[:gj]4 કલાકમાં પ્રધાન બનેલાં ભાજપના કુંવરજી ચૂંટણી જીતશે કે હારશે ?[:]

[:gj]19 ફેબ્રુઆરી 2018માં રાજકોટની જસદણ નગરપાલિકામાં ભાજપને 23 અને માત્ર 5 બેઠકો કોંગ્રેસે મેળવી છે.  તે સમયે કોંગ્રેસ નેતા કુંવરજી બાવળીયા અહીં હતા. તેઓ હવે ભાજપમાં ગયા છે. તેમના ગઢ એવા આ વિસ્તારમાં ભાજપમાં આંતરિક વિખવાદ વધી રહ્યાં છે. કુંવરજી બાવળીયા સામે ભાજપ અને પ્રજાનો વિરોધ વધી રહ્યો હોવાથી તેમણે અહીં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે ફરીથી કઈ રીતે ચૂંટાવું તે તેમને માટે મોટી આફત બની શકે છે. ભાજપના કાર્યકરોનો વિરોધ જોઈને તેમણે જાહેર કરવું પડ્યું હતું કે તેમની સામે ભાજપના કાર્યકરોની નારાજગી છે તે દૂર કરશે. તેમની જાહેરાત બાદ પણ જસદણ ભાજપની આગ શાંત થઈ નથી. જ્વાળામૂખીની જેમ આગ લપકારા મારી રહી હોય તેમ ભાજપના 50 કાર્યકરોએ 31 ઓગસ્ટ 2018ના રોજ એવી જાહેરાત કરી છે કે તેઓ ભાજપના નેતાઓની વહાલાદવલાની નીતિના કારણ રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. જસદણના સામાજિક કાર્યકર અને અગ્રણી ઉદ્યોગપતિ વિજય રાઠોડે જસદણ નગરપાલિકાના કો-અપ્ટ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભ્રષ્ટ નેતાઓ જે રીતે કામ કરી રહ્યાં હતા તેનાથી તેઓ નારાજ હતા. સગા સબંધીઓ અને કટકી માટે જ કામ થઈ રહ્યાં હોય એવું જસદણના લોકો માની રહ્યાં છે. ભાજપના નેતા ભરત બોઘરાને હરાવીને ધારાસભ્ય બનેલાં કુવરજી બાવળીયા જીત્યા હતા. બાવળીયા પછી કોંગ્રેસ છોડીને પક્ષાંતર કરીને ભાજપમાં આવી એજ દિવસે પ્રધાન બની જતાં ભાજપમાં વિખવાદો વધી ગયા છે.

ભરત બોઘરા અને કુંવરજી સામસામે આવી ગયા હતા, બંન્ને કોંગ્રેસના

ઈ.સ.2009માં ભરત બોઘરા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ડો.ભરતભાઈ બોઘરા અને કુંવરજીભાઈ બાવળીયાએ વર્ષો સુધી કોંગ્રેસમાં સાથે રહી કામ કર્યું હતું. ભરત અને કુંવરજી વચ્ચે કોઈ કારણોસર મતભેદ  સર્જાતા ભરતભાઈએ કોંગ્રેસ છોડી દીધી હતી અને તે સમયના રાજયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી ભાજપમાં જોડાયા અને કુંવરજીએ ખાલી કરેલી બેઠક પર તેઓ પેટા ચૂંટણી જીતી ગયા હતા.

શહેર પ્રમુખનો પક્ષપાત, કુંવરજી પેટા ચૂંટણી હારે તો નવાઈ નહીં

24 ઓગસ્ટ 2018માં ભાજપની બેઠક મળી હતી જેમાં પક્ષપાતની રાજનીતિ થતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના જસદણના પ્રમુખ આવો પક્ષપાત રાખી રહ્યાં હોવાનો આરોપ કાર્યકરો મૂકી રહ્યાં છે. જસદણના વોર્ડ નંબર 6ના ભાજપના સભ્ય રાજુ ધાંધલે જાહેરમાં એવું કહ્યું છે કે ભાજપના જસદાણના પ્રમુખ પક્ષપાતી નિર્ણયો લઈ રહ્યાં છે. જો સંગઠનમાં ધ્યાન નહીં આપવામાં આવે તો ભાજપને નુકશાન થશે એવી ચીમકી પણ તેમણે આપી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, બે મહિના પછી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે. આવું જો શહેર પ્રમુખ ચાલુ રાખશે તો ચોક્કસ ભાજપને નુકસાન થશે. 2017માં વિધાનસભાની ભરત બોઘરાની ચૂંટણી હતી ત્યારે ભાજપને સારા મત મળ્યા હતા. પણ ભાજપ શહેર પ્રમુખ ગંદી રાજરમત રમીને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ધ્યાન નહીં આપે તો આવનારો સમય ભાજપના હાથમાંથી નિકળી જશે. આમ તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે, કુવરજી બાવળીયા હારી શકે છે. આમ તો શહેર પ્રમુખ સામે વધારે વિરોધ છે. જસદણ નગરપાલિકાના પ્રમુખને પણ ક્યારેય પક્ષના જાહેર કાર્યક્રમમાં બોલાવવામાં આવતા ન  હોવાનો આરોપ છે. ભાજપના કાર્યકરોએ જાહેરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભાજપના નેતાઓ હીન કક્ષાનું રાજકારણ રમી રહ્યાં છે. શહેર પ્રમુખને હઠાવવાની માંગણી પણ કરવામાં આવી છે.

40 વર્ષ ભાજપ માટે કામ કર્યું પણ વિધાનસભાની ટિકિટ ન આપી

20 નવેમ્બર 2017ના દિવસે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલાં સોનલ વાસાણીએ એવું કહ્યું હતું કે ભાજપ હવે કોંગ્રેસ યુક્ત બની ગયો છે. મેં ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ માંગી હતી પણ મને આપવાના બદલે કોંગ્રેસમાંથી આયાત કરેલાં ભરત બોઘરાને વિધાનસભા માટે ટિકિટ આપવામાં આવી છે. જસદમના લોકપ્રિય નેતા ભાજપ માટે 40 વર્ષ સુધી કામ કરનારા ગજેન્દ્ર રામાણીને પણ અન્યાય થયો છે. આમ તે સમયે ભાજપનો ભારે વિરોધ થયો હતો. ભાજપના ગજેન્દ્ર રામાણીએ તો એવી જાહેરાત કરી હતી કે તે ભરત બોઘરાને હરાવશે. અને બોઘરા હારી પણ ગયા હતા.

આંગળી કાપવાની ઘટના કાર્યકરો યાદ કરે છે

વિજય રૂપાણીની સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળી કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમણે  એવું કહ્યું હતું કે, “ન કરે નારાયણ ને કદાચ ભાજપને મત આપવાની નોબત આવેને તો, કસમથી આંગળી કાપી નાંખવી છે બાકી ભાજપને મત તો નયજ.” આ વાત ભાજપના કાર્યકરોને ખૂંચે છે.

એ હત્યા લોકો હજુ ભૂલ્યા નથી

26 માર્ચ 2015ના દિવસે જસદણ શહેરના નગર સેવક વિપુલ વેલજી હીરપરાની હત્યા ભાજપના જસદણ મ્યુનિસિપાલીટીના ઉપપ્રમુખ ઘનશ્યામ ખાચર સહિતના લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. હિરપરા પરિવારના કુળદેવીના પટોત્સવ માટે બેઠક ચાલતી હતી ત્યારે જ વિપુર હીરપરાની હત્યા ભાજપના નેતાએ કહી હતી. તેને પગલે લોકોઆ સ્વયંભૂ બંધ રાખીને ભાજપના ખૂની ખેલનો વિરોધ કર્યો હતો. લોકો આ હત્યાને આજે પણ ભૂલ્યા નથી.

ભાજપના ભડકાની આગ હજુ ઠરી નથી

29 સપ્ટેમ્બર 2015 જસદણ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહીત સાત પાલિકા સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા જસદણ ભાજપમાં ભડકો થયો હતો અને હજારથી વધુ સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. જસદણ પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી સમયે ભાજપના સાત સભ્યોએ પક્ષના સતાવાર ઉમેદવાર સામે બળવો કરી કોંગ્રેસ અને અપક્ષ સભ્યોના ટેકાથી સત્તા મેળવી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ ભાજપના સભ્યો ઈન્દુબેન ચંદુભાઈ માઢક,રીટાબેન ભુવા, જે.પી.રાઠોડ, માવજીભાઈ છાયાણી,પંકજભાઈ ચાઉં, મીનાબેન પરમાર, ભરતભાઈ જેબલીયાને નોટિસ આપી હતી,પણ પક્ષને તેમનો જવાબ સંતોષકારક નહીં લાગતા એક માસ બાદ પાલિકા પ્રમુખ ઈન્દ્બેન ચંદુભાઈ માઢક, ઉપપ્રમુખપદ ભરતભાઈ જેબલીયા સહીત બળવો કરનાર સાત સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જસદણ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હતી. અનામત મુદે અસંતોષ થતા પાટીદાર સમાજના સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા હતા.

પ્રમાણિક છતાં પક્ષે કાઢી મૂક્યા

કોઈ પ્રમાણિક રાજકારણીને કાઢી મૂકવા માટે લોકોએ સ્વયંભૂ બંધ પાળેલો હોય એવી 19 એપ્રિલ 2018 ગુજરાતના રાજકોટના જસદણમાં આ ઘટના બની છે. જસદણ નગરપાલિકાના ભાજપના પ્રમાણિક પ્રમુખ દીપક ગીડાએ લોકો માટે ભ્રષ્ટાચાર દૂર કરીને શહેરના કામ શરૂ કરાવ્યા હતા તો ભાજપના નેતાઓને તે પસંદ આવ્યું ન હતું. કારણ કે ભાજપના નેતાઓને ભ્રષ્ટાચાર કરવો હતો અને દીપક ગીડા કરવા દેવા માંગતા ન હતા. તેથી તેમનું રાજીનામું ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ નેતાઓએ માંગી લીધું હતું. જેનાથી જસદણના લોકો ભાજપ પર ભડકી ઉઠ્યા હતા. 1995થી જસદણમાં ભાજપનું મોટા ભાગે શાસન રહ્યું છે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો આવ્યો છે. પણ બે મહિના પહેલાં ચૂંટણી થઈ તેમાં ભાજપને બહુમતી આવી હતી અને દીપક ગીડાને ભાજપે પ્રમુખ બનાવ્યા હતા. પણ તેમણે ભાજપને સ્પષ્ટ કહી દીધું હતું કે તે સાચા કામના બિલ જ મંજૂર કરશે. તે ભ્રષ્ટાચારને નહીં ચલાવી લે. તેમણે ભાજપના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારના કેટલાંક કામ અટકાવી દીધા હતા અને ભ્રષ્ટાચારની તપાસના આદેશ પણ કરી દીધા હતા. ભાજપના ભ્રષ્ટ નેતાઓને જરા પણ પસંદ પડ્યું ન હતું. તેથી તેમની સામે બળવો કરાવ્યો અને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.

ગંદુ જસદણ, ગંદુ રાજકારણ

જસદણમાં સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા ભલે શહેરભરમાં સબ સહી સલામતની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય. પરંતુ જસદણ શહેરભરમાં રોડ-રસ્તા, ગંદકી, પાણી સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે છત્રીબજારમાં જસદણ નગરપાલિકા કચેરી પાસે આવેલી સોસાયટીમાં ઘણા સમયથી રોડ-રસ્તા, ગંદકી, સફાઈ, પાણી સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. આવી વિવિધ સમસ્યાઓ અંગે લત્તાવાસીઓ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધીમાં એક પણ સમસ્યા પાલિકા દ્વારા હલ કરવામાં નહીં આવતા લત્તાવાસીઓએ લોકશાહી મુજબ ભાજપ નો એન્ટ્રીનાં બેનરો લગાવી પાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. શહેરમાં બનેલા 29 રોડ, બે માસ પહેલા જ બનાવ્યા હતા. જે ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા કોંગ્રેસ કાર્યકરોએ મોહનભાઇ કુંડારીયાના કાર્યક્રમમાં આગમને ટાણે જ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા જતા જ પોલીસ તંત્રે તેઓની ધરપકડ કરી હતી.

ભાજપમાં જોડાયા પણ નુકસાન વધું થયું

કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા પછી તેઓએ ભાજપને ફાયદો કરાવવાના બદલે નુકશાન વધું કર્યું છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં તેમના કોંગ્રેસ વખતના કેટલાંક ટેકેદારોએ મળીને કોંગ્રેસની લોકપ્રિય જિલ્લા પંચાયત ઉખેડીને ફેંકી દેઈને લોકશાહી વિરુદ્ધ પગલાં ભર્યા છે. પણ તેઓ એક પ્રધાન તરીકે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. વળી તેમનો ઉપયોગ ભાજપના કોળી નેતાઓ સામે કરવાનો હતો તે થઈ શક્યો નથી. વળી તેઓ ચોમાસામાં પાણી ભરાયા ત્યારે લોકોની વચ્ચે ગયા ત્યારે તેમનો ભારે વિરોધ થયો હતો. આમ ભાજપનું ઓપરેશન કુંવર સફળ થયેલું ઓછું દેખાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં કહે છે કે, જેમની જીંદગી કોંગ્રેસમાં નિકળી તે કોંગ્રેસના ન થયા તો ભાજપના કઈ રીતે થઈ શકે.

કોંગ્રેસમાં જોડાતાં પહેલાં ત્રણ દિવસ પહેલાં કુંવરજીએ જાહેર કર્યું હતું કે હું સંમેલન બોલાવી રહ્યો છું, પણ હું કોંગ્રેસથી નારાજ નથી. પણ તે ખરેખર તો કોંગ્રેસમાં સત્તા માંગી રહ્યાં હતા. શું માંગતા હતા તેઓ તે અહીં છે ……

પ્રદેશ પ્રમુખ બનવું હતું.

કુવરજી બાવળીયાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવું હતું. તેઓએ રાહુલ ગાંધીને મળીને આ અંગે માંગણી પણ મૂકી હતી. તેમ છતાં તેમની માંગણી સ્વિકારવામાં આવી ન હતી કારણ કે વયોવૃદ્ધ નેતાઓને રાહુલ ગાંધી પ્રદેશ પ્રમુખ બનાવવા માંગતા ન હતા. તેઓ યુવાન પ્રદેશ પ્રમુખ બનાવવા માંગતા હતા. તેથી તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાના બદલે 45 વર્ષના યુવાન અમિત ચાવડાને કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે. આમ ત્યારથી તેઓ નારાજ હતા. તેમની એક મહત્વકાંક્ષા હતી કે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને. જો કે, તેઓ અગાઉ બે વખત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ત્યારે પણ તેઓ કંઈ નવું કરી શક્યા ન હતા. ગુજરાતના લોકોનો તે પોતાની તરફ આકર્ષિત કરી શક્યા ન હતા. તેઓ અગાઉ બે વખત ચૂંટણી પણ હારી ચૂક્યા છે. તેમને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી આપવામાં આવી હતી જેમાં સારો દેખાવ કરી શક્યા ન હતા.

સંમેલન બોલાવી બળવો

તેમણે પક્ષની વિરૂદ્ધ જઈને સંમેલન બોલાવ્યું હતું તેથી પક્ષ નારાજ હતો. શિસ્ત ભંગ હતું. તેણે કહ્યું હતું કે કોંગ્રેસ માટે નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી અને કેટલાક અમારા કોંગ્રેસના લોકો આ વાત ઉછાળી રહ્યા છે. પરંતુ આવી કોઇ વાત નથી. આ વાત કરીને તુરંત તેઓ ભાજપમાં જોડાઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બની ચૂક્યા હતા. ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે પાણી પુરવઠા વોર્ડ જાણીતું છે.

રાજ્યસભામાં જવું હતું

કુંબરજી બાવળીયા મહત્વકાંક્ષી રાજકારણી છે. તેઓ કોંગ્રેસની સરકાર ન બનતા ખુશ ન હતા. તે અગાઉ તેઓ અહેમદ પટેલની સાથે જ રાજ્યસભામાં જવા માંગતા હતા. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા કેટલીક વ્યૂહરચના બનાવવામાં આવી હતી. જેમાં જો ભરત સોલંકીને રાજ્યસભામાં મોકલવામાં આવે તો તેમના સ્થાને ગુજરાતમાં કુંવરજી બાવળીયાને આપવું એવું અંદરથી નક્કી કરી દેવાયું છે. પરંતુ તેમાં રાજકીય ઉથલ પાથલ થતાં તેઓ રાજ્યસભામાં જઈ શક્યા ન હતા.

વિરોધ પક્ષના નેતા બનવું હતું

કોંગ્રેસ સત્તા પર આવી નહીં એટલે કુંબરજી બાવળીયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા એટલે કે વિરોધ પક્ષના નેતા બનવા માંગતા હતા. તે માટે તેમણે ભતસિંહ સોલંકી અને રાહુલ ગાંધીને કહ્યું પણ હતું. પણ તેમાં પણ યુવાન નેતાને સ્થાન આપવા માટે રાહુલ ગાંધીએ નક્કી કર્યું હતું. તેથી પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. જેનાથી કુંવરજી બાવળીયા સખત નારાજ થયા હતા. વિધાનસભા પણ વિરોધ પક્ષના નેતા પદ માટે તેમનો દાવો હતો, તે ન બનાવાયા બાદ તેમને એક એવી આશા ઊભી થઈ હતી કે કોંગ્રેસ પક્ષના દંડક બનાવાશે. એવું તેઓ એવું માનવા લાગ્યા હતા. તે પણ બન્યું નહીં. બાવળીયાનો દાવો હતો કે, કોંગ્રેસમાં સિનિયર ધારાસભ્ય તરીકે કાર્યરત છું અને ચાર વખત વિધાનસભા અને એક વખત સંસદની ચૂંટણી લડી ચૂક્યો છું તેવા સમયે કોંગ્રેસમાં વિપક્ષી નેતાપદ માટે દાવો કર્યો છે.

રાહુલને મળ્યા

કુવરજી બાવળીયા પદ અને સત્તા મેળવવા માટે રઘવાયા થયા હતા. પોતાનો અસંતોષ દૂર કરવા માટે કુંવરજી બાવળીયાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

ભાજપે ઓફર આપી

ભાજપે તેમને ઓફર આપી હતી. તેઓ ગાંધાનગરમાં સોમવારે સારી એવી ચર્ચા કરી હતી અને ભાજપમાં જોડા માટે બાર્ગેનીંગ શરૂ કર્યું હતું. આખરે તેમની માંગણી ભાજપે સ્વિકારવી પડી હતી અને તેમને ધારાસભ્યના પદ વગર પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ગુજરાતના સત્તાના રાજકાણમાં આવું પ્રથમ વખત બન્યું હતું. રાહુલને મળીને તુરંત દિલ્હીમાં તેઓ અમિત શાહને મળ્યા હતા. અને પ્રધાન બનાવતાં હોય તો કોંગ્રેસ છોડવાની ફોર્મયુલા આપી હતી. તે અગાઉ ભાજપે તેમને કોંગ્રેસમાં આવવા માટે ઓફર આપી હતી.

લોક સેવા કે સત્તાનું રાજકારણ

કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાતા જ જાહેર કર્યું હતું કે તે લોક સેવા કરવા માટે ભાજપમાં જોડાયા છે. જો એમ જ હોય તો તેઓ પાંચ વખત જસદણમાં ચૂંટાયા હતા તેમ છતાં અહીંના લોકોના પારાવાર પ્રશ્નો છે તે ઉકેલી શક્યા હોત. લોકો માટે પીવાના પાણીના પ્રશ્નો, ઓવર બ્રિજ, ડ્રેનેજ, રોજગારીના પ્રશ્નો છે. તેમણે કામ કર્યું હોત તો જસદણમાં આજે ઘણાં કામો પ્રધાન વગર પણ થઈ શક્યા હોત. પણ તેમ તેઓ કરી શક્યા નથી. સત્તા મેળવવા સેવાની વાત કરી હતી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ત્યાંથી સારું એવું ફંડ તેઓ લાવી શક્યા હોત. ખરેખર તો તેઓ સત્તાના લાલચું રહ્યાં છે. ભાજપે સત્તા બતાવી એટલે તેઓ ભાજપમાં જતાં. 30 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં રહ્યાં તેને વફાદાર રહેવાના બદલે પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

કોળી વાદના પ્રણેતા

8 નવેમ્બર 2017ના રોજ કુંવરજી બાવળીયાએ જ્ઞાતિ વાદી વાત કરી હતી તેમાં ચૂંટણીમાં ન્યાય માટે હવે કોળી સમાજ પણ બહાર આવ્યો છે. કોળી સમાજ ત્રીજા નંબરનો સૌથી વધારે મતદારો ધરાવતો સમાજ છે. અગાઉ પાટીદાર, ઠાકોર, રાજપુત સમાજે પણ જાહેરમાં આંદોલન કર્યા છે. હવે સમાજના ન્યાય માટે કોળી સમજ બહાર આવ્યો છે. અમદાવાદના બાવળા ખાતે એ સ્નેહ મિલન સંમેલન ગઈ રાતે યોજાયું હતું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા (ભાજપ), અખિલ ભારત કોળી પટેલ સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા (કોંગ્રેસ), ગુજરાત કોળી પટેલ સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, માજી ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કરશનભાઈ પટેલ, બાવળા એપીએમસી ચેરમેન હરીભાઈ ડાભી, વાઈસ ચેરમેન રમેશ મકવાણા, ધંધુકાના ધારાસભ્ય લાલજી મેર, ભાજપ પ્રમુખ રમેશ મેર વગેરે હાજર રહીને એકતા બતાવી હતી. વિધાનસભામાં ટિકિટ ફાળવણીમાં કોઈ પક્ષ અન્યાય કરી નહીં શકે એવી એકતા બતાવી છે એવા પ્રવચનો થયા હતા. એવી ચીમકી આપી હતી કે, ટિકિટ ફાળવણીમાં કોઈ પક્ષ અન્યાય કરશે તો તે પક્ષ સામે લડી લેવાશે. જે પક્ષ કોળી ઉમેદવારને ટિકિટ નહીં આપે તો તે પક્ષ સામે બગાવત કરાશે.

પરસોત્તમ સોલંકી અને બાવળીયા સામ સામે આવશે

ભાજપ પાસે છેલ્લાં 22 વર્ષથી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા કોળી નેતાઓ છે. આ નેતાઓ ભાજપની નેતાગીરીને ખૂંચે છે. કારણ કે તે ભાજપના નેતાઓને ગાંઠતા નથી. પોતે જે ઈચ્છે તે કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. બીજી તરફ, ભાજપ લોકસભા 2019ની ચૂંટણી પહેલા કોળી સમાજના માસ લીડરની શોધમાં છે. ત્યારે આગળ શું રાજકીય દાવપેચ ખેલાય છે તે આવનારો સમય બતાવશે. પણ એક વાત નક્કી છે કે, સોલંકી બંધુ કુવરજી બાવળીયાને કોઈ રીતે ચલાવી નહીં લે. તેમને પછાડવા માટે ગમે તે કરી શકે તેમ છે. ભાજપના તમામ નેતાઓ પરસોત્તમ સોલંકીનો વિકલ્પ શોધી રહ્યાં હતા. તે માટે અનેક કોળી નેતાઓ પ્રમોટ કર્યા પણ તેઓ ક્યારેય કોળી સમાજમાં સ્થાન મેળવી શક્યા ન હતા. તેથી હવે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો વિકલ્પ ભાજપને મળી ગયો છે અને તેનો પૂરો ઊપયોગ કરશે. સોલંકી બંધનું રાજકારણ હવે ખતમ કરી દેવા એક કોળી નેતા ભાજપમાં આવી ગયા છે. તેથી પરસોત્તમ સોલંકી અને કુવરજી બાવળીયા સામ સમે આવીને ઊભા છે.[:]