ગુજરાતમાં મહિલાઓ પર સાઈબર હુમલા 150 ટકા વધ્યા પણ કોઈને સજા નહીં

ગાંધીનગર, 17 માર્ચ 2021

ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર હુમલાઓ થઈ રહ્યાં છે. સાઈબર ક્રાઇમની ઘટનાઓમાં 150 ટકાનો  વધારો થયો હોવા છતાં ભાજપની વિજય રૂપાણીની સરકાર એક પણ સાઈબર ગુનેગારને અદાલતમાં સજા આપાવી શકી નથી.

ગુજરાતમાં 2017માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના હતી અને તે 2019માં વધીને 226 નોંધાઇ છે. આમ, બે વર્ષમાં જ મહિલાઓ પરના સાયબર ક્રાઇમની ઘટના 150% જેટલી વધી ગઇ છે. જોકે, 2017થી 2019 દરમિયાન મહિલાઓ પર સાયબર ક્રાઇમ બદલ એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થઇ નથી.

લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં વર્ષ 2018માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 94 ઘટના નોંધાઇ હતી. આ પૈકી 59માં ચાર્જશીટ દાખલ થઇ હતી. જ્યારે 83 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એકપણ વ્યક્તિ દોષિત પુરવાર થયા નહોતા.

2018માં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનામાં લગભગ બે ગણો વધારો થયો હતો અને કુલ 184 કેસ નોંધાયા હતા. આ પૈકી 113 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી અને 154 વ્યક્તિની ધરપકડ થઇ હતી. પરંતુ 2017ની માફક 2018માં પણ એકેય દોષિત પુરવાર થયા નહોતા.

2019માં સાયબર ક્રાઇમના 226 કેસ સામે 189માં ચાર્જશીટ દાખલ  કરવામાં આવી હતી. કુલ 269 વ્યક્તિની ધરપકડ થઇ હતી. પરંતુ એકેય વ્યક્તિ દોષિત પુરવાર થયા નહોતા. સમગ્ર દેશમાં મહિલાઓ પર સાયબર ક્રાઇમની 2017માં 4242, વર્ષ 2018માં 6030 અને 2019માં 8379 ઘટના નોંધાઇ હતી. 3 વર્ષમાં નોંધાયેલા કુલ 18,651 કેસ સામે 131 વ્યક્તિ દોષિત પુરવાર થયા છે.

બાળકો પણ સાયબર ક્રાઇમનો ચિંતાજનક રીતે ભોગ બની રહ્યા છે. 3 વર્ષમાં બાળકો પર સાયબર ક્રાઇમની 23 ઘટના નોંધાઇ છે. વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 90 બાળકો સાયબર ક્રાઇમના ભોગ બન્યા હતા. બીજી તરફ સમગ્ર દેશમાંથી બાળકો પર સાયબર ક્રાઇમની વર્ષ 2017માં 88, વર્ષ 2018માં 232 અને વર્ષ 2019માં 305 ઘટના નોંધાઇ હતી.

ગુજરાતમાં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટના

વર્ષ          કેસ નોંધાયા    કુલ ધરપકડ   દોષિત પુરવાર

2017          94             83               00

2018          184          154               00

2019          226          269                00

ગુજરાતમાં બાળકો પર સાયબર ક્રાઇમની ઘટના

વર્ષ       કેસ

2017   04

2018   12

2019   07

ગુજરાતમાં  સાયબર ક્રાઇમની ઘટના

વર્ષ       કેસ

2017   458

2018   702

2019   784