ચોરસ કિલોમીટર જંગલના એક કરોડ સરકારે લીધા અને જંગલો આપી દીધા.

2022-23માં રાજ્યમાં 1291 હેક્ટર જંગલ વિસ્તાર સરકારે આપી દીધો હતો.
રસ્તા-વીજ લાઈન 944.76 હેક્ટર.
ઉદ્યોગોને 45.9 હેક્ટર.
અન્ય હેતુ 88.93 હેક્ટર.
સિંચાઇ 212.26 હેક્ટર.

જેમાંથી ઉદ્યોગોને જમીન
2020-21માં 1237 હેક્ટર,
2021-22માં 448 હેક્ટર
2022-23માં 318 હેક્ટર મળીને ત્રણ વર્ષમાં 2 હજાર હેક્ટર જંગલની જમીન ઉદ્યોગોને આપી છે.
જંગલો ખતમ કર્યા છે.

માનીતા ઉદ્યોગગૃહો
સુરતના હજીરામાં આર્સેલર મિત્તલ જૂથે 300 મેગાવોટના પાવર સ્ટેશનના નામે 93.67 હેક્ટર જંગલની જમીન હડપ કરી હતી. સ્ટીલ પ્લાન્ટનો સ્ટેબ ચણી દીધો, તો સરકારે તે કાયદેસર કરી આપી હતી.
જંગલો અને જમીન રૂ.18 કરોડ 52 લાખ લઈને આપી દીધા હતા.

13 ઉદ્યોગોને જમીન આપી દેવાઈ
1- અદાણી ગ્રૂપ
2 – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
3 – નોબેલ સેરા કોટ
4 – મોરાઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.
5 – આર્ચિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.
6 – સ્નોડ્રોપ્સ એનર્જીયા પ્રા.લિ.
7 – આરએસપીએલ લિમિટેડ
8 – નર્મદા ક્લીન ટેક
9 – આઈઆરએમ એનર્જી પ્રા.લિ.
10 – ટોરેન્ટ ગેસ પ્રા.લિ.
11 – સાયન યુટિસિટી એન્ડ્ડ કોમ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.
12 – સૂર્યવંશી પાવર ઇન્ફ્રા પ્રા.લિ.
13 – લવમે કુમાર રાઠોડ.

2021માં જંગલની જમીન પડાવી લેવા 21 ઉદ્યોગોએ માંગણી કરી હતી. જેમાં 173 હેક્ટરની જમીન આપી હતી. 2022માં 8 ઉદ્યોગોએ જંગલ માંગ્યા હતા જેમાં 7.3 હેક્ટર જમીન આપી દીધી હતી.

મોદી સરકારના 31 મી જાન્યુઆરી, 2017 ના સંશોધિત એલોકેશન ઓફ બિઝનેસ રૂલ્સ 1961 મુજબ જમીન ફાળવી હતી.

જંગલ ઘટી ગયા
વન વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતના 17 જિલ્લામાં જંગલ ઘટ્યા છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23 પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05 ટકા વિસ્તારમાં જંગલ છે.

જંગલ – વૃક્ષો
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1 લાખ 96 હજાર 244 ચોરસ કિલોમીટર છે, જેમાં 14 હજાર 926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે. રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો છે, 5 હજાર 032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલો અને 9 હજાર 516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તાર છે.
2 હજાર 828 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એવો છે જ્યાં મર્યાદિત સંખ્યામાં વૃક્ષો છે. રાજ્યના કુલ વિસ્તારનો આ 1.44 ટકા છે.

રાજ્યમાં 5 હજાર 489 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વૃક્ષ છે, જે રાજ્યના કુલ વિસ્તારનો 2.80 ટકા છે. વૃક્ષોની ધરાવતા વિસ્તારની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019માં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યના કુલ ક્ષેત્રફળના 3.52 ટકા વિસ્તારમાં ‘ટ્રી કવર’ હતું જે હવે વર્ષ 2021માં 2.80 ટકા પર આવી ગયું છે. બાગાયત વિસ્તાર વધ્યો હોવા છતાં આવી હાલત છે.

રાજ્યના 13 જિલ્લાઓમાં પાંચ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓમાં શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે.

ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, જૂનાગઢ અને વલસાડ જિલ્લાઓ જ એવા છે જ્યાં કુલ ક્ષેત્રફળના 25 ટકા કરતા વધુ વિસ્તારમાં જંગલો છે.

ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ 96 હજાર 244 ચોરસ કિલોમીટર છે, જેમાં 17 હજાર 754 ચોરસ કિલોમીટરમાં જંગલ વિસ્તાર છે. રાષ્ટ્રીય જંગલ નીતિ પ્રમાણે 33 ટકા જંગલો હોવા જોઈએ.

33 ટકા જંગલ વિસ્તારનું લક્ષ્ય હાંસલ કરવા માટે દર વર્ષે 4 મિલિયન વૃક્ષો પ્રતિ હેક્ટર જમીનમાં વાવવા પડશે. પરંતુ હાલમાં 1.32 મિલિયન હેક્ટર જમીનમાં જ આ પ્રકારનું કામ થઈ રહ્યું છે.

ગાંધીનગરમાં જ છેલ્લા બે વર્ષમાં 14 હજારથી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા છે.
2022-23માં ગુજરાત સરકારે વન વિભાગને 1767.24 કરોડ રૂપિયા બજેટની ફાળવણી કરી હતી.
વન વિભાગ સામાજિક વનીકરણ, વૃક્ષા રોપણ કરે છે. વર્ષોથી ચાલતા કાર્યક્રમો હોવા છતાં રાજ્યમાં જંગલ વિસ્તારમાં જોઈએ એવો વધારો કેમ થયો નથી?

છેલ્લા કેટલાય વર્ષોમાં મોટા પાયે જંગલની જમીન ઉદ્યોગોને આપી દેવામાં આવી છે અને જંગલમાં જે દબાણ થયું છે તેને નિયમિત કરવામાં આવે છે.

નિષ્ણાતો અનુસાર જંગલ વિસ્તારની ફેન્સિંગ, ડીમાર્કેશન અને દવ સંરક્ષણ માટે જોઈએ તેવા પ્રયાસ કરવામાં આવતા નથી. જંગલોમાં દબાણ થતું અટકાવવા માટે કોઈ પ્રયાસ થતાં નથી.

ગુજરાતમાં જે જંગલો છે તેમાં કોઈ જૈવ વિવિધતા ઓછી છે.
દરિયાઇ વિસ્તારમાં ઉદ્યોગો ચેરના જંગલો સાફ કરી નાખ્યા છે.

4 વર્ષમાં ગુજરાતમાં જંગલમાં આગ લાગવાની 3500 બનાવો બન્યા હતા.

તાપમાન વધી રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની અસર પણ તીવ્ર બની રહી છે.

ગરમ અમદાવાદ
સમગ્ર દેશમાં અમદાવાદમાં રાતના સમયનું તાપમાન દર દાયકામાં 1.06 ડિગ્રી વધ્યુ છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. વૃક્ષો ઓછા છે તે મુખ્ય કારણ છે. કેન્દ્ર સરકારે 2020 થી 2024 ગુજરાતમાં 178.5 હેક્ટર વિસ્તારમાં 10 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 16 જિલ્લામાં 25 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યાં છે.

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન મટી ગયા પછી, ગુજરાતમાં જમીનની છેલ્લી મોજણી. વડાપ્રધાન થતાં પહેલાં નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, અંકલેશ્વરથી વાપી સુધીની ઉત્તમ ખેતી લાયક જમીન ઉદ્યોગોને આપી કોંગ્રેસે ખેડૂતોને બરબાદ કર્યા છે.

વિગતો લાખ હેક્ટર
વાવેતર વિસ્તાર ખેતી માટે 97
ઉજ્જડ ખેડી ન શકાય તેવી 26
ખેતી સિવાયનો વપરાશ 11.50
ખેડવાલાયક પડતર 20
જંગલ વિસ્તારની 18.54
કાયમી ગોચર અને ચરાણ 8.50
ચાલુ અને અન્ય પડતર 6.86
કુલ જમીન 188

