[:gj]દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમ[:]

[:gj]બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલું આમૂલ પરિવર્તન

દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  પરિણામમાં ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમસ્થાને

ધો.૧૨(સા.પ્ર)માં રાજયનું ૭૬.૨૯ ટકા પરિણામ જ્યારે  બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું
પાલનપુર, 15 જૂન 2020
રાજય સરકારના વિવિધ અભિયાનોથી જિલ્લાના લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી રહી છે. ભૂતકાળમાં શૈક્ષણિક રીતે પછાત ગણાતો બનાસકાંઠા જિલ્લો હવે રાજય કક્ષાએ પ્રથમ હરોળમાં સ્થાન મેળવતો થયો છે. છેલ્લા દોઢેક દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યનું ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા છે જયારે બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું છે. જેની સામે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સોની કેન્દ્રનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૭.૭૬ ટકા સાથે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્‍ત કરીને રાજય કક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.  બી. વી. પટેલ વિધાલય, સોની કેન્દ્રમાં કુલ-૩૧૩ વિધાર્થીઓએ ધોરણ-૧૨ (સા.પ્ર.)ની પરીક્ષા આપી હતી જેમાંથી ૩૦૬ વિધાર્થીઓ ઉતીર્ણ થતાં આ કેન્દ્રનું રાજયમાં સૌથી ઉંચું પરિણામ આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ-૨૦,૧૦૩ વિધાર્થીઓ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં હતા. ધોરણ-૧૨ (સા.પ્ર.) ની કુલ- ૨૦,૦૫૪ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭,૧૭૮ વિધાર્થીઓ પાસ થયા છે.


સોની  બી.વી.પટેલ વિધાલયના શિક્ષક પ્રકાશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં અમારા સોની કેન્દ્રનું પરિણામ સૌથી ઉંચું આવ્યું છે જે અમારા માટે ખુબ આનંદના સમાચાર છે. તેમણે કહ્યું કે વિધાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શિક્ષકો સતત મહેનત કરી તેઓને તૈયાર કરે છે તેઓની મહેનત આજે ઉગી નીકળી છે. શાળાના આચાર્ય વાઘાજીભાઇ પટેલે વિધાર્થીઓ અને શિક્ષકઓને અભિનંદન આપી તેમની મહેનતને બિરદાવી, વિધાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી.[:]