અમદાવાદ, 29 માર્ચ 2020
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ’ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકીય નેતાઓની ખટપટ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
જો એર એમ્બ્યુલંસ પ્રોજેક્ટ મંજૂરી મળી હોત તો તે 29 માર્ચ 2020માં ચાલું હોત અને તે કોરોનામાં અસંખ્ય દર્દીઓને તુરંત સારવાર આપવામાં મદદરૂપ થયો હોત. પણ ભાજપની ખટપટ અને ખાયકીના કારણે તે શરૂં થઈ શક્યો નથી.
ગુજરાતને મેડીકલ હબ બનાવવાનો દાવો
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતને દેશનું અને અમદાવાદને ગુજરાતનું મેડિકલ હબ બનાવવાના દાવા કરી રહી છે. સરકારી સુત્રોની માનીએ તો રાજ્યને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે અગ્રેસર કરવા રાજ્ય સરકારે ડઝનબંધ નવી સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો શરૂ કરી છે. સરકારી હોસ્પિટલોના માળખાને વધુ મજબૂત બનાવવાની કવાયત પણ હાથ ધરી છે. નર્સિંગ અને અન્ય પેરા મેડિકલ સેવા વધુ પ્રશિક્ષિત અને સુલભ બને એ માટે વધુને વધુ ખાનગી સંસ્થાઓમાં પણ અભ્યાસક્રમોને મજૂરી આપી દીધી છે.
મેડીકલ ટુરીઝમનો હાર્દ પ્રોજેકટ અભેરાઈ પર
આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી કહે છે કે, મેડીકલ ટુરિઝમના પાયામાં ઇમરજન્સીમાં દર્દીઓનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ મહત્વનું છે. મેડિકલ ટુરીઝમનું હાર્દ કહી શકાય તેવો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ રાજકીય ખટપટને અને ઇચ્છાશક્તિના અભાવે ટલ્લે ચડાવી દીધો છે.
તેઓ ઉમેરે છે અમદાવાદમાં હાલ ત્રણ હોસ્પિટલમાં હેલિપેડ આવેલા છે. જેમાં સિવિલ હોસ્પિટલ, એસ વી પી હોસ્પિટલ અને ખાનગીક્ષેત્રની એપોલો હોસ્પિટલમા હેલિપેડ છે. જ્યારે આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાત સરકાર ટુક સમયમાં ‘એર એમ્બ્યુલન્સ સેવા’ શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનની જાહેરાત બાદ સમગ્ર આરોગ્ય ખાતાની મશીનરી એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ માટે કામે લાગી ગઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી.
ઈમરજન્સીમાં જયારે એક એક મિનીટ કિંમતી હોય ત્યારે આ પ્રોજેકટ જરુરી
અમદાવાદના સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકર એર એમ્બ્યુલન્સની આવશ્યકતા અંગે કહે છે કે, હાલનાં તબક્કે એર એમ્બ્યુલન્સ ખૂબ જરૂરી છે. અસારવા સિવિલ હોસ્પિટલ ઉપરાંત એસવીપી હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલમાં હેલિપેડ ની વ્યવસ્થા છે. જ્યાં એર એમ્બ્યુલન્સ ઉતારી શકાય છે. ખાસ કરીને જામનગર, ભાવનગર કચ્છ-ભુજ કે રાજ્યના અન્ય છેવાડાં વિસ્તારોમાંથી જ્યારે ઇમરજન્સીના કેસમાં એક-એક મિનીટ કિંમતી હોય ત્યારે દર્દીને લાવવા કલાકોનું અંતર મિનિટોમાં પૂરું કરવા એર એમ્બ્યુલન્સ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હવે જ્યારે ગુજરાતમાં હાર્ટ, કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વધ્યા છે ત્યારે એર એમ્બ્યુલન્સ મહત્વપૂર્ણ છે. અલબત એર એમ્બ્યુલન્સનો પ્રોજેકટ આગળ નહીં વધવાના કારણ અંગે તેઓ અજાણ હોવાનું કહે છે.
એર એમ્બ્યુલન્સ પ્રોજેકટની પ્રપોઝલ ત્રણ વાર મોકલાઈ પણ મંજુર નહી
અલબત્ત આ અંગે આરોગ્ય વિભાગના મેડિકલ સર્વિસીસના ડેપ્યુટી ડાયરેકટર ડો એમ ડી સુખનંદાનીને પૂછતાં તેઓ કહે છે કે, છેલ્લા બે ત્રણ વર્ષમાં એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ ની ત્રણ વાર પ્રપોઝલ તૈયાર કરીને સરકારમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. પરંતુ તેને હજૂ સુધી સરકારે અગમ્ય કારણોસર આ પ્રપોઝલો મંજૂર કરી નથી.
બે નેતાનો અહમ આ પ્રોજેકટના બાળમરણ માટે જવાબદાર
જોકે આરોગ્ય વિભાગના અન્ય એક અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવે છે કે એર એમ્બ્યુલન્સ પ્રોજેકટની જાહેરાત અને તેના બાળમરણ પાછળ રાજ્યના બે મોટા રાજકીય નેતાઓ વચ્ચેની ખટપટ જવાબદાર છે. એર એમ્બ્યુલન્સ જેવાં મહત્વનાં પ્રોજેકટની જાહેરાત
એમ્બ્યુલન્સ નો પ્રજાલક્ષી પ્રોજેકટ લટકી પડ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી જણાવે છે.