મોદી વડાપ્રધાન થયા ત્યાર પછી ગુજરાતમાં જમીનની જરૂરિયાત

સેઝ, સર, પોર્ટ સિટી, ઉદ્યોગ માટે 3 લાખ હેક્ટર જમીન સંપાદન કરવી પડી છે.
1 લાખ 30 હજાર હેક્ટર જમીન 13 સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન – સર માટે
4 લાખ ઉદ્યોગો છે. દર 2 વર્ષે 17થી 20 હજાર નવા ઉદ્યોગો માટે એમઓયુ થાય છે.
60 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 33 હજાર હેક્ટર જમીન ગઈ છે.
2009 સુધીમાં 265 જીઆઇડીસીમાં 33 હજાર હેકટર જમીન ગઈ હતી.
2013થી 50 હજાર હેક્ટર જમીન ઉદ્યોગોમાં ગઈ હોવાની ધારણા છે.
2003થી 2009 સુધીમાં 40 હજાર હેકટર જમીન ઉદ્યોગોમાં ગઈ છે.
2013 સુધીના 5 વર્ષમાં 15 હજાર હેકટર જમીન 373 કંપનીઓને આપવામાં આવી હતી.

2020માં ઉદ્યોગોને 1 લાખ 7 હજાર હેકટર જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું.
ભરૂચ પાસેનો પીસીપીઆઇઆર 45300 હેકટર.
ધોલેરાનું સર 35 હજાર હેકટર.
ચાંગોદરમાં 32250 હેકટર

પોર્ટસિટી
પોર્ટ સિટી પીપાવાવમાં 15 હજાર હેકટર,
હજીરામાં 20 હજાર હેકટર,
મુંદ્રામાં 13500 હેકટર
નવલખીમાં 17500 હેકટર
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 225 હેકટર

16 વર્ષમાં જમીનોના પ્રકારમાં ફેરફાર હેક્ટર
પ્રકાર 2006-07 – 2022-23
જંગલ 18,33,400 – 20,58,300
વેરાન 25,95,000 – 20,77,600
બિનખેતી 11,63,200 – 15,19,800
પડતર ખેતી 19,75,800 – 17,66,200
ગૌચર 8,52,500 – 7,86,800
ચાલુ પડતર 6,22,700 – 6,60,900
અન્ય પડતર 1,92,000 – 1,83,600
ખેતી વાવેતર 97,44,900 – 97,48,500
ગુજરાત 1,88,10,200 – 1,88,10,200

મોદીના 16 વર્ષના શાસનમાં જમીનના ઉપયોગમાં ફેરફાર

જંગલમાં વધારો 2,24,900 હેક્ટર થયો હોવાનો દાવો કરે છે. જે મોટા ભાગે ચેરના જંગલો હોઈ શકે છે.
વેરાન જમીનમાં 5 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે, જે ઉદ્યોગોને આપી છે.
બિનખેતીની જમીનમાં વધારો 3,56,600 જે ઉદ્યોગોને આપી કાંતો શહેરોને આપી છે.
પડતર જમીન 2,09,600 ઓછી થઈ છે. જે ખેતી, ઉદ્યોગ અને ગૌચરમાં આપી છે.
ચાલુ પડતર જમીન 38 હજાર હેક્ટર જમીન વધી છે. જે ખારી થઈ હોઈ શકે છે.
અન્ય પડતર જમીન 10 હજાર હેક્ટર જમીન ઓછી થઈ તે ઉદ્યોગોને આપી છે.
ખેતીની વાવેતર જમીન 4 હજાર હેક્ટર વધી છે તે, પડતર કે વેરાન જમીનમાંથી આપી હોઈ શકે છે.
ગૌચરની 65,700 જમીન ઓછી થઈ છે. જે ઉદ્યોગોને આપી અથવા દબાણ છે.
બે વર્ષમાં 18 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં 103.80 કરોડ ચોરસમીટર જમીન ઉદ્યોગોને ભાડે આપી છે અથવા તો વેચાણથી સોદા કર્યા છે.

16 વર્ષનો હિસાબ કિતાબ
આમ ઉદ્યોગો, માર્ગ અને મકાનો બનાવવા માટે 11 લાખ હેક્ટર જમીન 16 વર્ષમાં જતી રહી હોવાનું જોઈ શકાય છે. કચ્છનું રણ જે રીતે અપાઈ રહ્યું છે તે જોતા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ પાસે જતી રહેશે. આમ દર વર્ષે 1 લાખ હેક્ટર (2.48 લાખ એકર) જમીન ઉદ્યોગોમાં જઈ રહી છે. વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે. આમ 1 હજાર ચોરસ કીલોમીટર જમીન ઉદ્યોગપતિઓ પાસે સરકી ગઈ છે. 10 હેક્ટરે 1 લાખ ચોરસ વાર જમીન થાય છે.