430 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો
અમદાવાદ, 11 ડિસેમ્બર 2020
અમદાવાદ સિવિલમાં મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવાયો છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું હતું. આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે.
ઈ.સ.2020ના એપ્રિલ મહિનામાં રેણુબહેનને તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. બે મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું. ઇન્દોરમાં તબીબોને મળ્યું પણ કોઇ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ બધી જ આશા છોડી ચૂક્યું હતું, ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાય એવી રીતે એક સ્વજને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી.
અંજાને દંપતી નસીબને અજમાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યાં. એક સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી. સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો આશરો લીધો. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલા બાળકના જીવનો પણ સવાલ હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓના લીધે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડોક્ટર્સ માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રોફેસર બેલા શાહે જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ અનુસારના આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે.
રેણુબહેનના કિસ્સામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે અને બીજો કોઇ નિર્ણય ન લેવાય તો મા અને બાળક બંનેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો.
આટલા ઓછાં વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવુ જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી.
છેવટે ઓક્ટોબરમાં રેણુબહેને 436 ગ્રામના વજનની અને 36 સે.મી. લંબાઇની બાળકીને જન્મ આપ્યો હતો.

બાળરોગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનુ અખાણી એ જણાવ્યું કે પ્રથમ શ્વાસથી જ આ બાળકી મોત સામે સંઘર્ષ કરી રહી હતી. ઑપરેશન થિયેટરમાં રહેલી દરેક વ્યક્તિની ધારણા હતી કે આ બાળકી થોડી મિનિટો કરતા વધુ નહીં જીવે. ઑપરેશન થિયેટરમાં ઉદાસીનો માહોલ વ્યાપી ગયો હતો.
તબીબી વિજ્ઞાન અનુસાર જ્યારે બાળક આટલું નાનું હોય, વજન આટલું ઓછું હોય ત્યારે ડગલે ને પગલે સમસ્યા સર્જાય છે. આ બાળકીના પણ ફેફસા અને હૃદય નબળા હતાં. શારીરિક સ્વાસ્થ્યના મહત્વના પૅરામીટર્સ જાળવવાનું કામ પણ પડકારજનક હતું.
જોકે બાળકીને ઓક્સિજનના સપોર્ટની બહુ ઓછી આવશ્યક્તા પડતી હતી. આ જ વાતે બાળરોગ વિભાગના રેસિડેન્ટ તબીબોને આ બાળકીને જીવાડવા માટે પ્રયત્નો કરવાની વધુ પ્રેરણા આપી.
હવે શરૂ થયો બાળકીના મૃત્યુ અને તબીબોના પ્રયત્નો વચ્ચેનો તુમુલ જંગ!!!
આ બાળકીની લોહીની નળીઓ કાગળ ઉપર પેન વડે દોરેલી લીટી કરતા પણ પાતળી હતી. બાળકીના અતિ નાજુક શરીર પર IV માટેની એક સુરક્ષિત લાઇન શોધવી એ પણ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કાર્ય હતું.
આટઆટલી કઠીન પરિસ્થિતિ હોવા છતાં તબીબોની ટીમે કોશિશ ચાલુ રાખી. એક તબક્કે આ બાળકીને ઇન્ફેક્શન પણ લાગ્યું, તબીબોએ સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો. તબીબોની ચોક્કસાઇ, કાળજી અને ત્વરિત સારવારના લીધે આખરે આ બાળકી મોત સામેનો જંગ જીતી.
અંગો ઓછાં વિકસ્યા હોય બાળકીને કાંગારૂ મધર કૅર અને ઓઇલ મસાજ આપવાના મુદ્દે સ્વજનોએ તબીબોની દરેક સલાહનું ચુસ્ત પાલન કર્યું. NICUમાં સતત પ્રેમાળ કાળજી અને સુશ્રુષા ધીરે ધીરે રંગ લાવી અને આ બાળકીની હાલતમાં સુધારો થવા લાગ્યો.
ઓક્સિજન અને એન્ટિબાયોટિક્સનો સહારો પણ હટાવી લેવાયો. બાળકીએ ફીડિંગ ટ્યૂબથી ખોરાક લેવાનું પણ શરૂ કર્યું. તેનું વજન વધવા લાગ્યું. હવે આ બાળકી માતાના દૂધનું પાન કરી શકે છે.
54 દિવસ એન.આઇ.સી.યુ. મેળવેલી સારવાર બાદ બાળકીનું વજન વધીને 930 ગ્રામ થયું છે. હવે આ બાળકી એક સ્વસ્થ જીવન જીવવા માટે સજ્જ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને જે સારવાર મળી તેનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રૂ.10થી 12 લાખ થયો હોત.
બાળકીને માતાપિતાએ ‘દક્ષિતા’ નામ આપ્યું છે. જેનો હિંદીમાં મતલબ કૌશલ, કુશળ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી જણાવે છે કે 400 ગ્રામ વજન ધરાવતા બાળક નવજીવન મળી જવું સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ગૌરવવંતી બાબત છે તેમ તેઓએ ઉમેર્યું છે.