ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીઆઈડીબીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ સીએનજી ટર્મિનલની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. આ સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને લંડનસ્થિત ફોરસાઈટ ગ્રૂપ વચ્ચે 2019ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન એમઓયુ સાઈન કરાયા હતા.
હાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન કરવામાં આવે છે અને વાર્ષિક ત્રણ મિલિઅન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન થાય છે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે, જેમાં પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજિંગ ઉપરાંત બે લોકગેટ્સ, કિનારા પર સીએનજીના પરિવહન માટેનું આંતરમાળખું સહિતની સુવિધા વિકસાવવામાં આવશે.
કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રૉ-રૉ ટર્મિનલ, લિક્વિડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહનક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન થશે, જેમાંથી છ મિલિયન આ પ્રોજેક્ટની હશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, યુ.કે. તેમજ ગુજરાતસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં 1300 કરોડ અને બીજા તબક્કામાં 600 કરોડ મળી સ્વિસ ચેલેન્જ રૂટ મારફતે કુલ 1900 કરોડનું મૂડીરોકાણ કરશે. આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
ટૂંક સમયમાં રાજ્ય સરકારની બૂટ નીતિ 1997 અંતર્ગત સ્વિસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને કંપની વચ્ચે વિગતવાર કન્સેશન એગ્રીમેન્ટ થશે. ફોરસાઇટ ગ્રૂપ અને પદ્મનાભ મફતલાલ ગ્રૂપ દ્વારા આ ટર્મિનલ સ્થાપવા માટે જરૂરી પૂર્વ અમલવારીનાં લક્ષ્યો જેવા કે પ્રિફિઝિબિલિટી પ્રોજેક્ટ રિપોર્ટ, સાઇટ સિલેક્શન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સીએનજી વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરૂપ આ પ્રોજેક્ટમાં 500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે. આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલવે અને નેશનલ હાઈવે જોડાયેલા છે, જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાના માલ પરિવહનને મળશે.