અમિત શાહે ખેતી બેંકનું કહ્યું પણ આ કૌભાંડોનું ન કહ્યું

દિલીપ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. (ખેતી બેંક) અમદાવાદમાં યોજાયેલી 70મી એજીએમને સંબોધિત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ મૂક્યો છે. મોદીજીએ સહકારી ક્ષેત્રને દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિમાં યોગદાન આપવાની જવાબદારી સોંપી છે. આજે ગુજરાતના સહકારી મહાકુંભમાં ખેડૂત ભાઈઓ અને બેંક સાથે સંકળાયેલા અન્ય લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. જેને ખેતી બેંક કહેવામાં આવે છે, તેની સ્થાપના 1951માં થઈ હતી અને તે વર્ષમાં તેની સ્થાપનાનું પણ ઐતિહાસિક મહત્વ છે. આઝાદી વખતે રાજકુમારોને કિંમત ચૂકવવાના પૈસા નહોતા. તેને લોન આપવા આ બેંકની સ્થાપના પોરબંદરના ક્રાઉન પ્રિન્સ ઉદયભાણસિંહના પ્રયાસોથી સૌરાષ્ટ્ર લેન્ડ મોર્ગેજ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.

કૃષિની સાથે સાથે ખેતી બેંકે ગ્રામીણ વિકાસ, કુટીર ઉદ્યોગ, ડેરી અને સ્વરોજગાર માટે લોન આપવાનું શરૂ કર્યું. આજે ખેતી બેંક મધ્યમ અને લાંબા ગાળાની લોન આપતી કૃષિ ફાઇનાન્સની સૌથી મોટી બેંક તરીકે ઉભરી આવી છે. ખેતી બેંકની 17 જિલ્લા કચેરીઓ અને 176 શાખાઓ મધ્યમ અને લાંબા ગાળાની લોન આપે છે. ખેતી બેંકે અત્યાર સુધીમાં લગભગ 8,42,000 ખેડૂતોને લગભગ રૂ.4543 કરોડની લોન આપી છે. નફા બાદ રિઝર્વ ફંડ 590 કરોડ અને ફિક્સ ડિપોઝિટ રૂ. 238 કરોડ છે. એક વર્ષમાં ખેતી બેંકે લગભગ રૂ. 190 કરોડની લોન વસૂલ કરીને ફાઇનાન્સ બેલેન્સિંગનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. તેમ શાહે જણાવ્યું હતું.

અમિત શાહે જે નથી કહ્યું તે જાણવા જેવું છે.

12 જુલાઈ 2019માં રાજ્યના ખેડુતોના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી 1951થી કામ કરતી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેંક)ને સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સેટલમેન્ટ (તડજોડ) યોજનાની મંજૂરી આપવામાં આવેલી હતી. રૂ.500 કરોડ રકમ બાકી છે. નાદાર એવા 50 હજાર ખેડૂતોને – ડિફોલ્ટર્સને રૂ.150 કરોડ માફ કરી દેવાયા હતા. ફેબ્રુઆરી 2022થી યોજના અમલી બનાવી હતી.

બેંકના સભાસદો 6.74 લાખ છે અને બેંકે રૂ.4391 કરોડનું ધિરાણ આપ્યું છે.

સમાધાનની રકમના 25 ટકા પહેલા ભર્યા પછી છ-છ માસના હપ્તા હતા. 2023 સુધીમાં ભરવાના થાય છે.

પેનલ્ટી વગર બાકી નાણાં પરત ચૂકવવા માટેની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હતી.

ખેતી બેન્કે 15થી 18 ટકા વ્યાજથી ધિરાણ કરી હતી.

કસ્ટોડિયન નિમાયા હતા. પછી ઓગસ્ટ 2021માં 18માંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થતાં ભાજપ પહેલી વખત સત્તા પર આલ્યો હતો. ખેતી બૅન્કના અધ્યક્ષ ડોલર કોટેચા, સહકાર સેલના વડા બિપીન પટેલ છે.

જામનગરની ખેતીબેન્કના બે કર્મચારીએ 100થી વધુ ખેડૂતોના ધિરાણની રૂ.2 કરોડની રકમ 6 વર્ષમાં 2014 થી 2020 સુધી ઘરભેગી કરી હતી.

137 જગ્યાઓ માટે 2022માં ભરતી કરાઈ હતી.

