10 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું

લોકડાઉનમાં ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૬ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે.

બુધવાર તા. ૧ લી એપ્રિલથી રાજ્યભરની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થયો છે.
રાજ્યમાં નેશનલ ફૂડ સિકયુરિટી એકટ અન્વયે આઇડેન્ટીફાય થયેલા ૮ લાખ અંત્યોદય તેમજ પ૮ લાખ PHH પ્રાયોરિટી હાઉસ હોલ્ડર્સ વાળા કાર્ડધારકોને આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં પ્રથમ દિવસે એકજ દિવસમાં અંદાજે ૧૦ લાખથી વધુ કાર્ડધારકો-લાભાર્થીઓએ આ અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.
તા. ૧ એપ્રિલ બુધવારે સવારે ૮ વાગ્યે આ અનાજ વિતરણનો ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો પરથી આરંભ થયો ત્યારથી અનાજ લેવા માટે દર મિનિટે ૧૨૦૦ થી ૧૫૦૦ લાભાર્થીઓની સતત વૃદ્ધિ જોવા મળી હતી.
આ અનાજ વિતરણ વ્યવસ્થાને મળેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે અનાજ વિતરણનો સમય લંબાવીને રાત્રે ૧૦ વાગ્યા સુધીનો કરવાનો જનહિત અભિગમ રાજ્યના પુરવઠા વિભાગે અપનાવ્યો છે.
આ વિગતો અનુસાર, સવારે ૮ થી ૯ વાગ્યા સુધી ૫૯૮૨૭ લાભાર્થીઓ, ૯ થી ૧૦ – ૯૦૨૦૬, ૧૦ થી ૧૧ – ૮૩૫૪૦, ૧૧ થી ૧ર – ૭૮૪૬૩, ૧ર થી ૧ – ૮૪૦૬૮, ૧ થી ર – ૭પ૭૯૬, ર થી ૩ – પ૦૧ર૪, ૩ થી ૪ – ૯૦૦૧૧, ૪ થી પ – ૮૧૭૬૩, પ થી ૬ – ૮૬૦૦૬ અને ૬ થી ૭ – ૬૫૭૩૫ કાર્ડધારકોએ અનાજ વિતરણનો લાભ મેળવેલો છે.
રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ વિતરણ વ્યવસ્થા માટે અનાજનો સંપૂર્ણ જથ્થો પહોચાડવાથી માંડીને પ્રવર્તમાન સ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને જ વિતરણ થાય તે માટે જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવશ્રીએ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેકટરો- મ્યુનિસિપલ કમિશનરો સાથે આ વિતરણ વ્યવસ્થા સુચારૂં અને કોઇ જ ભીડભાડ વગર સુનિશ્ચિત કરવા સ્પષ્ટ માર્ગદર્શન-તાકિદ કરી હતી.
તદ્દઅનુસાર, સસ્તા અનાજના દુકાનદારો પાસેના લાભાર્થીઓના મોબાઇલ ડેટાબેઝને આધારે લાભાર્થીઓને જાણ કરી રપ-રપ ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવવાની વ્યવસ્થા ગોઠવવા વિભાગે સૂચનાઓ આપી હતી.
એટલું જ નહિ, આ અનાજ લેવા માટે ભીડ ન થાય કે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે હેતુસર ગ્રામીણ વિસ્તારમાં ૪ વ્યકિતઓ અને શહેરી ક્ષેત્રમાં ૩ વ્યકિતઓની કમિટી પણ સંકલન માટે બનાવવામાં આવી છે.
આ સમગ્ર વિતરણ વ્યવસ્થા જિલ્લા પુરવઠા તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રના સક્રિય સહયોગથી સરળતાએ શરૂ થઇ છે.
રાજ્યમાં આગામી ૩ દિવસ એટલે કે ૪ એપ્રિલ સુધી આ વિનામૂલ્યે અનાજ વિતરણ ચાલુ રહેવાનું છે.
તા. ૪ એપ્રિલથી રાજ્યમાં વસતા અન્ય પ્રાંત-પ્રદેશના શ્રમયોગી-ગરીબ-અંત્યોદય જેઓ રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે આવું ખાદ્યાન્ન આપવાની શરૂઆત થવાની છે.