નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું

ગાંધીનગર, 9 મે 2021
ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની સરખામણીએ 8 ટકા આસપાસ રહે છે. પણ ઉનાળામાં ઉત્પાદકતા 3 હજાર કિલોની આવે છે. કુલ 21.50 લાખ ટન ચોખા ગુજરાતમાં પાકે છે. જેમાં બાસમતીનો હિસ્સો બહુ ઓછો છે. હવે ખેડૂતો બાસમતી ચોખાના બિયારણની શોધખોળ કરી રહ્યાં છે.

નર્મદા નહેર આવ્યા પછી ચોખાના વાવેતર વિસ્તારમાં માંડ 2 લાખ હેક્ટરનો વધારો થયો છે. 2000-01માં ચોમાસામાં 5.90 લાખ હેક્ટરમાં ચોખાનું વાવેતર થતું હતું. જો નહેરો બની હોત તો બાસમતી ચોખાનું વાવેતર અને ઉત્પાદન ગુજરાતમાં સારું થતું હોત. પણ તેમ થઈ શક્યું નથી. 2009-10માં 4.24 લાખ હેક્ટરમાં ચોખાનું ચોમાસુ વાવેતર થયું હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરો માટે પૂરતું ધ્યાન આપેલું ન હોવાથી આજે ગુજરાતમાં ચોખાના વાવેતરમાં મોટો ફટકો પડ્યો છે.

આ વર્ષે વરસાદ વહેલો હોવાથી ચોખાનું વાવેતર 9 લાખ હેક્ટર આસપાસ થાય અને ચોમાસુ સારું રહેવાનું હોવાની શક્યતાના આધારે ઉત્પાદન 22થી 22.50 લાખ ટન ચોખા પાકી શકે છે. જોકે, ગુજરાતમાં કુલ અનાજનું વાવેતર ગયા વર્ષે ચોમાસામાં 13.47 લાખ હેક્ટરમાં 26.87 લાખ ટન અનાજ પેદા થવાની ધારણા હતી. જેમાં સૌથી વધુ ચોખાનું 19.44 લાખ ટન અનાજ પાકવાનું કૃષિ વિભાગે જાહેર કર્યું હતું. જે જુવાર, બાજરો, મકાઈ, રાગી અને નાના ધાન્ય 7.43 લાખ ટન હતું. આમ 35 ટકા અન્ય અનાજ અને 65 ટકા ચોખા પાકે છે.

તેથી ગુજરાતના ખેડૂતો હવે બાસમતી ચોખાની નવી જાતો મેળવવા પ્રયાસો કરે છે.

ગુજરાતની કમોદ અને પંખાળી જાતો સુગંધીત છે. દાણાની લંબાઈ અને રાંધ્યા પછી લંબાઈ દહેરાદૂન જેની નથી. જો રાંધ્યા પછી 2થી 2.50 ગણી લંબાઈ વધે તો નિકાસ થઈ શકે.

ગુજરાતની સુગંધ આપતી ચોખાની જાતોમાં જી આર 101, કમોદ 118, રેશમ બાસમતી, પુસા બાસમતી તથા જી એ આર 14 જાતો છે જેની ખૂબ સારી સુગંધ આવે છે. તેમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના નવાગામ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર ફોન નંબર 02694284278 નું માનવું છે.

નવાગામ ચોખા સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓએ સુગંધિત ચોખાની નવી જાત જીએઆર 14 શોધી છે. હેક્ટરે 6 હજાર કિલો ઉત્પાદન આપે છે. સુગંધ સારી છે.

ગુજરાતમાં લગભગ 33 સુધારેલી ડાંગરની જાત છે. જેમાં જી આર 101, નર્મદા 1984 અને 1991 નવાગામની છે.

નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર દ્વારા ડાંગરની દેશી જાતો લાલ કડા, સાઠી, રાજ બંગાળો, દુધમલાઈ, આંબામોર જેવી લુપ્ત થતી જાતોનું સીડ બેંક બનાવવામાં આવી રહી છે અને તેનું સંશોધન કરીને નવી જાત વિકસાવવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં બ્લેક રાઈસનું વાવેતર ગયા વર્ષથી થવા લાગ્યું છે. જે અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે. ખેડામાં સાંખેજ ગામે શીવરામ હરેશ પટેલે કાળા ચોખાનું બિયારણ મિઝોગમથી મંગાવીને વાવેલું હતું.
બાસમતી નિકાસ વિકાસ ફાઉન્ડેશન, મોદીપુરમ અને સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી, કૃષિ અને ટેકનોલોજી, મેરઠ ખાતે બાસમતીના વિવિધ જાતોના વેચાણની શરૂઆત થઈ છે. ત્યાંથી ખેડૂતો બિયારણ ખરીદીને ધરૂ ખેતીની તૈયારી કરી શકે છે. જોકે, આ ચોખા માટે ઉત્તરભારતના જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. આધારકાર્ડ સાથે ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર 8630641798 શરૂ કરી છે. બેંકમાં પૈસા જમા કરાવીને ખેડૂત અહીં આવીને બિયારણ ખરીદી શકે છે.

જાતોમાં પુસા બાસમતી 1121, પુસા બાસમતી 1509, પુસા બાસમતી 1, પુસા બાસમતી 1637, પુસા બાસમતી 1728, પુસા બાસમતી 1718 જાતિના બીજ લઈ શકે છે. ગયા વર્ષે બાસમતી નિકાસ વિકાસ ફાઉન્ડેશન દ્વારા એક હજાર ક્વિન્ટલ બીજ આપ્યું હતું.

સરદાર વલ્લભભાઇ પટેલ કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી પણ બિયારણ ખરીદી શકે છે. જેમાં પુસા બાસમતી 1509, પુસા બાસમતી 1121, પુસા બાસમતી 1718, પુસા બાસમતી 1937 અને પુસા બાસમતી 1 ના બીજ લઈ શકો છો. અહીં મૂળભૂત બીજની કિંમત કિલો દીઠ 70 રૂપિયા અને પ્રમાણિત બીજની કિંમત 65 રૂપિયા પ્રતિ કિલો રહેશે. બીજ દસ કિલોના પેકેટોમાં ઉપલબ્ધ છે. બીજ માટે દિનેશકુમાર 9897609022, સુરેશચંદ: 9456262925 સાથે વાત કરીને પછી જ ખરીદી કરવાનું નક્કી કરવું કારણ કે ઉત્તર ભારતના ખેડૂતોને પ્રથમ બિયારણ આપવામાં આવે છે. ગુજરાતના કૃષિ રાજ્ય પ્રધાન હોવા છતાં બાસમતી ચોખાનું બિયારણ આપવામાં આવતું નથી. દેશમાં 63 લાખ ટન બાસમતી ચોખા પાકે છે તેની સામે ગુજરાતના ખેડૂતો બાસમતી ચોખા બહુ ઓછા પકવે છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા અત્યાર સુધીમાં 29 બાસમતીની જાતો શોધવામાં આવી છે જેમાં પૂસા બાસમતી 1 અને બાસમતી 1637 જાત સારી છે. 22થી 25 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે.