- ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020
અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે.
અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણીયા ચપ્પુ છૂરી ધાર કાઢવાનું કામ કરતાં સરણીયા લોકો અહીં 50 વર્ષથી ગરીબીમાં સબડી રહ્યાં છે. તેઓ ગંદકીમાં કાચા ઝૂંપડામાં જીવે છે. આ બધું અમેરિકાના પ્રમુખ જોઈ જાય તો મોજ શોખ માટે જાણાતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખરાબ દેખાય. તેથી ગણતરીના કલાકોમાં ઝુંપડાઓ આગળ સાત ફુટ ઉંચી તેમજ લાંબી દિવાલો ઉભી કરી દેવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરી 2020ની અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમને ખૂલ્લું મૂકવા આવી રહ્યાં છે. ટ્રમ્પ સમક્ષ અમદાવાદ શહેરને બહુ જ સુંદર, સ્વચ્છ અને રમણીય દર્શાવવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. સત્તાધીશોનો આડંબર અને દંભ દેખાઈ રહ્યાં છે.
એરપોર્ટથી લઇ ઇન્દિરાબ્રીજને જાડતાં સરણિયા વાસ પાસે આવેલી ઝુંપડપટ્ટીના ઝુંપડાઓ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાનમાં ના આવે તે હેતુથી આ રૂટ પર સાત ફુટ ઉંચી અને લાંબી દિવાલ ગણતરીના કલાકોમાં ઉભી કરી દેવાઇ છે, બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓના આ હીન પ્રયાસને લઇ સ્થાનિક ઝુંપડાવાસીઓ અને અન્ય રહીશોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. તેમણે સત્તાવાળાઓના આ પ્રકારના વલણને લઇ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
ઝુંપડાઓથી ભાજપના મેયર બીજલ પટેલને શરમ આવે છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર ઝળહળતી અને આકર્ષક લાઇટીંગ લગાવવાનું આયોજન ચાલી રહ્યું છે.
સમગ્ર રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો, એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઇ રહી છે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યાં છે.
આ સમગ્ર મુલાકાત અને વડાપ્રધાનની મૂલાકાત મળીને રસ્તાના રૂ.50 કરોડ અને બીજા ખર્ચા મળીને રૂ.100 કરોડનું ખર્ચ ટ્રમ્પ પાછળ અમદાવાદમાં થવાનું છે. આટલા રૂપિયામાં તો અમદાવાદની તમામ ઝૂપડપટ્ટીના સ્થાને પાકા મકાનો બની ગયા હોત.
700 ઝૂંપટ પટ્ટી, 2 લાખ ગરીબો
અમદાવાદ શહેરમાં 691 ઝૂંપડપટ્ટીમાં 2 લાખ લોકો રહેવા મજબૂર છે. શહેરમાં વીસ ટકા વિસ્તારમાં સુધી હજુ પાણીનુ નેટવર્ક પહોંચ્યુ નથી, તેમાં આ ઝૂંપડપટ્ટી છે. કાચા મકાનોમાં રહેતાં અને ઝુંપડામાં રહેતા લોકો મળીને 25 ટકા એટલે કે 15 લાખ લોકોને નવા મકાનો અમદાવાદ મહાનગર પાલિકા 6 વર્ષમાં આપશે.
શહેરમાં 1.65 લાખ કાચા મકાનો છે. જેમાં 12 લાખ લોકો વસે છે. સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પ્રોજેકટો મંજુર કરાય છે છતાં શહેરમાં વીસ ટકા વિસ્તારમાં અમપા પાણી આપી શકાતું નથી. શહેરના 65 ટકા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.
શહેરને ઝીરો સ્લમ સીટી તરીકે ડેવલપ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2019-20થી શરૂ કરીને 2025 સુધીમાં અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર જાહેર કરવાનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાનગી, ગુજરાત સરકારની જમીન પર ચાલીઓ, ઝુંપડપટ્ટીઓ તથા સ્લમ કવાર્ટસ જેવા જૂના પુરાણાં મકાનોની જગ્યાએ નવા બહુમાળી મકાનો બનાવવાની નીતિ તૈયાર કરવામાં આવશે. બિલ્ડરોને આ જગ્યાએ એફએસઆઇનો લાભ મળશે.
અમદાવાદ શહેરની આશરે 25થી 30 ટકા વસ્તી ચાલીઓ, સ્લમ કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી આ તમામ રહીશોને નવા મકાનો, આવાસ યોજનાઓ, એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ સહિતની યોજનામાં આવાસ ફાળવણી કરવા નક્કી કરાયું છે. જેમાં માંડ 35 ઝુંપડપટ્ટીના 10 હજાર મકાનો બન્યા છે.