ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ – જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં કામ કર્યાં જે અત્યાર સુધી કોઈએ નહોતા કર્યાં.
આ બે વણિક મહાજનો એટલે વીરજી વોરા (1585-1670) જે જૈન હતા અને ભીમજી પારેખ (1610-1686) પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા.
વીરજી એ પહેલી વાર ભારત અને ગુજરાતમાં શ્રીમંત વર્ગમાં પીણાં તરીકે ચા અને કૉફી પ્રચલિત કર્યાં હોવાનું કહેવાય છે.
જ્યારે ભીમજી એ હિંદમાં છાપખાનું (પ્રિન્ટિંગ પ્રેસ) નાખવાના મરણિયા પ્રયાસ કર્યા. બંને સુરતના નગરશેઠ બન્યા અને બંનેમાં આગવી વેપારી સૂઝ તેમજ આવી રહેલી તકને ઝડપી લેવાની મોટી આવડત હતી.
ઇમેજ કૅપ્શન,મહાત્મા ગાંધીને જન્મવાની હજુ ખાસ્સી બસો વરસની વાર હતી. ઔરંગઝેબ તે સમયે સુરતનો સૂબો હતો. તેની કટ્ટરપંથી અને વટાળવૃત્તિ સામે 1669માં અહિંસક સત્યાગ્રહ થયો.
આમ તો બંને વચ્ચે ઉંમરમાં ખાસ્સો 25 વરસનો ફરક હતો, પરંતુ સુરતે ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા અને વટાળપ્રવૃત્તિ સામે જે અહિંસક અને જડબેસલાક આંદોલન કર્યું, તેમાં આ બંને ખભેખભા મિલાવી સાથે રહ્યા અને નેતૃત્વ પૂરું પાડ્યું.
તાપીને કિનારે વસેલા સુરતનાં પાણી અને આબોહવામાં પણ કઈક જુદું જ જમીર અને ખમીર છે. આમ માનવું પડે એવા કેટલાક પ્રસંગો આ રહ્યા.
સુરત આ સમયગાળા દરમ્યાન ખોજા, આરબો, વોરા, મેમણ, પારસી, યુરોપિયન, જૈન, હિન્દુ તેમજ મુસલમાન વેપારીઓ માટે કાદવ ફેંદો તો પણ પૈસા મળે એવી અદભુત તકો ધરાવતું વેપારી બંદર બન્યું અને ‘A Window Towards the West’નો દરજ્જો પામ્યું.
ઔરંગઝેબ તે સમયે સુરતનો સૂબો હતો. તેની કટ્ટરપંથી અને વટાળવૃત્તિ સામે 1669માં અહિંસક સત્યાગ્રહ થયો. જે ત્રણ-ત્રણ મહિના ચાલ્યો. સરકાર સામે પ્રજાકીય સહકારની જીત થઈ અને ઔરંગઝેબે નમતું જોખવું પડ્યું.
પોતાની સાહસિકવૃત્તિ અને પશ્ચિમી દેશોમાં કુદકે ને ભૂસકે પ્રગતિ કરી રહેલ પ્રિન્ટિંગ ટેકનૉલૉજીથી આકર્ષાઈને ભીમજી પારેખે પશ્ચિમ દેશોમાંથી લંડન ઉપર પસંદગી ઉતારી.
અંગ્રેજો સાથે સંતલસ કરી લંડનના પ્રિન્ટિંગ ટેકનૉલૉજિસ્ટ હેનરી હિલ્સને 1672માં સુરત આવવા આમંત્રણ આપ્યું.
કેટલાક અંગ્રેજોએ કહ્યું કે ભારતીયો ટેકનૉલૉજી મેળવી લેશે, તો યોગ્ય નહીં થાય એવી ભીતિ વ્યક્ત કરી. ડચ લોકો પણ ભારતીયોને મશીનરી નથી આપતા એવી ચઢામણી કરી.
આથી, પ્રોફેશનલ સ્કિલ્સના પૂરેપૂરા પૈસા મળતા હોવા છતાં લંડનના પ્રિન્ટિંગ ટેકનૉલૉજિસ્ટ હેન્રી હિલ્સ પ્રિન્ટિંગ પ્રેસ ઊભું કરવાનું કામ અધૂરું મૂકીને વતનની વાટ પકડી.
આથી ભારતમાં પ્રિન્ટિંગ-પ્રેસ નાખવાની ભીમજી પારેખની યોજના નિષ્ફળ નીવડી.
ઉપરોક્ત દાખલા સિવાય પણ ભીમજી પારેખને વિશેષ યાદ કરવો પડે, ઔરંગઝેબ જેવા કટ્ટરપંથી અને મદાંદ શાસક સામે ટક્કર લેવા માટે. ઔરંગઝેબની વટાળવૃત્તિ અને ધાર્મિક કટ્ટરતાને કારણે આ પ્રશ્ન ઊભો થયો.
1669માં ઔરંગઝેબની નીતિને અનુસરીને સુરતના કાજી નૂરૂદ્દીને કેટલાક ધર્માંધ મુસલમાનોનો સાથ લઈ બે હિન્દુ અને એક જૈનને ઇસ્લામ ધર્મમાં વટલાવી નાખ્યા.
એ સમયે ધાર્મિક રૂઢિચુસ્તતા કટ્ટર હતી. સમાજ આ રીતે ધર્માંતરણને તિરસ્કારની નજરે જોતો. એટલે ધર્મપરિવર્તન કરનાર ત્રણમાંથી એક જણે મોત વહાલું કર્યું.
આ આત્મહત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સુરત શહેરમાં હાહાકાર મચી ગયો. સુરતીઓનું ખમીર બંડ પોકારી ઊઠ્યું. જેનું નેતૃત્વ ભીમજી પારેખે લીધું.
વીરજી વોરાની હવે ઉંમર થઈ હતી છતાં પણ આ પ્રસંગે તેણે ભીમજી સાથે ખભેખભા મિલાવ્યા. જૈન સંપ્રદાયો અને મહાજનો ઉપર એમનો પ્રભાવ હજી પણ અકબંધ હતો.
વીરજીના એક અવાજે બધા ઊભા થઈ ગયા. કારીગરોનાં પંચો અને બીજા પણ જે કંઈ પ્રજાકીય સંગઠનો હતાં તે સમેત આખી પ્રજાએ આ અન્યાય સામે માથું ઊંચક્યું.
વીરજીએ સુરત બંધનું એલાન આપ્યું. ચપોચપ બધી દુકાનોને તાળાં લાગી ગયાં. જનઆંદોલન શરૂ થયું, ઔરંગઝેબ સામે પ્રજાના મનમાં ઘૂઘવાતા રોષે દાવાનળનું સ્વરૂપ લીધું, પણ આક્રોશની અભિવ્યક્તિ સંપૂર્ણ શાંતિપૂર્ણ હતી.
સામે નુરૂદ્દીન કાજી અને ઔરંગઝેબ મક્કમ હતા. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ બંધની અસર વરતાવા માંડી. ટંકશાળ અને કસ્ટમ-હાઉસ સૂમસામ થઈ ગયાં.
કરિયાણું અને શાકભાજી મેળવવી અશક્ય બની ગઈ. એક સમયે પ્રવૃત્તિથી ધમધમતું આ સમૃદ્ધ વેપારીનગર સ્મશાનવત્ શાંતિનો આંચળો ઓઢીને લપાઈ ગયું. બધું ઠપ થઈ ગયું.
એક પછી એક દિવસો વિતતા ગયા. પ્રજા મક્કમ હતી. ઔરંગઝેબ ઉપર દબાણ લાવવા માટે હજુ પણ જાણે કશુક ખૂટતું હતું.
9 જુલાઈ, 1669ના રોજ શરૂ થયેલી આ હડતાલના બરાબર 15 દિવસ બાદ સુરતના 8000 વેપારીઓ તા : 24 -9-1669ના રોજ ભરૂચ હિજરત કરી ગયા.
ભરૂચનો ગવર્નર પ્રગતિશીલ હતો, એણે આ વેપારીઓને આવકાર્યા અને નૂરૂદ્દીન કાજીને પત્ર લખ્યો, “મૂરખ! મુગલોની જાહોજલાલી આ વેપારીઓને પરિણામે છે. ધર્મના આડંબરો કરતાં લક્ષ્મી વધારે મહત્ત્વની છે.”
જેમજેમ દિવસો વિતતા ગયા ઔરંગઝેબને એની ભૂલ અને એનાં ગંભીર પરિણામો સમજાવા લાગ્યાં. ઔરંગઝેબે જાહેર કર્યું કે તેણે ભૂલ કરી હતી અને સૌ હિજરતીઓ એને દરગુજર કરી સુરત પાછા ફરે. ઔરંગઝેબે ખાત્રી આપી કે ફરી આવો અપરાધ નહીં થાય.
ઔરંગઝેબે ખાતરી આપી એટલે બધા હિજરતીઓ પાછા ફર્યા. સુરત પાછું વેપારી પ્રવૃત્તિથી ધમધમવા લાગ્યું.
આ પ્રજાકીય સત્યાગ્રહ ત્રણ-ત્રણ મહિના ચાલ્યો. ગુજરાતીઓનું ખમીર અને ભીમજી પારેખ તેમજ વીરજી વોરાની પ્રબળ નેતાગીરી સફળ થઈ.
આ સત્યાગ્રહ શરૂ થયો હતો તારીખ 9 જુલાઈ, 1669ના રોજ. ગાંધીજીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ એટલે કે ગાંધીજીના જન્મના લગભગ 200 વરસ પહેલાં. અત્યારે જેને ‘ગાંધીચીંધ્યો માર્ગ’ કહેવાય છે તે સત્યના માર્ગે ચાલીને સુરતીઓએ અહિંસાની પોલાદી તાકાતનું ઔરગઝેબને ભાન કરાવ્યું.
જુલાઈ 1669માં શરૂ થયેલો આ સત્યાગ્રહ ગાંધીજીએ ત્યારબાદ કરેલા બધા જ સત્યાગ્રહોનો પૂર્વજ હતો એમ કહી શકાય.