કચ્છના રણની 5 લાખ હેક્ટર જમીન ખાલી કરાવીને ઉદ્યોગોને આપવા ભાજપનું ષડયંત્ર

कच्छ के रेगिस्तान की 5 लाख हेक्टेयर जमीन खाली कराकर उद्योगों को देने की भाजपा की साजिश, BJP’s conspiracy to vacate 5 lakh hectares of Kutch desert land and give it to industries

અમદાવાદ, 2 ઓગસ્ટ 2024

ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચારણા કરવા અગરીયાયાઓ માંગ કરી રહ્યા છે. ઉદ્યોગ વાભાગના સૂત્રો માની રહ્યા છે કે 5 લાખ હેક્ટર જમીન સોલાર અને પવન ઉર્જા માટે શ્રેષ્ઠ છે. તે જમીન પર કરોડો રૂપિયાના ઉદ્યોગો લાવી શકાય તેમ છે.

ગુજરાત દેશના કુલ મીઠા ઉત્પાદનમાંથી 76% મીઠું પકવે છે. આ 76% ટકામાંથી 31% મીઠું કચ્છના નાના રણમાં પાકે છે. ચોમાસા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છ જિલ્લાના 6 તાલુકાનાં 107 ઉપરાંત ગામોના પરંપરાગત અગરીયાઓ કચ્છના નાના રણમાં જઈને વડાગરું અને પોડા મીઠું પકવી તેમની ગુજરાન ચલાવે છે.

કચ્છનું નાનું રણ 1973 માં ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર થયું અને ત્યારબાદ 1997માં સરવે અને સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરી. સર્વે સેટલમેન્ટ પ્રક્રિયામાં માલિકી હક્ક ધરાવતા, પેઢી દર પેઢીથી મીઠું પકવતા પરંપરાગત હજારો અગરીયાઓના દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા હતા. તેથી આગામી દિવસોમાં હજારો અગરિયા પરિવારો રોજી રોટી વગરના થઈ જવાનો ભય ઊભો થયો છે.

આ અંગે અગરીયા હિતરક્ષક મંચના હરિણેશ પંડ્યા જણાવે છે કે, આઝાદી પૂર્વે કે પછી કચ્છના નાના રણનો ક્યારેય સર્વે કરવામાં આવ્યો નથી. તેને “ઝીરો સર્વે નંબર” થી ઓળખાય છે. તેના 7/12ના ઉતારા નીકળતા નથી. એટ્લે અગરીયાઓ પાસે રણના 7/12ના ઉતારા અને દસ્તાવેજો માંગવા અને તેના આધારે તેમની બાદબાકી કરવી તે તદ્દન અન્યાયકારી બાબત છે. સરવે સેટલમેન્ટ અહેવાલ જોઈએ તો ખ્યાલ આવે છે કે, આઝાદી પૂર્વેના કેટલાક કંપની કે લોકોની રણના થોડા ભાગમાં માલિકી હતી, તેમના હક્કો માન્ય કરવામાં આવ્યા છે.

આઝાદી બાદ કેટલાક લોકોએ, મંડળીઓએ રણમાં લીઝ મેળવી, તેમના હક્કો લીઝ રિન્યૂના શરતે માન્ય કર્યા છે. હાઇકોર્ટના આદેશથી અભયારણ્યમાં લીઝ રિન્યૂ થતી નથી. તેથી તે માન્ય હકકોનો પણ કોઈ અર્થ રહેતો નથી.

પરંપરાગત અગરીયા સદીઓથી મીઠું પકવે છે, અને 1948ના સોલ્ટ એક્સપર્ટ કમિટીના ભારત સરકારના નિર્ણય અનુસાર 10 એકર સુધી અગરીયાઓને કોઈ લીઝ લાઇસન્સની જરૂર નથી.

2006 ના વન અધિકાર કાયદા મુજબ  કોઈ પણ અભયારણ્યમાં પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે આજીવિકા મેળવતા લોકોના અધિકારોને સામેથી ચાલીને ગ્રામસભા, પંચાયતો  અને ગામના 75 વર્ષના વડીલોના નિવેદનોથી ઓળખી કાઢવાના હોય છે. જે આ કિસ્સામાં થયું જ નથી.

ઘૂડખર અભયારણ્યની 4.95 લાખ હેક્ટર જમીન છે. 6 થી 7 હજાર અગરીયાઓ 10-10 એકરમાં મીઠું પકવવાની પરવાનગી આપે તો પણ તે કુલ જમીનનો માત્ર 6% હિસ્સો થાય છે.

અગરીયાઓ રણમાં માત્ર સિઝન પૂરતા વપરાશી અધિકાર માંગે છે, જેનાથી જમીન અભયારણ્ય વિભાગ પાસેજ રહે છે.

છેલ્લા 2 વર્ષથી અભયારણ્ય વિભાગ સરવે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોવાનું કારણ દર્શાવી અગરીયાઓને રણમાં જવાથી રોકે છે.

ગત સિઝનમાં રણના કાંધીએ SRP તૈનાત કરી કડક બંદોબસ્ત રાખ્યો હતો. ખૂબ રજૂઆતો બાદ લોકપ્રતિનિધિઓના ભલામણથી અગરીયાઓને રણમાં પ્રવેશ આપ્યો હતો.

આવતા દોઢ થી 2 માહિનામાં મીઠાની સીઝન આવશે ત્યારે પરંપરાગત અગરીયાઓએ  સરકારને વિનંતી કરી છે, કે સર્વે સેટલમેન્ટ અહેવાલ પર પુનર્વિચારણા કરવામાં આવે અને ગ્રામપંચાયતો, ગ્રામસભાઓ મારફતે ખરાઈ કરી તમામ પરંપરાગત અગરીયાઓના સિઝનલ વપરાશી અધિકારને કાયમી માન્યતા આપવામાં આવે. તેમ અગરીયા હિતરક્ષક મંચના હરિણેશ પંડ્યાએ જણાવ્યું હતું.