[:gj]સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો [:]

SHAIKH GYASUDDIN
SHAIKH GYASUDDIN

[:gj]The MLA wrote a letter to the high court to guide the government in Corona

અમદાવાદ, 19 માર્ચ 2021

કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે.

માનનીય ચીફ જસ્‍ટીસશ્રી,

જયભારત સહ જણાવવાનું કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ મેચોમાં મેદની ભેગી થવાના કારણે સમગ્ર રાજ્‍ય અને ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં AMTS બસ સેવા, BRTS બસ સેવા, બાગ-બગીચાઓ, પ્રાણીસંગ્રહાલય, સરકારી-ખાનગી જીમ ફરજિયાત બંધ કરવાની ફરજ પડી છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં ત્રણ લાખ કરતાં વધુ કર્મચારીઓ ફરજ બજાવવાના હતા, હજારો ઉમેદવારો અને કરોડો મતદારો હતા ત્‍યારે ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયાથી શરૂ કરી વિજય સરઘસ નીકળ્‍યા ત્‍યાં સુધી લાખો લોકો રસ્‍તા પર નીકળવાના હતા ત્‍યારે ચૂંટણી મેળાવડાઓ, ચૂંટણી સભાઓ, રેલીઓ, જમણવાર, વિજય સરઘસ નીકળવાના કારણે કોરોના વકરશે તેવી દહેશત વ્‍યક્‍ત કરી કોરોના સંક્રમણ ઘટે ત્‍યારબાદ જ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ યોજવા માટે મેં નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. જેના અનુસંધાને સરકારે ત્રણ મહિના ચૂંટણીઓ મોડી યોજી, જો આ ચૂંટણીઓ છ મહિના મોડી યોજાઈ હોત તો કદાચ કોરોના સાવ જ કાબુમાં આવી ગયો હોત.

ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે નવનિર્મિત ક્રિકેટ સ્‍ટેડીયમમાં ‘નમસ્‍તે ટ્રમ્‍પ’ કાર્યક્રમ કરવામાં આવેલ, જેના કારણે અમદાવાદમાં એકઠા થયેલ લાખો લોકોને કારણે આપણે પરિણામો ભોગવી ચૂક્‍યા છીએ, છતાં અમદાવાદ શહેરમાં નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડીયમમાં રમાયેલ ક્રિકેટ મેચો દરમ્‍યાન સ્‍ટેડીયમમાં ૬૫-૭૦ હજારથી વધારે મેદની ભેગી થઈ, જેમાં રાજ્‍યના જવાબદાર મંત્રીઓએ હાજર રહી ક્રિકેટ રસિયાઓને પ્રોત્‍સાહન પૂરું પાડતા હોય તેમ નજરે દેખાયા. ક્રિકેટ મેચો દરમ્‍યાન સ્‍ટેડીયમમાં સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન યોગ્‍ય રીતે ન થવાના કારણે અમદાવાદ શહેરમાં કોરોના વધુ વકર્યો છે.

અમદાવાદ શહેરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્‍પિટલ સહિત સિવિલ હોસ્‍પિટલના કેમ્‍પસમાં કાર્યરત વિવિધ હોસ્‍પિટલો યુ.એન.મહેતા હાર્ટ હોસ્‍પિટલ, કીડની હોસ્‍પિટલ, કેન્‍સર હોસ્‍પિટલ તથા સોલા સિવિલ હોસ્‍પિટલ, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્‍પિટલો કોરોનાના દર્દીઓથી પૂર્ણ ભરાયેલ હતી. આ હોસ્‍પિટલોમાં જગ્‍યાઓ ઉપલબ્‍ધ ન હતી ત્‍યારે ખાનગી હોસ્‍પિટલોને ડેઝીગ્નેટેડ કરવાની સરકારને ફરજ પડેલ. કાબુમાં આવેલ કોરોના બાદ ડેઝીગ્નેટેડ કરેલ ખાનગી હોસ્‍પિટલો પરત કરવામાં આવેલ છે ત્‍યારે આ હોસ્‍પિટલોને પુનઃ ડેઝીગ્નેટેડ કરવાનો સમય આવી ગયો છે. રાજ્‍યમાં કોરોના વિસ્‍ફોટ થયો છે ત્‍યારે સરકારે પુનઃ ખાનગી હોસ્‍પિટલોને ડેઝીગ્નેટેડ જાહેર કરી કોરોના સંક્રમિત દર્દીઓને સરકારી ખર્ચે સારવાર આપવી જોઈએ.

ખાનગી હોસ્‍પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે ચોક્કસ પદ્ધતિ અને નિયમો બનવા જોઈએ અને ખાનગી હોસ્‍પિટલોનો ડેટા પણ દરરોજ જાહેર થવો જોઈએ. અગાઉ કોરોનાના સમયે ડેટા જાહેર થતો હતો પરંતુ તેમાં પારદર્શકતા ન હોવાના કારણે ખાનગી હોસ્‍પિટલોની પૂરતી માહિતી કોરોનાના દર્દીઓ અને સગાઓને ન મળતી હોઈ તેમણે હોસ્‍પિટલોમાં પ્રવેશ મેળવવા ભટકવું પડતું હતું. ખાનગી હોસ્‍પિટલોનો ડેટા દરરોજ જાહેર થાય અને રોજેરોજની માહિતી પ્રજાને મળવી જોઈએ જેથી કોરોનાના દર્દી જે-તે હોસ્‍પિટલમાં સીધા જઈ શકે અને તેની સમયસર યોગ્‍ય સારવાર થઈ શકે. ખાનગી હોસ્‍પિટલોનો ડેટા દરરોજ જાહેર થવા જોઈએ.

વી.એસ. હોસ્‍પિટલ અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દીધી હતી. એસવીપી હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલ, કીડની હોસ્‍પિટલ, કેન્‍સર હોસ્‍પિટલમાં ફક્‍ત કોરોનાના દર્દીઓની સારવાર થતી હતી અને ખાનગી હોસ્‍પિટલો અન્‍ય રોગોના દર્દીઓની સારવાર કરતા નહોતા, જેના પરિણામે કોરોના કરતા અન્‍ય રોગોથી મૃત્‍યુનું પ્રમાણ વધુ હતું. કોરોનાનું સંક્રમણ અત્‍યંત વધ્‍યું છે ત્‍યારે આ હોસ્‍પિટલોમાં કોરોનાની સાથોસાથ હાર્ટ, કીડની, કેન્‍સર વગેરે જેવા ગંભીર અને અન્‍ય રોગોની નિઃશુલ્ક સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં
મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડધારકોને ફરજિયાત મળી રહે તેવી વ્‍યવસ્‍થા તાત્કાલિક ગોઠવવી જોઈએ.

કોરોના સમયે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન કરવું અત્‍યંત જરૂરી છે, પરંતુ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ સ્‍ટેશનદીઠ દંડ ઉઘરાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવતો હતો જેના પરિણામે પોલીસની મહેરબાની પર નભતા નાના માણસો જેવા કે, પાથરણાવાળા, લારીવાળા, નાના દુકાનદારો વગેરે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન કરતા હોવા છતાં તેઓ પાસેથી ટાર્ગેટ પૂરો કરવા પોલીસ દ્વારા ફરજિયાત દંડ વસુલવામાં આવતો હતો. ઘણા કિસ્‍સાઓમાં એક વ્‍યક્‍તિ પાસે રૂ. ૧,૦૦૦ ન હોય તો ત્રણ વ્‍યક્‍તિઓ પાસેથી પૈસા ભેગા કરીને પણ રૂ. ૧,૦૦૦નો દંડ વસુલી એક પાવતી આપવામાં આવતી હતી. પોલીસ તંત્ર દ્વારા પ્રજા અને આવા નાના માણસો પ્રત્‍યે સહાનુભૂતિ રાખી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન થતું હોવા છતાં બળજબરીપૂર્વક દંડ ન વસુલવો જોઈએ.

કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્‍ટીંગની સંખ્‍યા વધારવી જોઈએ અને વેક્‍સીનેશનના કાર્યક્રમને ઝડપી બનાવવો જોઈએ.

અમારી ઉક્‍ત માંગણીઓ અન્‍વયે નામદાર હાઈકોર્ટે દ્વારા જનહિતમાં રાજ્‍ય સરકારને યોગ્‍ય માર્ગદર્શન અને આદેશ થાય તેવી નમ્ર વિનંતી છે.

આભાર સહ,

આપનો સ્‍નેહાધીન,

(ગ્‍યાસુદ્દીન શેખ)[:]