આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020

વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમાં વર્ષોથી હાટબજાર ભરાય છે.

વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ સિદ્ધાર્થ ચૌધરી સહિત આગેવાનોએ મામલતદાર સમક્ષ હાટબજાર ચાલુ કરવા માટે અગાઉ રજૂઆત કરી હતી.

9 મહિનાથી હાટબજાર બંધ હોવાને કારણે વ્યવસાય બંધ પડ્યો છે. વ્યારા શહેરના હાટબજાર શનિવારે ચાલુ રાખી શકાતા હોય તો ગામડે ગામડે હાટબજાર કેમ ચાલુ ન કરી શકાય માંગણીને ધ્યાનમાં રાખી હાટબજાર ચાલુ કરાવવા આકરી માંગણી કરી છે.

નસવાડી ટાઉનમાં 212 ગામના આદિવાસી લોકો દર રવિવારે હાટ બજાર ભરાતો હોય છે. વડોદરા, છોટાઉદપુર, નર્મદા જિલ્લાના લોકો આવતા હોય છે. નસવાડી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા હાટ બજાર બંધ રાખવા નિર્ણય કરાયો હતો.

કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, ગૌણ જંગલ પેદાશો, જંગલી ફળફળાદિ, મધ, કપડાં, પાલતુ પક્ષીઓ, ઈંડા, પશુઓ, માછલી આનુસંગિક ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાની ચીજો વેચવા ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં આવા લગભગ 182 સાપ્તાહિક હાટ ભરાય છે. દરેક આદિવાસી તાલુકાનો એવો કોઈ ચોક્કસ સાપ્તાહિક દિવસ અનુસૂચિત જનજાતિ સમુદાય માટે નક્કી જ હોય છે જ્યારે આ હાટ ભરાય છે. ભાવ અન્ય બજારોની સરખામણીમાં નીચા હોય છે.

રાજ્યના મોટા ભાગના આદિવાસીઓ ઉત્તરે બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી દક્ષિણમાં દાંગ જિલ્લાના આહવા સુધીના વિસ્તારોમાં વસવાટ કરે છે. અહીં વસવાટ કરતા આદિવાસીઓ મોટે ભાગે પર્વતીય અને જંગલ વિસ્તારોમાં રહે છે.

11 જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી વધુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ.

નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આદિવાસી લોકોને દુકાન, શેડ, છત્ર સહિતનાં પાકાં કાયમી બાંધકામ પોષાય નહિ તેથી તેઓ ખુલ્લાં જ પોતાની વેચાણ વ્યવસ્થા ગોઠવે છે.

ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં અમુક સ્થળોએ અદ્યતન સુવિધાઓ જેવી કે માથે શેડ સાથેનો પ્લેટફોર્મ, પાર્કિંગ, ટોઈલેટની સુવિધા, વીજ-સુવિધા, પીવાના પાણીની સગવડ, સલામતી વ્યવસ્થા વગેરે માટેનાં અદ્યતન હાય બજાર વિકસાવવાની હતી.

પ્રથમ તબક્કે આવાં 12 હાટ બજાર વિકસાવવામાં આવવાના હતા. આવું પ્રત્યેક હાટ બજાર લગભગ રૂપિયા 2 કરોડમાં બનવાનું હતું. 2014-15માં 2 હાટ બજાર તાપી અને સુરત જિલ્લા માટે મંજૂર કરવામાં આવેલા હતા. 10 હાટ બજાર ઈ.સ. 2015-16સુધીમાં બનાવવાનું પણ નક્કી કરાયું હતું.

ઇ.સ. 1991ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 61.62 લાખ હતી. ઇ.સ. 2001માં 74.81 લાખ હતી. 2011માં 89 લાખ અને હાલ 1 કરોડની વસતી હોવાનો અંદાજ છે. ગુજરાતીન કુલ વસતીના 8.55 ટકા વસતી છે. જેમાં ભારે ભૂખમરો અને કુપોષણ જોવા મળે છે.