IRNSS એ ભારતની GPS સિસ્ટમ છે. જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)’ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે.
ઈસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસાવી છે. આવી નેવિગેશન સિસ્ટમ ધરાવતો ભારત જગતનો ચોથો દેશ છે. ‘ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને (IMO)’ ભારતની આ સિસ્ટમને સ્વિકૃતિ આપતા IRNSSનો ઉપયોગ હવે હિન્દ મહાસાગરમાં ભારતની ભૂમિથી 1500 કિલોમીટર સુધીના વિસ્તારમાં નેવિગેશન માટે થશે. GPS એે વૈશ્વિક સિસ્ટમ છે, જેમાં 31 ઉપગ્રહોનો વપરાશ થાય છે.
ભારતે અત્યારના તબક્કે ભારત અને ભારતના સમુદ્રી વિસ્તાર પુરતી (રિજનલ) નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે, જેમાં સાત ઉપગ્રહનો ઉપયોગ થાય છે. સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારી જહાજોએ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે. પરંતુ અત્યાર સુધી તેમની પાસે GPS અને ચીન તથા યુરોપની સિસ્ટમ જેવા મર્યાદિત વિકલ્પો હતા. હવે ભારતની આ સ્વદેશી સિસ્ટમને આંતરરાષ્ટ્રીય મંજૂરી મળતા હિન્દ મહાસાગરમાંથી પસાર થતા જહાજો તેનો ઉપયોગ કરી શકશે. કોઈ પણ સમયે હિન્દ મહાસાગરમાં મોટા કદના 2500 જેટલા વેપારી જહાજો હોય જ છે. તેમને આ સિસ્ટમ બહુ ઉપયોગી થશે.
IMOની તાજેતરમાં મળેલી બેઠકમાં મેરિટાઈમ સેફ્ટી કમિટિએ ભારતની આ સુવિધાને મંજૂરી આપી હતી. અત્યાર સુધી ભારતે સમુદ્રમાં દિશાશોધન માટે GPS જેવી પરદેશી સિસ્ટમનો જ આધાર રાખવો પડતો હતો. સ્વદેશી સિસ્ટમ તૈયાર થયા પછી હવે એ મહોતાજી રહી નથી. ખાસ કરીને નૌકાદળના જહાજોનું સ્થાન ગુપ્ત રાખવાનું હોય ત્યારે ભારતની નેવિગેશન સિસ્ટમ ઘણી કામ લાગે છે. ભારતની ભૂમિથી 1500 કિલોમીટર સુધીનો દરિયો આવરી લેવાય એ માટે અલગ અલગ સ્થળે સાત ઉપગ્રહો કાર્યરત રખાયા છે.