ભરતી કૌભાંડ
સરકારની ખેતી બેંકમાં 400 કર્મચીરઓનું ભરતી કૌભાંડ થયું હતું. ગુજરાત કોઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક)માં 400થી વધુ ક્લાર્કની ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરાઈ હતી. બેંકના 17 ડિરેક્ટરોએ 400 જગ્યાઓ માટે પોતાના પસંદગીના 20-20 વ્યક્તિઓની નિમણૂક કરવાનો આગ્રહ રાખ્યો હતા. ઇન્ટરવ્યૂ પેનલની યાદીમાં ફેરફાર કરીને તેના પર સહી કરવાની ચાર્ટડ એકાઉન્ટન્ટે ના પાડી દેતા આ સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો. કર્મચારીઓની નિમણુંક કરવા માટે રાજકોટ, ભરૂચ, મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ હેડ ઓફિસમાં ઇન્ટરવ્યૂ યોજાયા હતા. સહકાર વિભાગના રજિસ્ટ્રારને આ ઘટનાની જાણ કરી રજૂઆતો પણ કરાઈ હતી, જેમણે સામે કોઇ પગલાં લીધા નથી.

પૂર્વ પ્રમુખ ધીરેન ચૌધરીએ જ્ઞાતિવાદ આચરીને મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરવામાં આવી હતી. બૅન્કને નુકસાન થાય તે રીતે મનસ્વી ભરતીઓ કરી હતી.

પસંદગી પામેલા કર્મચારીઓ પાસેથી નાણાં લઈને ભરતી કરવામાં આવી હતી. ધીરેન ચૌધરી ભાજપના છે. કોંગ્રેસના બોર્ડના સભ્યોને ભાગ અપાયો હતો.
ભાજપના પૂર્વ ચેરમેન ધિરેન ચૌધરી દ્વારા ભરતી કરવામાં આવી અને ત્રણ વર્ષમાં રૂા. 15 કરોડનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. ભરતી કરેલા ઉમેદરવારો કોમ્પ્યુટર પર કામ કરી શકે તેવી આવડત ધરાવતા નથી.

ચૂંટણીની ગોલમાલ
પૂર્વ ચેરમેને રૂા. 10ના સાથાને રૂા. 100ના શેરધારકો જ ચૂંટણી લડી શકે તેવો વિવાદાસ્પદ ઠરાવ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ સાથ આપ્યો હતો. ત્યારબાદ ચૂંટણી લડવા માટે રૂા. 5000ના શેરધારકો જ દાવો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરાયો હતો.

મહેસાણા દૂધ સંઘની ચૂંટણીમાં પણ ધીરેન ચૌધરીએ ભાજપના સભ્યોની વિરૂદ્ધમાં જઈને વિપુલ ચૌધરીને મદદ કરી હતી.

લોકર ગોટાળો
ભાજપના ધિરેન ચૌધરીએ મહેસાણા ખાતે રૂા. 15 લાખના ખર્ચે લોકર શરૂ કર્યા પણ તેનો ઉપયોગ થતો ન હતો.

ટ્રેક્ટર ગોટાળો
કચ્છમાં ટ્રેક્ટરના ધિરાણને નામે કરવામાં આવેલા રૂા. 40 કરોડના ગરબડિયા ધિરાણના કેસમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

બાંધી મૂદતની થાપણ
2020માં 267 કરોડ બાંધી મૂદતની થાપણ હતી. જે ભાજપ આવતાં ઘટીને 2021માં 245 કરોડ અને 2022માં વધું ઘટીને 238 કરોડ થઈ ગઈ હતી.

તેની સામે સતત લોન વધારમાં આવી રહી છે. 4274 કરોડની લોન વધીને 2022માં 4545 કરોડ થઈ ગઈ છે.

2021માં ભાજપ સત્તા પર આવ્યું ત્યારે બાકી લોન 536 કરોડ હતી જે 2022માં વધીને 553 કરોડ થઈ ગઈ છે. તો સેટલમેન્ટ યોજનાના 500 કરોડ માફ કરાયા તેનું શું થયું. બાકી લોન કેમ સતત વધી રહી છે. લોનની રીકરવરી 34.64 ટકા હતી તે ઘટીને 30.59 ટકા થઈ ગઈ છે. 2022માં 600 કરોડ વસુલવાના હતા જે માત્ર 184 કરોડ જ આવ્યા હતા. આમ ભાજપની સત્તા પછી બેંક નબળી પડી છે.