4 કરોડ દાડમના વૃક્ષોના પ્રેરણાસ્ત્રોત ગેનાભાઈની ખેતી મુશ્કેલીમાં આવી પડી છે, છે કોઈ બચાવનાર

khabarchhe.com

ગાંધીનગર, 31 ઓગસ્ટ 2020

4 કરોડ દાડમના વૃક્ષોના પ્રણેતા એવા ગેનાભાઈની દાડમની ખેતી બે વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ 4 ટન દાડમ પાકશે. વધું વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. બનાસકાંઠા જિલ્લમાં માંડ 40 ટકા પાક થશે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટરમાં દાડમ છે.

બનાસકાંઠા જિલ્લામાં 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન ઉત્પાદન થતું હતું. હવે તે 40-50 હજાર ટન દાડમ પાકશે. 2015, 2019 અને 2020 એમ 3 વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ ગઈ છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પૂરતું વળતર આપતી નથી.

ગેનાજી પટેલ એક પ્રેરણા

દાડમની ખેતી કરવાનો વિચાર 2004માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા હતા. બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. 15 વર્ષ પહેલાં દાડમની ખેતી મોંઘી હતી, ખેડૂતો વિચારી શકતા ન હતા કે દાડમથી મોટી આવક મેળવી શકાય છે અને આખા ગુજરાતને અડધા ભાવે દાડમ ખવડાવી શકાય તેમ છે.

બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના ખેડૂત ગેનાભાઈ દરઘાભાઈ પટેલ બન્ને પગે પોલીયો થઈ જતાં અપંગ છે. છાણ અને ચીકણી માટીથી ગેનાભાઈનું ઘર લીંપાયેલું અને દાડમથી ઘેરાયેલું છે. ઘરની ઓસરીમાં તેમની સફળતાની સાક્ષી પુરતી તસવીરો લાગેલી છે. અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર અને કાર ચલાવે છે. તેઓ એવું માને છે કે ધારો તો બધું જ કામ થઈ શકે.

4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડનારા

15 વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં 50 હજાર ખેડૂતોને 40 હજાર હેક્ટરમાં 4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે. તેથી તેમને દાડમ દાદા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે.

ગામ

ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં જાણીતુ થયું છે. ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. પાણીની મોટી તકલીફ છે. આખા બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં પ્રથમ સ્થાને છે. ગામમાં 1500 વીઘા જમીન અને 150 ખેડૂતો છે. તમામ દાડમ વાવે છે.

2015માં અહીં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં હજારો હેક્ટર દાડમના બગીચા ધોવાઈ ગયા હતા.
પોતે ચાલી શકે તેમ ન હોવાથી ખેતરમાં ધ્યાન રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ખેતરમાં તેઓ ગાડી લઈને ફરે છે.

ગેનાભાઈના ખેતરે હજારો લોકો દાડમની ખેતી જાણવા અને સમજવા આવે છે. તેઓ હેક્ટરે 20થી 22 ટન દાડમ પેદા કરે છે. 5 વર્ષમાં રૂ.1 કરોડનું ઉત્પાદન થાય છે.

ગુજરાતને ગૌરવ અપાવ્યું

ગેનાભાઇ પટેલ એચ.એસ.સી સુધી ભણેલા છે. દાડમની ખેતીએ ડ્રિપ ઇરિગેશનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે અહીં આવે છે. રાજ્યમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો છે. 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન થાય છે.

લાખણી તાલુકામાં 5000 હેક્ટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં દાડમના બગીચામાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં 8023 હેક્ટરમાં વાવેતર છે જે રાજ્યમાં સૌથી વધું છે.

ખેતર બન્યું કૃષિ વિશ્વ વિદ્યાલય

ગેનાજી દરગાજી પટેલ 9925557177 પાસે 5 હેક્ટર જમીન છે. તેમના ખેતરમાં દાડમ વાવે છે. હવે આ ખેતર કૃષિ વિશ્વ વિદ્યાલય જેવું બની ગયું છે. 1 લાખ ખેડૂતો અહીં મુલાકાત લઈ ગયા છે. આખા ગુજરાતને સસ્તા દાડમ ખવડાવવા માટે ગેનાભાઈનો આભાર માને એટલો ઓછો છે. પુષ્કળ ઉત્પાદન લાવીને નીચી ઉત્પાદકતા લાવીને દાડમનો ભાવ તેઓ સાવ નીચે લાવી શક્યા છે. કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કર્યું છે.

અહીંના ખેડૂતો ઘઉં અને બટાકા ઉગાડતાં હતા. ત્યારે દાડમ ઉગાડવા માટે કોઈ તૈયાર ન હતું. સ્થાનિક બહું ભાવ ન આવ્યો પણ એક કંપનીએ તેમના ખેતરમાં બધા દાડમ રૂ.42ના ભાવે ખરીદી લેવાનું શરૂં કર્યું ત્યારથી ભાવ ઊંચકાયા હતા. પછી તો ઈન્ટર નેટ દ્વારા તેઓ પોતાનો માલ વેચવા લાગ્યા હતા.

ખેતી કઈ રીતે કરે છે

તેમના ખેતરમાં સેન્દ્રીય ખાતર વાપરે છે. પંચામૃત્ત, વર્મી કંપોસ્ટ દર મહિને આપે છે. પંચામૃત્ત એટલે કે ગૌ મૂત્ર, ગાયનું છાણ, ગોળ, કઠોળનો લોટ નાંખીને બનાવવામાં આવે છે. આ ખાતર નાંખવાથી ગાડમનું વૃક્ષ સારું થાય છે. ફૂલ વ્યાપક આવે છે. ફળ લાલ ચમકીલા મોટા કદના બને છે. દાડમના દાણા અને દાડમની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ખેતરમાં લાંબી ચમકવાળી પટ્ટીઓ લગાવે છે તેથી પક્ષીઓ દાડમને ખાવા આવતાં નથી.

વાંસના ટેકે વૃક્ષને ઉભા રાખવા પડે એટલા મોટા પ્રમાણમાં લચી પડતાં દાડમ થાય છે. દાડમને પક્ષી અને ઝાકળથી બચાવવા માટે કપડું કે પ્લાસ્ટીકની થેલી વિંટવી પડે છે. રણ કાંઠો હોવાથી ઝાકળ વધું આવે છે. જે દાડમને કાળા કરે છે અને ઉત્પાદન ઓછું કરે છે. 2010માં તેઓએ 80 ટન દાડમ રૂ.55ના ભાવે વેચ્યા હતા. 40 લાખનો માલ વેચ્યો હતો.

એવોર્ડ

2013માં આઈઆઈએમ-એ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે તેઓ ભાષણ આપવા આવ્યા હતા. સૃષ્ટિ સંસ્થાએ તેમને પહેલો ઓવોર્ડ આપ્યો હતો. ત્યારથી તેઓ જાણાતા બન્યા અને પછી સરકાર પણ તેની પાછળ દોડતી થઈ હતી. જેથી દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2017 સુધીમાં 18 એવોર્ડ અને 2020 સુધીમાં 40 એવોર્ડથી ગેનાજીનું સન્માન થયું છે.

9 રાષ્ટ્રીય અને 2 આંરરાષ્ટ્રીય એવોર્ડ તેમને મળેલા છે. 19 જુલાઈ 2019 ના રોજ યુનાઈટેડ કિંગડમ હાઉસ ઓફ કોમર્સ, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન ખાતે આયોજીત એવોર્ડ માટે પદ્મશ્રી ગેનાજીની પસંદગી કરવામાં આવી હતી. ઈઝરાયલે પણ તેમને એવોર્ડ આપેલો છે.

ગુજરાતને સસ્તા દાડમ આપ્યા

2010માં દાડમના એક કિલોનો ભાવ સરેરાશ રૂ.161 હતો. દાડમ દાદાના કારણે ઉત્પાદન વધ્યું અને ભાવ એક કિલોના સરેરાશ રૂ.66 થઈ ગયા છે. 10 ટનનું હેક્ટરે ઉત્પાદન વધીને 20થી 26 ટન થયું છે. ખેડૂતો ભાવ નીચે લઈ ગયા છે છતાં તેમની આવક વધી છે. હેક્ટરે રૂ.14.49 લાખ હતી તે રૂ.17.16 લાખ આવક થી છે.

વિદેશમાં નિકાસ

બનાસકાંઠાવા દાડમ દુબઈ, યુએઈ, શ્રીલંકા, મલેશિયા દેશોમાં નિકાસ થાય છે. અહીંના દાડમ મુંબઈ, દિલ્હી, કોલકત્તા શહેરોમાં જાય છે.

વધુ વાંચો:

ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું

વલસાડમાં ગ્લોબલ વોર્મીંગના કારણે નવી જાત વનલક્ષ્મી આંબા સામે જોખમ 

દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી દેશે

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન વધતાં કમાણી વધી