ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો

18 માર્ચ 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે.

ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પરમાર અને ઉપપ્રમુખ પદે અમૃત પટેલની વરણી થઇ છે.

નિયમ અનુસાર સભ્યોએ પોતાનો હાથ ઉંચો કરીને મત આપવાનો હોય છે.

જ્યારે ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર માટે મતદાન ચાલી રહ્યું હતું તે સમયે ભાજપના ઉમેદવારને કિરણ પરમારને સમર્થન આપવા માટે ભાજપના તમામ સભ્યોએ હાથ ઉંચો કર્યો હતો. તે સમયે કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર હંસાબેને પણ હાથ ઉંચો કર્યો હતો.

કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારનો મત ભાજપના પ્રમુખના ઉમેદવારના સમર્થનમાં ગણવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે જ ભાજપના ઉમેદવારને મત આપતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.