અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020
ચીનથી થતી આયાત પર બ્રેક મારી દેવામાં આવી છે. પણ ગુજરાતની મગફળીના તેલ અને ગુજરાતના જામનગરના બ્રાસપાર્ટની ચીનમાં કોરોના સમયમાં પણ ખૂબ માંગ છે. વ્યાપારની દ્રષ્ટિએ ચીન સિંગતેલ માટે ભારત પર આધાર રાખે છે. ચીનમાં હાલના સમયમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી છે. જેથી આપણા દેશમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં 50 હજાર ટનથી વધારે સિંગતેલ ચીને ભારતમાંથી મંગાવ્યું છે.
તેની અસર તેલ માર્કેટમાં જોવા મળી રહી છે. અત્યારે ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારત અને ચીન વચ્ચે તણાવગ્રસ્ત માહોલ છે. દેશમાંથી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચીનની દરેક ખાદ્ય વાનગીમાં સિંગતેલનો ઉપયોગ થાય છે. ચીનમાં પણ મગફળીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. પણ સિંગતેલ તે ગુજરાતથી મંગાવે છે. દિવસે દિવસે ચીનમાં સિંગતેલની માગ વધી રહી છે.
ગુજરાતથી સિંગતેલના મોટા વેપારીઓ ચીનમાં તેલની નિકાસ કરી રહ્યા છે. મગફળીનું ઉત્પાદન વધારે થયું હોવા છતાં સિંગતેલના ભાવ જે ઘટવા જોઈએ એ ઘટ્યા નથી. તેની પાછળ ચીનની માંગ છે. તેલના વેપારીઓ કહે છે કે, આવનારા દિવસોમાં ચીનમાં સિંગતેલની માગ વધશે.