આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો AAP સામે વિરોધ કેમ

દિલીપ પટેલ 

ગાંધીનગર, 8 જૂલાઈ 2021

200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.

આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષના નેતા ન હતા ત્યારે ગુજરાતના ઢોંગી કથાકારોનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેઓ આમ આદમી પક્ષમાં આવી પ્રમુખ બન્યા છે. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના માર્ગે ચાલીને કેટલાંક લુંટારા કથાકારોનો વિરોધ કર્યો હતો. કથામાં સમાજનું સત્ય કહેનારાઓનો ક્યારેય વિરોધ ન હોઈ શકે. પણ તેને રાજકીય મુદ્દો બનાવીને ગાંધીનગરની કચેરી દ્વારા હુમલાઓ કરીને ગુજરાતને બદનામ કર્યું છે.

આ એજ ભાજપની સરકારો છે જેમણે ગુજરાતમાં આર્યસમાજને કરોડો રૂપિયા સહાય કરી છે. સંસ્થાઓ બનાવવા માટે કચ્છ અને મોરબીમાં કરોડો રૂપિયાની જમીનો આપી છે. ભાજપના તમામ નેતાઓ ગુજરાતમાં આર્યસમાજની શાખાઓમાં જાય છે. આર્ય સમાજ કથાકારો અને ધર્મના ઢોંગીઓનો વિરોધ કરે છે. કર્મકાંડ કરનારાઓનો વિરોધ કરે છે. ભાજપના નેતાઓ તેમની સંસ્થાઓને આવા હિન્દુ ધર્મના ઢોંગીઓને ખૂલ્લા પાડવાની પ્રવૃત્તિ કરે છે, તેને રાજકીય અને આર્થિક સહાય કરી રહ્યાં છે.

આમ ભાજપના નેતાઓ ધર્મના નામે રાજકીય રોટલા સેકી રહ્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને સ્થાનિક નેતાઓએ આમ આદમી પક્ષ પર તેની ચોક્કસ જ્ઞાતીઓના આયોજનપુર્વકના હુમલાઓ સામે વિરોધ કર્યો નથી કે આવી ઘટનાને વખોડી નથી. તેનો સીધો મતલબ છે કે સરકાર અને ભાજપ હુમલાખોરોને ટેકો આપી રહ્યો છે.

ગુજરાતના જાણીતા લેખકે હિંદુ ધર્મના ઠેકેદાર અંગે આર્ય સમાજ શું માને છે તે અંગે લખેલો લેખ અહીં સાભાર યથાવત પ્રસિદ્ધ કરીએ છીએ.

આર્ય સમાજ વિશેની ભ્રાંતિ અને સત્‍ય

રાજકોટઃ. આર્ય સમાજ એક ક્રાંતિકારી જનઆંદોલન છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે સમાજ અને આમ જનતામાં જુદી જુદી જાતના પાખંડ, મતમતાંતર, નાત-જાતના ભેદભાવ વગેરે ભ્રાંતિ ફેલાયેલી છે, તેને દૂર કરવાનો છે. આજે અનેક પ્રકારના અંધવિશ્વાસ, ગુરૂઓ, બાબાઓ વગેરે આધ્‍યત્‍મના એજન્‍ટ બની ગયા છે. તેઓને સમાજમાંથી ઉખેડીને ફેંકી દેવા માટે સમજુ અને ધર્મપ્રેમી સજ્જનો દ્વારા ચલાવાતું વિશ્વવ્‍યાપી આંદોલન એટલે ‘આર્યસમાજ’.

આ આંદોલનના મૂળ પ્રવર્તક છે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ. પરંતુ આજે આર્યસમાજના નામે જે અજ્ઞાનતા અને ભ્રાંતિઓ છે. આ ભ્રાંતિ અને તેનુ સત્‍ય આ મુજબ છે.

(૧) પહેલી ભ્રાંતિઃ- આર્યસમાજ ઈશ્વરને નથી માનતો.

સત્‍યઃ ખરેખર તો આર્યસમાજ જ ઈશ્વરવાદી છે. આર્ય સમાજ એક અને એક માત્ર ઈશ્વરની જ ઉપાસના કરે છે. (અન્‍ય સંપ્રદાયો, કોઈ ગુરૂ, પથ્‍થર, વૃક્ષ, પ્રતિમા કે પછી કોઈપણ પ્રકારની પૂજા કરતા હોય છે, ઈશ્વરની નહીં.

(૨) બીજી ભ્રાંતિઃ આર્યસમાજ એક અલગ પંથ અથવા સંપ્રદાય છે.

સત્‍યઃ આર્યસમાજ હિન્‍દુ ધર્મનું શુદ્ધ સ્‍વરૂપ છે. અંધ વિશ્વાસની વિરૂદ્ધ ચાલતું અભિયાન છે. કોઈ અલગ પંથ કે સંપ્રદાય નથી.

(૩) ત્રીજી ભ્રાંતિઃ- આર્યસમાજનો ધાર્મિક ગ્રંથ સત્‍યાર્થ પ્રકાશ છે.

સત્‍યઃ આર્યસમાજનો ધાર્મિક ગ્રંથ ફકત વેદ જ છે. વેદ સર્વોચ્‍ચ છે. સત્‍યાર્થ પ્રકાશ એ તો મહર્ષિ દયાનંદ રચિત પુસ્‍તક છે જે વેદની તરફ જવા માટે સહાયકર્તા છે. તેનાથી આપણને જીવન તેના વાસ્‍તવિક અર્થમાં જીવવાનું માર્ગદર્શન મળે છે. તે ધાર્મિક ગ્રંથની શ્રેણીમાં નથી આવતું (એટલે જ તો એ ઘણા બધા વિશ્વ વિદ્યાલયોમાં પાઠય પુસ્‍તક તરીકે પણ ભણાવવામાં આવે છે.)

(૪) ચોથી ભ્રાંતિઃ- આર્યસમાજ રામ અને કૃષ્‍ણને નથી માનતા.

સત્‍યઃ આ પણ ખોટી માન્‍યતા છે. આર્યસમાજ રઘુવંશી રામ અને યોગેશ્વર કૃષ્‍ણને મહાપુરૂષની શ્રેણીમાં મુકે છે અને આદર્શ માને છે. પોતાના પૂર્વજ માને છે. એમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવાનો આગ્રહ રાખે છે પરંતુ તેઓની મૂર્તિ બનાવીને પૂજવામાં તેઓનુ અપમાન થતું હોવાનું માને છે. વળી આ મહાપુરૂષો પણ પરમપિતા પરમાત્‍માની જ ઉપાસના કરતા હતા.

(૫) પાંચમી ભ્રાંતિઃ- આર્યસમાજ ઋષિ દયાનંદ સિવાયના અન્‍ય કોઈ મહર્ષિને મહત્‍વ આપતો નથી.

સત્‍યઃ સ્‍વયં દયાનંદે જ કહ્યુ છે કે, ‘જો હું ઋષિ કણાદ અથવા ઋષિ જૈમિનીના જમાનામાં હોત તો તેઓની સામે તો હું એક બિન્‍દુ સમાન પણ ન ગણાઉ. આનો અર્થ એ છે તેમના હૃદયમાં તમામ વૈદિક ઋષિઓ માટે અસીમ આદર સન્‍માન હતા. આર્યસમાજ પણ સમસ્‍ત વૈદિક ઋષિઓ પ્રતિ આદર સન્‍માન રાખે છે. તેમા આદિ ગુરૂ શંકરાચાર્ય પણ છે. જેઓએ વૈદિક ધર્મની પુનઃ સ્‍થાપના કરી અને સમાજને અવૈદિક (અર્થાત પાખંડથી) માર્ગ પર જતા બચાવ્‍યો હતો.

(૬) છઠ્ઠી ભ્રાંતિઃ- આર્યસમાજ અન્‍ય વિચારધારાનું સન્‍માન કરતો નથી.

સત્‍યઃ આ પણ ભ્રાંતિ જ છે. આર્યસમાજ અન્‍ય વિચારધારાઓનું સન્‍માન કરે જ છે અને તેની ઉપયોગીતા પણ જાણે છે અને સમજે છે. આર્ય સમાજ જાણે છે કે મનુષ્‍યમાત્રનો એક જ ધર્મ છે. જે વૈદિક રૂપમાં છે અને જે લોકો તે સમજતા નથી તેઓએ તેના જુદા જુદા રૂપ નામ આપ્‍યા છે, તેનુ કારણ એ છે કે, લોકોમાં એક સરખી બુદ્ધિ ન હોવાને કારણે વિચારધારાઓ ભિન્ન હોય છે. એવું આર્યસમાજ માને છે. આર્યસમાજ તો બુદ્ધને પણ ‘મહાત્‍મા બુદ્ધ’ કહે છે. જૈન ધર્મના પ્રવર્તકને પણ ‘ભગવાન મહાવીર’ કહે છે પરંતુ શું અસત્‍ય ને અસત્‍ય ન કહેવું ?? શું સમાજને એ પણ ન કહેવાય કે સાચો માર્ગ શું છે? (વૈદિક માર્ગ જ ઉચિત છે એવું ન કહેવાય?) સત્‍ય કડવું હોવાથી લોકોને ખટકે છે. સત્‍ય કહેવાના સાહસમાં આર્યસમાજ હંમેશા આગળ છે.

(૭) સાતમી ભ્રાંતિઃ- આર્યસમાજ ઋષિ દયાનંદને ગુરૂ માને છે.

સત્‍યઃ ગુરૂ માત્ર વેદ છે. આર્યસમાજ દિશા નિર્દેશન વેદોમાંથી પ્રાપ્ત કરે છે. જે જે વાત વસ્‍તુ વૈદિક છે તેને સ્‍વીકારે છે અને અવૈદિકનો ત્‍યાગ કરે છે. ઋષિ દયાનંદજી પ્રત્‍યે હૃદયમાં સમ્‍માન છે પરંતુ ક્‍યાંય પણ ક્‍યારેય પણ તેમની પૂજા નથી થતી, આર્યસમાજ તેમણે બતાવેલા સત્‍ય માર્ગનું અનુસરણ કરે છે.

સંકલનઃ નટવરસિંહ ચૌહાણ 19 જાન્યુઆરી 2016, મો. ૯૮૨૪૮ ૪૦૯૧૭

રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનનો આર્ય સમાજને ટેકો

22 ફેબ્રુઆરી 2020માં વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા યોજાયેલા બૌધ્ધત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા અને આર્યસમાજ દ્વારા સંચાલિત સ્કૂલનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

આચાર્ય દેવવ્રતેએ જણાવ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કુરિવાજોને તિલાંજલિ આપી નારી ઉત્થાન તથા સમાજને સશક્ત બનાવી વેદોનો પ્રચાર કરીને દેશમાં નવી જાગૃતિ લાવી હતી.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પાવન અવસરે સ્વામી દયાનંદ સરસ્વતીને બૌદ્ધ પ્રાપ્ત થયો હતો તેમણે બૌદ્ધથી સત્યને ઉજાગર કરી કુરિવાજ અને દુર્ગુણને દૂર કરી સમાજ અને દેશ શક્તિશાળી બને તે માટે આર્યસમાજની રચના કરી હતી.  ગુજરાતનું સદભાગ્ય છે કે આવા વિભૂતિનું જન્મસ્થળ ટંકારા છે. આથી તેમના જન્મસ્થળ ટંકારાને પવિત્ર તીર્થધામ જાહેર કરવામાં આવ્યું છે. જમીન આપવાની જાહેરાત કરી હતી.

આમ ભાજપ અને સરકાર કર્મકાંડનો વિરોધ કરતી હિંદુ સંસ્થાઓને ટેકો આપે છે. જ્યારે હાલના ભાજપના નેતાઓ રાજકારણ કરવા માટે પાખંડીઓને ટેકો આપે છે.

કોંગ્રેસ હૂમલાને વખોડી કાઢ્યો છે, ભાજપે નહીં

આમ આદમી પાર્ટી( AAP ) ના નેતાઓની જનસંવેદના યાત્રા વિસાવદરના લેરિયા ગામેથી પસાર થઈ ત્યારે કેટલાક લોકોએ આવીને આપના નેતાની કારના કાફલા પર 1 જૂલાઈ 2021ના રોજ હિંસક હૂમલો ( Attack ) કર્યો હતો. તેમાં 7 કારના કાચ તોડ્યા અને સાથે આપના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. આપનો આક્ષેપ છે કે આ ભાજપના ગુંડાઓ હતા, તેમણે કેસરી ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ભાજપના કહેવા પ્રમાણે બહ્મસમાજ દ્વારા વિરોધ થયો હતો. કોંગ્રેસ અને ભાજપે આ હિંસક હૂમલાને વખોડી કાઢ્યો છે. જોકે, ગાંધીના ગુજરાતમાં આવો હિંસક હૂમલો કેટલો વાજબી છે? અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આવી હિંસા ઓછી થાય છે. મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલીયા જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો.

સુરતમાં આમ આદમી પક્ષના પ્રમુખ ગોપાલ ઈટાલીયાના ઘર પર ગુંડાઓએ હુમલો કર્યો હતો. સોમનાથમાં પણ હુમલો થયો હતો. પ્રમુખે વારંવાર માફી માંગી હોવા છતાં તેમના પર 55 સ્થળોએ હુમલો કરવાનું આયોજન સોશીયલ મિડિયા પર પુરાવા તરીકે હાજર છે છતાં રૂપાણી કે પાટીલ તેમની સામે પગલાં લેતું નથી. હુમલાખોરોનો બચાવ ભાજપ અને ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. ભાજપે એવું જાહેર કર્યું છે કે હુમલો બ્રાહ્મણોએ કરાવ્યો છે. આમ ભાજપ બધો દોષ બ્રાહ્મણ સમાજ પર ઢોળી દેવામાં આવ્યો છે.