કોરોનાની મહામારીમાં ગુજરાતના 6.50 કરોડ નાગરિકોને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્યક્ષેત્રે નિષ્ફળ રૂપાણી સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ પગલાં લેવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે માંગણી કરી છે.
અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન આપેલ છે, જેનો રાજ્યના દરેક નાગરિકો સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. તેમ છતાં ગુજરાત રાજ્ય કોરોનાના પોઝીટીવ કેસોમાં દેશમાં બીજા નંબરનું રાજ્ય છે. રાજ્યના નાગરિકોના કરૂણ મોત અટકાવવા ખુબ જરૂરી છે.
ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુ આંકનો દર ૬.૦૫%, મહારાષ્ટ્રમાં ૩.૮૫%, રાજસ્થાનમાં ૨.૬૮%, દિલ્હીમાં ૧.૦૪% અને તામિલનાડુમાં માત્ર ૦.૬% છે. પ્રતિ ૧૦ લાખે દિલ્હીમાં ૪,૬૦૨, તામિલનાડુમાં ૨,૮૦૬, રાજસ્થાનમાં ૨,૧૨૩, મહારાષ્ટ્રમાં ૧,૭૯૮ અને ગુજરાતમાં માત્ર ૧,૬૬૪ ટેસ્ટ થાય છે. ગુજરાતમાં ટેસ્ટીંગનો દર સૌથી ઓછો અને મૃત્યુનો દર સૌથી વધારે છે. ત્યારે સાડા છ કરોડ ગુજરાતીઓના જીવનને રક્ષણ આપવું તે રાજ્ય સરકારની નૈતિક ફરજ છે અને તેમાં તે સદંતર નિષ્ફળ નિવડી છે.
એઈમ્સના ડાયરેકટરે ગુજરાત રાજ્યની કોરોના મહામારી અંગે રૂબરૂમાં મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોમાં ૮૦% દર્દીઓમાં અન્ય લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી જોવા મળતાં નથી તેમ છતાં પણ રાજ્યના ૮૦% દર્દીઓ કોરોનાથી પીડાય છે, જે ખુબ જ ગંભીર બાબત છે. કોરોનાના ટેસ્ટીંગ હાલની હાલતમાં વધુમાં વધુ કરાવવા ખુબ જ જરૂરી છે.
રાજ્યમાં સાડા છ કરોડની વસ્તી સામે ફકત ૧,૩૮,૦૦૦ કરતા ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફકત ટેમ્પરેચર સ્ક્રીનીંગ જ મોટાભાગના લોકોનું કરવામાં આવે છે. રાજ્યમાં ૮૦% દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી કે અન્ય લક્ષણો ન હોવા છતાં પણ કોરોનાના પોઝીટીવ કેસો આવ્યા છે. ત્યારે ભાજપની રાજ્ય સરકાર નાગરિકોના જીવન સાથે રમત રમી છે.
અમદાવાદ સીવીલ કેમ્પસમાં આવેલ કોવીડ હોસ્પીટલમાં કોરોના દર્દીઓની સારવારમાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવે છે. કોરોનાની સારવાર માટે દાખલ થયેલ દર્દી પોઝીટીવ છે કે નેગેટીવ તે અંગેની માહિતી તેમના પરિવારજનોને ૭-૮ દિવસ સુધી આપવામાં આવતી નથી. કોરોના સારવાર માટે દાખલ થયેલ દર્દીનું મૃત્યુ થઈ જાય તો અઠવાડિયા સુધી તે અંગેની જાણ તેઓના પરિવારજનોને પણ કરવામાં આવતી નથી.
રાજકીય આગેવાનો, કાર્યકરો અને મીડીયામાં દર્દી ગુમ થયાના સમાચાર આવે ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે અને મૃતદેહ પરિવારજનોને સોંપવા માટેની કાર્યવાહી કરે છે. કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓનો મૃતદેહ હોસ્પિટલથી ૫-૧૦ કિ.મી. દુર બસસ્ટેન્ડમાંથી મળે છે. કોરોના હોસ્પિટલમાં કોઈ સાર-સંભાળ લેવાવાળું કે સગા-સંબંધીઓને યોગ્ય જવાબ દેવાવાળું જ નથી. આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈને કોરોના હોસ્પીટલની ગંભીર બેદરકારી અંગે માનવ અધિકાર ભંગ બદલ પગલાં લેવા અમારી માંગણી છે.
તા. ૧-૫-૨૦૨૦થી તા. ૧૪-૫-૨૦૨૦ના ૧૪ દિવસના ગાળામાં અમદાવાદ શહેર/જિલ્લામાં કુલ ૨૩,૮૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ૩,૮૮૪ પોઝીટીવ કેસ નોંધાયા તેમજ ૩૧૬ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આ જ ગાળામાં રાજ્યમાં કુલ ૬૦,૧૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ૫,૧૯૭ પોઝીટીવ કેસ નોંધાયા તેમજ ૩૭૩ લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ શહેર/જિલ્લામાં તા. ૧-૫-૨૦૨૦ના રોજ ૨,૫૨૨ના ટેસ્ટની સામે તા. ૧૪-૫-૨૦૨૦ના રોજ ૧,૨૪૦ના ટેસ્ટ કરાયા એટલે કે ૧,૨૮૨ ટેસ્ટ ઓછા થયા અને રાજ્યમાં તા. ૧-૫-૨૦૨૦ના ૪,૭૬૩ ટેસ્ટની સામે તા. ૧૪-૫-૨૦૨૦ના રોજ ૨,૪૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા એટલે કે ૨,૩૫૧ ટેસ્ટ ઓછા થયા. કોરોનાના કેસોની સંખ્યા ઘટાડવા માટે રોજેરોજ સરકાર ટેસ્ટની સંખ્યામાં મોટો ઘટાડો કરી રહી છે.
સરકારે ટેસ્ટ ઓછા કરાવી અમદાવાદ શહેર અને રાજ્યના નાગરિકોને જાણે કે મોતના હવાલે કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. વિશ્વના દેશોમાં દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરી, પોઝીટીવ દર્દીઓને શોધી કાઢી, તેમને અલગ તારવી, તેમની સારવાર કરવામાં આવે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં અને અમદાવાદ શહેર/જિલ્લામાં રોજેરોજ ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
ઉપરાંત સરકાર દ્વારા કોરોના પોઝીટીવ વ્યક્તિઓના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવતા નથી, તેમના પરિવારજનોને ફક્ત હોમ ક્વોરન્ટાઈન જ કરવામાં આવે છે, જેથી કોરોના પોઝીટીવ દર્દીઓની સાચી સંખ્યા સામે આવી શકતી નથી. સરકારી હોસ્પિટલોમાં સામાન્ય લક્ષણ ધરાવતા વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવતા નથી અને તેમને ત્રણ-ચાર દિવસ રાખ્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવે છે.
અગાઉ જેને તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણ ન દેખાતા હોવા છતાં ટેસ્ટ કરવામાં આવે તેવા ૮૦% લોકો પોઝીટીવ આવતા હતા. હવે કેસોની સંખ્યા ઘટાડવા આવા વ્યક્તિઓના તો ટેસ્ટ જ કરવામાં આવતા નથી તેમજ પહેલાં કોરોન્ટાઈન સમયગાળો ૧૪ દિવસનો હતો તે હવે ઘટાડીને ૭ દિવસનો કરી દેવામાં આવ્યો છે.
કોરોના પોઝીટીવ આવેલ નાગરિકને આજુબાજુના નાગરિકો પણ ચેપ લાગવાના ડરથી કોઈ મદદ કે સહાય કરતા નથી. સરકાર પહેલાં દર્દી અને પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થા કરતી હતી તે પણ હવે બંધ કરી દેવામાં આવી છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના પોઝીટીવ પરિવારોને ભોજનના પણ ફાંફા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે.
રાજ્ય અને અમદાવાદ શહેર/જિલ્લામાં લેબોરેટરીઓની ક્ષમતા મુજબ ટેસ્ટ કરવા અને આ ક્ષમતામાં વધારો કરી ટેસ્ટની સંખ્યામાં પણ સતત વધારો કરવાને બદલે સરકાર રોજેરોજ ઓછા ટેસ્ટ કરી રાજ્યના નાગરિકોને મોતના હવાલે કરી રહી છે. સરકારે પોતાની નિષ્ફળતા છુપાવીને પોતાનું આયુષ્ય વધારવાના પ્રયત્નો કરવાના બદલે રાજ્યના નાગરિકોનું આયુષ્ય વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
રાજય અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં આવેલ અને લાખો રૂપિયાની ફી વસુલતી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરવાની વાત તો દૂર પણ અન્ય રોગના દર્દીઓની સારવાર પણ બંધ છે.
તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશો કર્યા બાદ પણ અમદાવાદની તમામ હોસ્પિટલો કોરોના અને અન્ય સારવાર માટે ચાલુ કરાવવામાં આવી નથી, તેના કારણે કોરોના સિવાયના અન્ય રોગના હજારો દર્દીઓને સમયસર સારવાર મળતી નથી, જેથી તમામ હોસ્પીટલો તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ.
કોવીડ હોસ્પિટલો અને કવોરન્ટાઈન, આઈસોલેશન સેન્ટરોની ગુણવત્તા સુધારવા તથા ગંભીર લક્ષણો ધરાવતા કોરોના દર્દીઓની સઘન સારવાર માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવવા, કોરોના પોઝીટીવ દર્દીને અન્ય લક્ષણો ન દેખાય તો પણ ટેસ્ટ કરીને જ ડીસ્ચાર્જ કરવા તેમજ હોસ્પિટલ તંત્રની બેદરકારી બદલ થતાં માનવમૃત્યુ, દર્દીના મૃત્યુની જાણ તેના સગાઓને સમયસર ન કરવા અને દાખલ થયેલ દર્દીઓના મૃતદેહ જાહેર સ્થળોએથી મળવા બદલ માનવ અધિકાર ભંગ બદલ કાર્યવાહી થાય તે માટે યોગ્ય આદેશો થવા માનનીય રાજ્યપાલશ્રીને વિનંતી કરી હતી.