ગોંડલમાં ભાજપે નિયમોને નેવે મૂક્યા, નોટો ઉડાડી ધજાગરા કર્યા

ગોંડલમાં નગરપાલિકાના હોદ્દેદારોએ પદગ્રહણમાં 200-200ની નોટ ઉડાડી, કોઇ માસ્ક નહીં
16 Mar, 2021

ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તઓએ સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો અને હવે ચૂંટણી પછી પણ રાજકીય પક્ષના કાર્યકર્તા અને હોદ્દેદારો નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દો મળતા તેઓ નિયમોને ભૂલ્યા હોવાનો કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે. આ વરણી પછી ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી હતી. નગરપાલિકાના નવા હોદ્દેદારોએ ફૂલહાર પહેરીને ઉજવણી શરૂ કરી હતી. આ હોદ્દેદારોએ ફૂલના હાર પહેર્યા હતા પણ તેઓ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતા.

રિપોર્ટ અનુસાર ગોંડલ નગરપાલિકાના ભાજપના પ્રમુખ તરીકે શીતલ કોટડીયાની વરણી થઇ છે અને ઉપપ્રમુખ પદે સંજય ધીણોજાની વરણી કરવામાં આવી છે. શીતલ કોટડીયા નગરપાલિકાના ભાજપના પ્રમુખ બનતા તેમના પરિવારના સભ્યો આનંદમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી. શીતલ કોટડીયાના સસરાએ ઢોલી પર 200 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત ભાજપના અન્ય કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પણ આ ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સામાજિક અંતરનું પાલન કરવાનું અને માસ્ક પહેરવાનું કહી રહ્યા છે પણ ભાજપના નેતા અને કાર્યકર્તાઓ જ તેમની અપીલને ગણકારી રહ્યા નથી.

ગોંડલ નગરપાલિકાના જ ભાજપના હોદ્દેદારોએ નિયમોને નેવે મૂક્યા છે. જો સામાન્ય જનતા નિયમ ભંગ કરે તો તેમણે દંડ થાય છે પણ નેતાઓ કે, હોદ્દેદારો નિયમ ભંગ કરે તો તેમણે માન અને સન્માન. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી નવી રણનીતિ ઘડી રહ્યા છે અને બીજી તરફ ભાજપના જ નેતાઓ છડે ચોક નિયમોનો ભંગ કરી રહ્યા છે. ગોંડલ નગરપાલિકાના ભાજપના હોદ્દેદારોએ લોકોની ભીડ તો એકઠી કરી હતી પણ આ ભીડમાં મોટા ભાગમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. માત્ર એકલ દોકલ લોકોએ જ માસ્ક પહેર્યા હતા.

મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં ફરીથી કોરોના વાયરસના કેસ 800 કરતા વધારે નોંધાઈ રહ્યા છે. ચૂંટણી પછી કોરોનાના કેસ રાજ્યમાં બે ગણા થઇ ગયા છે. ત્યાર જો હજુ પણ નેતાઓ લોકોને એકઠા કરીને આવા કાર્યક્રમો કરતા રહેશે તો હજુ પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે.