By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
સરકારી અનાજનો અનોખો ‘વહીવટ’ કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, કુલ રૂ.52 લાખના ઘઉં અને રૂ.44 લાખની કિંમતના ચોખા રૂપાણી સરકારના અધિકારીઓ ખાઈ ગયા છે.
આવો એક અંદાજ લગાવીને તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે રાશનની દુકાન ધરાવતા અમુક રાજસ્થાની પરવાનેદારની આશંકાના આધારે પૂછપરછ કરી હતી. આ કૌભાંડમાં સુરતની 45 જેટલી રાશનની દુકાન પરથી યુઝર આઈડીનો વહીટવટ થયો હતો. આ સચોટ જાણકારી સામે આવતા આ દિશામાં તપાસ શરૂ કરી દેવાય છે. સુરત શહેરના મહુવા તાલુકામાં 1, રાંદેર ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 17, ચોકમાં 7, પુણામાં 2, વરાછા ઝોનમાં 1, કામરેજમાં 6 એમ કુલ 45 દુકાનમાંથી યુઝર આઈડી અને ડેટા ચોરાયા છે. એક અંદાજ અનુસાર ઘઉં અને ચોખા સિવાય કરોડો રૂપિયાની ખાંડ સગેવગે થઈ ચૂકી છે. પુરવઠા વિભાગનું એક મોટું કૌભાંડ સામે આવતા જિલ્લા ક્લેક્ટર આયુષ ઓકે એ સુરત જિલ્લાની રાશનની દુકાનમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. પુરવઠા અધિકારી તેમજ ઝોનલ અધિકારીની ટીમ તૈયાર કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે જે તે પરવાનેદારની સંડોવણી ખુલશે એની સામે કાયદેસરના પગલાં લેવાશે.
મહાનગર સુરત સહિત રાજ્યમાં સરકારી અનાજ સામગ્રી સગેવગે કરવાનું કૌભાંડ આ પહેલા પણ મોટાપાયે પકડાયું હતું. આ અંગે પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં મોટી અને મહત્ત્વની જવાબદારી જે તે આઉટસોર્સિંગ કર્મચારીઓને સોંપવામાં આવી રહી છે. આ કારણે કોઈ ડર વગર અનાજ પુરવઠામાં કૌભાંડ વધ્યા છે. ખાસ કરીને અનાજને બારોબાર વેચી દેવાનો વેપલો થઈ રહ્યો છે. જોકે, આ કેસમાં કામગીરી દૂધના ઊભરા જેવી ન બની રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા અમદાવાદ શહેરમાંથી આ કૌભાંડ સામે આવતા સમગ્ર શહેરના રાશન કેન્દ્રની તપાસ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં કોઈ મોટી માછલીઓ ઝડપાય તો આખો મામલો સ્પષ્ટ થયા એવું આ ચિત્ર છે.