ગાંધીનગર, 10 એપ્રિલ 2020
કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો કરવા સરકારે હાલ એક મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે. સચિવાલયના વિભાગો સૂમસામ છે. કર્મચારીઓની પાંખી હાજરી વચ્ચે માત્ર આવશ્યક કામો થાય છે. આરોગ્ય સબંધિત તેમજ તેને આનુસાંગિક વિભાગો સિવાયના તમામ વિભાગોને હાલ તાળાં મારી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ હોવાથી હજી 14મી એપ્રિલ સુધી સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવેલા છે. સચિવાલયમાં માત્ર સ્વર્ણિમ સંકુલ-1, ચીફ સેક્રેટરીની ઓફિસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ, કન્ટ્રોલરૂમ, પોલીસ ભવન અને મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ધમધમે છે. રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના વાયરસ સામેની કામગીરી તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ પર ધ્યાન આપ્યું હોવાથી વિવિધ વિભાગોના ઓનગોઇંગ કામો અને યોજનાઓ હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવેલી છે. સરકારે મોટાભાગના ઓફિસરોને કોરોના સબંધિત ડ્યુટી સોંપી છે જેમાં વન વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
સચિવાલયમાં સનદી અધિકારીઓ અને વર્ગ-1ના અધિકારીઓની હાજરી હોય છે ત્યારે વર્ગ-2 થી વર્ગ-4ના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની છૂટ આપવામાં આવેલી છે. ગાંધીનગરમાં જૂના અને નવા સચિવાલયમાં અત્યારે માત્ર 35 ટકા કર્મચારીઓની હાજરી જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રતિદિન કોરોના રિલેટેડ બેઠકો, કોર કમિટીની બેઠકો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જિલ્લાકક્ષાએ આદેશો આપે છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યોને પણ પ્રભારી જિલ્લાઓની જવાબદારી સંભાળવાના આદેશ આપવામાં આવ્યા હોવાથી મંત્રીઓની ચેમ્બરો ખાલી છે. ઓફિસોમાં કોઇ સ્ટાફ નથી. સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2 ઉપરાંત સચિવાલયના વિભાગોમાં કોઇ મુલાકાતીને પ્રવેશવાની મંજૂરી નથી.
સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે 13મી એપ્રિલની બેઠકમાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો 15મી એપ્રિલથી સરકારની તમામ ઓફિસોમાં કર્મચારીઓને હાજર રહેવાના આદેશ આપવામાં આવશે, પરંતુ જો લોકડાઉન લંબાશે તો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની ફરીથી છૂટ અપાશે, જો કે અગત્યના કામોની પતાવટ માટે જ્યાં ફિઝિકલ હાજરીની જરૂર હોય ત્યાં થોડાં કલાકો માટે બોલાવવામાં આવી શકે છે, જો કે તે ડિપાર્ટમેન્ટના હેડની જરૂરિયાત પ્રમાણે નક્કી કરાશે.
ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત બોર્ડ-કોર્પોરેશનની કચેરીઓમાં પણ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હોવાથી ઉદ્યોગભવન અને સેક્ટર-10માં આવેલા બીજા ભવનો પણ સૂમસામ ભાસે છે. એકમાત્ર નાગરિક પુરવઠા નિગમની ઓફિસને ખુલ્લી રાખવામાં આવેલી છે. એવી જ રીતે કૃષિ ભવનમાં કેટલાક ઓફિસરોની ઉપસ્થિતિ જોવા મળે છે. કર્મચારી કે એન્ટ્રીપાસ વિનાનો કોઇ વ્યક્તિ સચિવાલયમાં દાખલ થાય ત્યારે પૂરતી પૂછપરછ કર્યા પછી કામની અગત્યતા પ્રમાણે તેને જવા દેવામાં આવે છે. ગાંધીનગરના પ્રવેશમાર્ગો પર હાલ પોલીસનું કડક ચેકીંગ અને સતત પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે.