રાજકોટ, 6 મે 2021
કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે કોવિડ-19માં ફેફસાને પૂરતો ઓક્સિજન તથા લોહી ન મળવું, કાર્યક્ષમતા ઓછી થવી, લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાંથી ઓક્સિજન નથી મેળવી શકતો. પરિણામે દર્દીને ઓક્સિજન આપવો પડે છે.
વેન્ટિલેટર પર કે હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. પરંતુ, જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરિયાત વધારે હોય ત્યારે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે.
અલબત્ત, બેઈન સર્કિટનો ઉપયોગ કરતી વખતે દર્દીની સાથે અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસિરિસ્ટ (આઇ.સી.યુ સ્પેશિયલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે.
આ અંગે એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદનાબેન પરમાર જણાવે છે કે, દિવસમાં 30 મિનિટ યોગ, પ્રાણાયમ તથા ઊંડા શ્વાસની સાથે ઓમકાર બોલવા. નિયમિત રીતે સાયકલિંગ કે રનિંગ કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે બેઇન સર્કિટ?
બેઈન સર્કિટમાં બે નળીને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે, જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં ફુગ્ગા જેવી એક રિઝરવોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રિઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી શકે છે. તેમાં ગરમી અને ભેજના સુચારુ વિનિમય માટે એચ.એમ.ઈ. (HME – Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે. આ કિટને કેમિકલમાં સ્ટરિલાઇઝ્ડ કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય છે. સર્કિટની કિંમત રૂ. ૮૦૦થી ૯૦૦ જેટલી હોય છે. આ ઉપરાંત, કોરોનાના અમુક દર્દીઓને CPAP – Continuous positive airway pressure માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે.