ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ તેમના વિસ્તારમાં 114 કરોડના પુલને મંજૂરી મળી ગઈ 

ગાંધીનગર, 25 જુલાઈ 2020
ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ?

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે.

જેમાં પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે.

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.
૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.
એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે.