રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે.
આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીશ્રીએ કરી છે.
આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે.
તદ્દઅનુસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.
રાજ્યના દરેક સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ-રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને જ અનાજ લેવા માટે બોલાવવામાં આવે. આગામી તા. ૪ એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યકિત-પરિવારોની યાદી સંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે.